National

બિહાર ચૂંટણી દરમિયાન BJP સાંસદ પાસેથી 10 કરોડની ખંડણીની માગણી, પુત્રને જાનથી મારવાની ધમકી આપી

બિહારમાં ચૂંટણીનો માહોલ ગરમ બન્યો છે. ત્યારે એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા ગુનેગારોએ બેતિયા જિલ્લાના BJP સાંસદ સંજય જયસ્વાલ પાસેથી રૂ 10 કરોડની ખંડણી માંગી છે અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના તબક્કાઓ નજીક આવતા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે બેતિયાથી ચોંકાવનારી માહિતી મળી છે. BJP સાંસદ સંજય જયસ્વાલ પાસેથી અજાણ્યા ગુનેગારોએ ફોન દ્વારા રૂ 10 કરોડની ખંડણી માંગી છે. જો પૈસા ચૂકવવામાં નહીં આવે, તો તેમના પુત્ર ડૉ. શિવમ જયસ્વાલને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

આ ઘટનામાં તા.23 ઓક્ટોબરના રોજ ગુનેગારોએ બપોરના સમયે અલગ-અલગ મોબાઇલ નંબરો પરથી સાંસદના પરિવારને બે વાર ફોન કર્યો હતો. ફોન પર ખંડણીની માંગણી સાથે ધમકીઓ આપવામાં આવી હતી.

આ અંગે સાંસદ સંજય જયસ્વાલે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળતા જ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા મળતી પ્રાથમિક માહિતી મુજબ ફોન નંબરના આધારે ગુનેગારોના લોકેશન ટ્રેસ કરવાની પ્રક્રિયા ચાલુ છે.

પોલીસે આ મામલે એક ખાસ ટીમ બનાવી છે. જે ખંડણી માગનારાઓ સુધી પહોંચી શકે તે માટે દોડધામ કરી રહી છે. બિહાર પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે “દોષિતોને જલદી ઝડપાશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.”

ચૂંટણીની વચ્ચે તણાવભર્યો માહોલ
હાલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન તા. 11 નવેમ્બરના રોજ યોજાશે. મતોની ગણતરી 14 નવેમ્બરના રોજ થશે.

આ ઘટનાએ ચૂંટણી વચ્ચે રાજકીય તાપમાન વધાર્યું છે. એક તરફ NDAના નેતાઓ ફરી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે મહાગઠબંધન સત્તા જાળવી રાખવા માટે પ્રચારમાં વ્યસ્ત છે.

આવા સંજોગોમાં BJP સાંસદને મળતી ખંડણી અને ધમકીઓનો આ કેસ સમગ્ર બિહારના રાજકીય માહોલને વધુ સંવેદનશીલ બનાવી રહ્યો છે.

Most Popular

To Top