Columns

દુર્ગુણરૂપી ઝેરથી પણ મુકિત મેળવવાનો સરળ ઉપાય છે

દુર્ગુણરૂપી ઝેર જે આપણામાં ઘર કરી ગયું છે તે દૂર કરવા નિષ્ઠા – સમજપૂર્વકના પ્રયાસો સાવ નિષ્ફળ તો નહીં જ જાય. લોભની વૃત્તિ સંતોષની ભાવનાથી કંઇક અંશે સંતોષમાં ફેરવી શકાય. આ નથી, તે નથી…. કરવાને બદલે ભગવાને ઉમદા મનુષ્ય જીવન આપ્યું છે અને તે જીવાડે છે. દયામય પ્રભુ આપણી આવશ્યક જરૂરિયાતોનો ખ્યાલ રાખે છે ને? આવી ભાવના આપણને તો તૃપ્ત કરશે જ પરંતુ આપણા સંપર્કમાં આવનાર પર પણ આપણે સંતોષી હોવાની છાપ પાડશે. અને આ સંતોષ, તૃપ્તિ કે શાંતિ શરૂઆતમાં ભલે નજીવી કેમ ન હોય?

મોહ-મમતા જાગે ત્યારે જરૂર વિચારીએ શું ખરેખર આ વસ્તુ આપણી છે? અને આપણી જ છે તો આપણી ઇચ્છા વગર અલગ કેમ થાય છે? આપણી માની લીધેલી કોઇ પણ વસ્તુ હંમેશાં તો આપણી સાથે નથી રહેતી કે રહેવાની. ખૂબ જ નિકટનું આપણું આ શહેર પણ તો આપણને સાથ નથી આપતું. બહુ લોકો કહેતા હતા કે શરીર તો મારું છે પણ સાથે તો નહીં ગયું. ચિતાની રાખ બની ગઇ તો પછી ગણી – ગાંઠી વસ્તુઓને આપણે ‘આપણી’ કેમ માનીને મમત કરીએ છીએ? એ તો ભ્રમ છે. આવા વિચારો આપણે આપણામાં જગાવતા રહીએ તો જયારે મોહનો પ્રસંગ ઊભો થાય ત્યારે મોહ છોડવાનો વિચાર પણ પાછળ – પાછળ આવશે જ. તેમ થવાથી મોહભંગની વ્યથા -દુ:ખથી બચી જવાશે.

નિત્ય – સત્ય પરમાત્મા તરફ આગળ વધવાનો માર્ગ ખૂલશે. એવી રીતે બીજાની પ્રગતિ કે ઉન્નતિ જોઇને ઇર્ષા કે જલનનો ભાવ જાગૃત થાય તે પહેલાં જ આનંદની વૃત્તિ જગાવીએ. કોઇકનું ભલું થતું હોય, પ્રગતિ થતી હોય તો આનંદિત થઇને તેને શુભેચ્છા પાઠવી અને તેના સુખમય જીવનની કલ્પના કરવી જોઇએ. મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજના દસ નિયમોનો એક નિયમ એ પણ છે કે ‘હમે સબકી ઉન્નતિ મેં અપની ઉન્નતિ દેખની ચાહીએ’ – બીજાની પ્રગતિ, ઉન્નતિ જોઇ આનંદની ભલી લાગણી વ્યકત કરવામાં આપણું પણ માન રહે. દુર્ગુણો અને તેનો પ્રતિકારનું બસ આટલું રૂપ નથી. દુર્ગુણો તો વિવિધ પ્રકારે – વિવિધ મનુષ્યોમાં વ્યકત થતા રહે છે. તેને અનુરૂપ પ્રતિકારના ઉપાય કરવા જોઇએ. એક પ્રક્રિયા એવી પણ છે કે, જેમ ઝેરનું મારણ ઝેર. કયારેક અલ્પ માત્રામાં વિવેકબુદ્ધિથી ઝેરનો ઉપયોગ લાભદાયી પણ બની શકે.

આપણામાં રહેલી ઘૃણા સાવ દૂર ન થાય તો કંઇ વાંધો નહીં આપણામાં રહેલી દંભ – દેખાડાની વૃત્તિ જેમ કે હું બહુ સારો છું, સજજન છું, પવિત્ર છું એવી દંભની વૃત્તિની ઘૃણા કરી, મનોમંથન કરીએ. એક સંસ્કૃત શ્લોક છે. જેનો ભાવાર્થ એવો છે કે મને રાજયસુખ નહીં જોઇએ. સ્વર્ગસુખ પણ નહીં, મોક્ષસુખની પણ જરૂર નથી…. હું ઇચ્છું છું કે, દુનિયામાં દુ:ખ – તાપથી પીડિત સમસ્ત પ્રાણીઓના દુ:ખ દૂર થાય…. સહુ સુખી થાય…’ – સર્વે ભવન્તુ સુખિન:’ નો પણ આજ ભાવ છે. કોઇનું ભલું ઇચ્છવામાં – આપણું શું જાય છે? ક્રોધ મનની ચંચળતા પર આવવો જોઇએ કે જે વારંવાર આપણને અજંપો આપે છે. લોભ – ભગવાનની આપણા પર અપાર – અસીમ કૃપા છે’ તો તેનો આભાર માનવા તેને ગમતાં કાર્યો કરવા માટે લોભ હોવો જોઇએ.

‘હું શું કરું કે જેથી ભગવાન ખુશ રહે. આવી વૃત્તિ અને આચરણથી આપણામાં તમોગુણ ઘટે અને સદ્‌ગુણોની, સદ્‌વૃત્તિઓની વૃધ્ધિ થાય. આ બધી વાતો કહેવી જેટલી સરળ છે તેટલી આચરણમાં મૂકવી આપણને કઠીન લાગે છે. જો તે માટે ધીરજ, નિષ્ઠા, દૃઢ સંકલ્પ, સંભવ ન હોય તો. એક કામ તો થઇ જ શકે. જે ભગવાનની કૃપાથી અનંત સદગુણો આવે છે. જે સ્વયં સદ્‌ગુણોની ખાણ છે તેમના હાથમાં આપણે આપણી જાતને પૂર્ણરૂપે સોંપી દઇએ એટલે કે ‘શરણાગત’ બની જઇએ. તેને શરણે જઇએ…. સાચા હૃદયથી શ્રદ્ધા – વિશ્રામપૂર્વક ‘શરણે’ જવાથી આપણા ‘અહમ’ને સ્થાને પ્રભુની સત્તા વ્યકત થશે.

પણો અજંપો, અજ્ઞાન – દોષ દુ:ખ દૂર થઇ જશે. ‘હરિ ઇચ્છા બલિયસી’ બની જશે. શ્રી રંગ અવધૂતજી વિરચિત જાણીતી દત્ત બાવનીમાં પણ કહ્યું છે ને કે ‘શરણાગતનો તારણહાર’ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે લજજા – ભય – માન – મોટાઇ – આસકિત તેમજ શરીર અને સંસાર પ્રત્યેના અહમ્‌ -મમતાથી રહિત થઇને કેવળ એક પરમાત્માને પરમ આશ્રય, પરમ ગતિ – સર્વસ્વ સમજી અનન્ય ભાવથી શ્રદ્ધા, ભકિત, પ્રેમ ભાવે ભગવાનના નામ – ગુણ – પ્રભાવનું ચિંતન – કરી તેને ધ્યાનમાં રાખી – કર્તવ્ય – કર્મોનું નિ:સ્વાર્થભાવે આચરણ કરવું એ સર્વ રીતે પરમાત્માના શરણે રહેવું છે.

ખૂબ જ જાણીતી ગુજરાતી પ્રાર્થનામાં પણ એ જ કહ્યું છે.
‘હું હરિનો હરિ મમ રક્ષક – એહ ભરોસો જાય નહીં.
હરિ જે કરશે તે મમ હિતનું, તે નિશ્ચય બદલાય નહીં.
શરણે સર્વે સોંપ્યું ત્હારે હું પણ શરણે ત્હારે’ -શ્રી ગુરુદેવ
-શ્રીજીવ વ્યાસ

Most Popular

To Top