SURAT

‘આ લે પોલીસની વર્દીને એપોઈન્મેન્ટ લેટર, તારું પોસ્ટિંગ થઇ ગયું’ કહી સુરતના યુવાનને લૂંટી લીધો

પલસાણા: સુરત (Surat)ના લિંબાયત ખાતે રહેતા 24 વર્ષીય યુવાનને બલેશ્વરના એક યુવાને પોતે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન (Kadodara gidc police station)માં નોકરી કરતો હોવાનું જણાવી સુરતના યુવાનને કડોદરા પોલીસ સ્ટેશનમાં નોકરી (job) અપાવવાનું જણાવી 1.10 લાખ રૂપિયા ખંખેરી લેતાં ઘટના અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (FIR) નોંધાતાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લિંબાયત મદીના મસ્જિદની બાજુમાં રહેતા ગુલામ અહમદ પઠાણ (ઉં.વ.24)એ ગત તા.6-8-2021ના રોજ તેના મામાની દીકરી પ્રવીણાબાનુ સાથે લગ્ન કર્યાં હતાં. એ સમયે વસીમ શેખ નામનો યુવાન કડોદરા પોલીસ સ્ટેશનમાં નોકરી માટે આવ્યો હતો અને પોતે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભરતી થયો હોવાનું જણાવ્યું હતું. એ સમયે ગુલામ અને વસીમે એકબીજાને મોબાઈલ નંબર આપ-લે કર્યા હતા. ગત 8 ઓગસ્ટના રોજ ગુલામે વસીમ ઉપર ફોન કરી જણાવ્યું હતું કે, મારી ભરતી થઈ ગઈ છે અને નોકરી ચાલુ કરી દીધી છે. મને પોલીસ અધિકારી ઓળખે છે. જો તું પોલીસમાં ભરતી થવાનો હોય તો તારે 1.10 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. જો કે, ગુલામ પાસે પૈસાની સગવડ ન હોવાનું જણાવી તેણે ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ અવારનવાર વસીમ ગુલામને ફોન કરી મળવા માટે બોલાવતો હતો. ગત તા.16 ઓગસ્ટના રોજ વસીમ ખાખી યુનિફોર્મ પહેરી ગુલામના ઘરે પહોંચ્યો હતો. અને પોલીસમાં નોકરી અપાવવાનો ભરોસો આપતાં ગુલામે 20 હજાર રૂપિયા વસીમને આપ્યા હતા. ત્યારબાદ વસીમને તા.16 સપ્ટેમ્બરના રોજ વધુ 20 હજાર રૂપિયા આપ્યા હતા.

આમ છૂટક છૂટક 1.10 લાખ રૂપિયા વસીમે ગુલામ પાસે ખંખેરી લીધા હતા. અને 18 સપ્ટેમ્બરના રોજ વસીમ ગુલામના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ખાખી યુનિફોર્મનું કાપડ જી.પી.ના બક્કલવાળા મરૂન કલરનો બેલ્ટ, પોલીસની ટોપી, વ્હીસલ, પોલીસનું ખાખી માસ અને એક પોલીસના બૂટ, પ્લાસ્ટિકની લાકડી તેમજ ગુજરાત પોલીસના લોગોવાળો બોગસ એપોઈન્મેન્ટ લેટર (appointment letter) આપી જણાવ્યું હતું કે, તારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)માં પોલીસ તરીકે નોકરી લાગી છે. ત્યારબાદ તે ત્યાંથી જતો રહ્યો હતો અને 22 સપ્ટેમ્બરે ગુલામ કામ અર્થે કડોદરા ચાર રસ્તા ખાતે આવ્યો હતો. ત્યારે કડોદરા પોલીસ ચોકીમાં પહોંચી વસીમ પોલીસવાળા અંગે પૂછતાં આવી કોઈ વ્યક્તિ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી ન હોવાનું જાણવા મળ્યું હતું.

જેના આધારે શંકા જતાં ગુલામે તપાસ કરતાં બલેશ્વરનો વસીમ શેખ પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે કડોદરા પોલીસ મથકે ગુલામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top