SURAT

નશો પણ નકલી, સુરતના સારોલીમાંથી 4 કરોડના ડુપ્લીકેટ પાનમસાલા અને ગુટખા પકડાયા

સુરતઃ સુરત જાણે નકલી ચીજવસ્તુઓનું એપીસેન્ટર બની ગયું હોય તેમ લાગે છે. પનીર, ઘી, તેલ બાદ હવે નશાકારક પદાર્થો જેવા કે તમાકુ, ગુટખા અને પાન મસાલા પણ ડુપ્લિકેટ વેચાઈ રહ્યાં છે. સુરત પોલીસે સારોલીના એક ગોડાઉનમાં રેડ કરીને તપાસ કરતાં દિલ્હીથી લવાયેલો અંદાજે 4 કરોડથી વધુની કિંમતનો ગુટખા-પાન મસાલા સહિતની ટોબેકોની ડુપ્લીકેટ આઈટમ મળી આવી હતી. પોલીસે તમામ જથ્થો કબ્જે કરીને આગળી તપાસ હાથ ધરી છે.

સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી બ્રાન્ચ દ્વારા સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ ખાતે પ્રિન્સ એસ્ટેટના એક ગોડાઉનમાં રેડ કરી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.6 કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો છે. ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનથી ગોડાઉનમાં લાવી અહીં પેક કરી અન્ય સ્થળોએ મોકલાતો હતો. પોલીસે આ પ્રકરણમાં કુલ રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી ત્રણને ઝડપી પાડી અન્ય બે ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેર પોલીસની પીસીબી-એસઓજી શાખાએ મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકની હદમાં આવેલા સણીયા હેમાદ સ્થિત પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજીસ્ટીકના ગોડાઉનમાં દરોડો પાડયો હતો. પોલીસે ત્યાંથી ડુપ્લીકેટ ગુટખાનો રૂ.6કરોડથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો.

ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો દિલ્હી ખાતેથી મહાવીર સખારામ નૈણ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ગુટખાના જથ્થા ઉપર કાનુની ચેતવણી પણ લખવામાં આવી ન હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે. દિલ્હીથી લવાયેલા ડુપ્લીકેટ તમાકુ મિશ્રિત ગુટખા, પાન મસાલાના પાઉચ પૈકી ગુટખઆના પાઉચ ઉપર કોઈ જગ્યાએ સહેલાઈથી દેખાય શકે તે રીતે ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નિંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઈ છાપ કે છબી છાપેલી નહોતી. અંગ્રેજી કે ભારતી ભાષામાં ચેતવણી નહોતી. આ સ્થળ પરથી ગુટખાનો જથ્થો અન્ય સ્થળોએ મોકલાતો હતો.

પોલીસે આ પ્રકરણમાં ગુટખા ઉપરાંત બે ટ્રક, અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા હાલમાં વિશાલ રાજીવકુમાર જૈન, સંજય સીતારામ શર્મા અને સંદિપ જયવીર નૈણને ઝડપી લેવાયા છે. તેમજ દિલ્હીથી માલ મોકલનાર મહાવીર સખારમ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદવને વોન્ટેડ જાહેર કર્યા છે.

Most Popular

To Top