Charchapatra

ડુપ્લીકેટ આધાર: જાગે સરકાર

ડુપ્લીકેટ આધારકાર્ડ સંદર્ભે તા.૧૭.૧૨.૨૨ ના તંત્રીલેખમાં વાજબી ચિંતા વ્યક્ત થઈ છે. ઓળખ અને રહેઠાણના પુરાવા માંગવા બાબતે પણ વિવિધ સરકારી, ખાનગી સંસ્થાઓમાં એકસૂત્રતા નથી. કોઈ આધારકાર્ડ માંગે છે તો કોઈ એની સાથે મકાનનું વેરાબિલ માંગે છે. પરિણામે એક કરતા વધુ ડોક્યુમેન્ટ બાબતે પ્રજા મૂંઝવણ અનુભવે છે અને હેરાન પરેશાન થાય છે. આધાર, પાન અને એવા અન્ય જરૂરી પુરાવાઓ લિંક કરીને કોઈ એક જ કાર્ડ માન્ય કરવામાં આવે તો ખોટા પુરાવા રજૂ કરી લાભ લેનારા પકડાઈ જાય અને સામાન્ય પ્રજા ધરમધકકા, તકલીફોમાંથી મુક્ત થાય. આધારકાર્ડ આવ્યા પછી હવે આ એક જ પુરાવો પૂરતો છે એ માન્યતાનો ભ્રમ ભાંગી ગયો છે. છાશવારે નવા ગતકડાં એમ સાબિત કરે છે કે વિકસિત દેશોની જેમ વ્યક્તિના પુરાવા બાબતે આપણે ત્યાં ફૂલપ્રૂફ વ્યવસ્થા કરવામાં સરકાર સફળ થઈ શકી નથી. ડુપ્લીકેટ ચલણી નોટો, ડુપ્લીકેટ આધાર – પાન, ડુપ્લીકેટ માર્કશીટના સમાચારો અવારનવાર આવે છે, ગુનેગારો પકડાય છે છતાં આ ધંધો ચાલ્યા કરે છે. પરિણામે કોઈને વાંકે કોઈ લાભથી વંચિત રહી જાય છે. આખરે આ બધું જંગી બહુમતીથી ચૂંટાયેલી કેન્દ્ર અને રાજ્યની સરકારો નહીં જુએ તો કોણ જોશે?
સુરત  – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

બધાં જ મૂરખ
તા. 30.9.22ના ગુ.મિ.માં હેતા ભૂષણની કોલમ ચાર્જીંગ પોઇન્ટમાં ઉપરના મથાળા વિષે સુંદર દાખલો આપ્યો છે. એક રાજાને દરબારમાં બધા જ બુદ્ધિશાળી વિદ્વાન હોવાથી એક મૂરખ દરબારી રાખવાનો તુક્કો સૂઝે છે જેથી દરબારનું ગંભીર વાતાવરણ હળવું બને અને બધાને આનંદ મળે. દરબારમાં તો રોજ મૂરખ બધાને હસાવીને આનંદ આપે છે પરંતુ રાજાને પ્રવાસમાં સાથે જતાં એક બહુ જ્ઞાનની બુદ્ધિપૂર્વક વાત કરે છે. રાજા બિમાર પડે છે અને હવે તેને પોતાનો અંત દેખાય છે ત્યારે મૂરખ દરબારી રાજાને બે ત્રણ સવાલ પૂછી હતપ્રભ કરી દે છે. રાજાને પૂછે છે કે મૃત્યુ પછી તમે ભગવાન પાસે કેટલા દિવસ રહેશો. રાજા કહે છે કે મૃત્યુ પછી મનુષ્ય કાયમ ઉપર રહેવાની ભારે તૈયારી કરી હશે? ત્યારે રાજાને ભાન થાય છે કે કાયમ માટે ઉપર રહેવાની તો કોઇ તૈયારી જ નથી.

ત્યારે મૂરખ કહે છે કે નીચે ઓછો વખત રહેવા તમે કેટલી બધી તૈયારી કરો છો અને ઉપર ભગવાન પાસે જવા માટે કોઇ તૈયારી નહીં. નીચે પૃથ્વી પર રાજપાટ, મહેલ, વાહન વગેરેની કેટલી બધી તૈયારી આપણે કરીએ છીએ. ત્યારે રાજાને ખરું જ્ઞાન થાય છે જે એક મૂરખ દરબારી આપે છે. વિદ્વાન અને જ્ઞાની દરબારીઓએ તો કોઇ દિવસ આવી ચર્ચા કરી જ નથી! જે વાત પૃથ્વી પર રહેલા કહેવાતા જ્ઞાની અને સંત મહાત્માઓ પણ પ્રજાને સમજાવી શકતા નથી. એટલે આપણે મોટા ભાગનાં લોકો મૂરખમાં જ ખપીએ છીએ. બધા ધર્મો પોકારીને કહે છે કે ઇશ્વર ભગવાન એક જ છે અને તે આપણી અંદર જ બેઠેલો છે. ત્યારે લોકો એને મંદિર, મસ્જિદ, ચર્ચમાં શોધે છે.

જુદા જુદા કહેવાતા ધર્મો ઉત્પન્ન કરી જુદા જુદા મંદિર, મસ્જિદ, ચર્ચ બનાવે છે. એક વાડબંધીવાળા ધર્મનાં લોકો બીજા ધર્મનાં લોકો સાથે લડાઇ ઝઘડામાં ઉતરે છે ત્યારે કોઇ કહેવાતા સંતો મહાત્માએ લોકોને સાચી વાત સમજાવવા જતા નથી. બધા રાજા કરતા પણ ઠાઠમાં, એશઆરામમાં રહેવા માંગે છે. તેઓ દુશ્મનાવટ ઊભી કરી લોકોને આપસમાં લડાવી મારે છે. ભગવાનને શોધવા મનુષ્ય પોતાની અંદર જોતો નથી અને આખા બ્રહ્માંડમાં ઇશ્વરને શોધવા નીકળે છે. પોતાની અઢળક સંપત્તિ એકબીજા ગરીબ મનુષ્યોને વહેંચવા કરતાં મંદિર, મસ્જિદોમાં લૂંટાવે છે. વેડફે છે. જો મનુષ્યો મૂરખ દરબારીની વાત સમજી એકબીજા સાથે હળીભળી રહે તો સ્વર્ગ શોધવાની જરૂર જ નથી. આ વાત ટૂંકાણમાં સમજાવવા ગુજરાતના કવિ ઉશનસ્ ગાઇ ઊઠે છે કે ના મંદિર જા, ના મંદિર જા, જવું જ તો તવ અંદર જા. કયાં કયાં ભટકીશ બ્રહ્માંડોમાં મૂળમાં નિજની અંદર જા.
પોંડીચેરી                  – ડો. કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top