નડિયાદ: નડિયાદમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં સાત મિત્રો અન્ય એક મિત્રના ભાણાના લગ્નમાં હાજરી આપી ખંભાતથી ગાડીમાં પરત ફરી રહ્યાં હતાં. તે વખતે તેમની બેકાબુ બનેલી કાર આગળ જતાં ડમ્ફર પાછળ અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. જ્યારે ૫ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ખંભાત રૂરલ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નડિયાદમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં મોનુભાઈ ભાઈલાલભાઈ પટેલ, ધવલભાઈ સુભાષભાઈ દેસાઈ, ગૌતમભાઈ પ્રદ્યુમનભાઈ પટેલ, જયેશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રણવભાઈ ચીમનભાઈ પટેલ અને સમીપભાઈ કનુભાઈ પટેલ બુધવારના રોજ તેમની સોસાયટીમાં રહેતાં કપીલભાઈ વસંતભાઈ રબારીના ભાણાના લગ્નમાં હાજરી આપવા માટે ખંભાત ગયાં હતાં.
લગ્નપ્રસંગ પતાવ્યાં બાદ રાત્રીના દશેક વાગ્યાના અરસામાં આ તમામ ઈસમો અર્ટીગા ગાડી નં જીજે ૦૭ ડીબી ૯૪૦૭ લઈને પરત નડિયાદ જવા નીકળ્યાં હતાં. દરમિયાન ખંભાત તાલુકાના બામણવા ગામ નજીક અર્ટીગા ગાડીના ચાલક સમીપભાઈ કનુભાઈ પટેલે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં કાર આગળ જતી ડમ્ફર નં જીજે ૩૬ ટી ૮૪૫૦ પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ ઈસમો ઈજાગ્રસ્ત બન્યાં હતાં. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલાં મોનુભાઈ ભાઈલાલભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવ અંગે પ્રિતેશભાઈ ભાઈલાલભાઈ પટેલની ફરીયાદને આધારે ખંભાત રૂરલ પોલીસે અર્ટીગા ગાડીના ચાલક સમીપભાઈ કનુભાઈ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.