અંક્લેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) ખાતે વાલિયા ચોકડી નજીક એક ટેન્કરને (Tanker) ડમ્પરચાલકે ટક્કર મારતાં નેશનલ હાઇવે (National Highway) ઉપર રસાયણયુક્ત પ્રવાહી રસ્તા ઉપર ઢોળાયું હતું. આ કેમિકલયુક્ત (Chemical) પાણી માર્ગ ઉપર ફરી વળતાં પ્રદૂષણ (Pollution) ફેલાઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તરફથી સુરત તરફ રસાયણયુક્ત પ્રવાહી ભરીને જતા એક ટેન્કરચાલકને વાલિયા ચોકડી નજીક અકસ્માત નડ્યો હતો. ડમ્પરચાલકે આ ટેન્કરને ટક્કર મારતાં વાલ્વમાંથી પ્રદૂષિત પાણી જાહેર માર્ગ પર ઢોળાવા લાગ્યું હતું. આ પ્રદૂષિત પાણી મુખ્ય નેશનલ હાઇવે ઉપરથી સર્વિસ રોડ ઉપર ફરી વળ્યું હતું. જેના કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હોવાની ફરિયાદો ઊઠી હતી.
આ બનાવની જાણ થતા જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા નર્મદા ક્લીન ટેક કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, અને સેમ્પલ લીધાં હતાં. જો કે, ત્યારબાદ આ પ્રદૂષિત પાણી ઉપર માટી નાંખી તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તો એનસીટી અને જીપીસીબીએ એસિડિક વોટરના નમૂના લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો બી જી તરફ ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામે પરિયેજ માઈનોર કેનાલ ઘણા સમયથી લીકેજ થતી હોવાથી આજુબાજુનાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઇ રહ્યું છે
ટંકારીયામાં કેનાલ લીકેજ થતાં ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાનની ભીતિ
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામેથી પસાર થતી પરિયેજ માઈનોર કેનાલ ઘણા સમયથી લીકેજ આજુબાજુનાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઇ રહ્યું છે. ખેતરોમાં લીકેજને કારણે પાણીનો વ્યય થતાં મગ સહિત ઊભા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ વારંવાર તંત્રને રજૂઆત છતાં હજુ આળસ ખંખેરી નથી.
ટંકારીયા ગામમાંથી પસાર થતી પરિયેજ માઈનોર કેનાલ પસાર થાય છે. તંત્રના વાંકે ટંકારીયા ખાતે ઘણા સમયથી કેનાલ લીકેજ થતાં આજુબાજુનાં ખેતરો પાણીમયી બની ગયા છે. કેનાલ વિભાગની આળસને કારણે લીકેજથી પાણી બેફામ વહી રહ્યું છે. લીકેજને કારણે લગભગ 8 વીઘાં જમીનમાં પાણી ફેલાઈ ગયું છે. જેને કારણે મગ સહિતના ધાન્ય પાકો બગડતાં ખેડૂતોએ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. અકળાયેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઘણા સમયથી કેનાલમાં લીકેજનો પ્રશ્ન ઉદભવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ સાંભળતું નથી. આખરે ખેડૂતોના પ્રશ્નનો હવે નહીં ઉકેલ લાવે તો આખરે લડતનું રણશિંગું ફૂકીશું એવી ચીમકી આપી હતી.