સુરત: શહેરના ડુમસ (Dummas) વિસ્તારમાં આવેલા ઝાડી ઝાંખરામાં આજે વેસુની શ્રમજીવી નેપાળી પરિવારની માસૂમ બાળકી પીંખાતી બચી ગઈ હતી. ડુમસ પોલીસની (Police) કુશળ કામગીરીને લીધે એક મક્કાઈ ભેળની લારી ચલાવતી મહિલા રમીલાબેને બાળકીને બાઈક પર ઝાડી ઝાખરામાં લઈ જતા યુવકને અટકાવી પુછપરછ કરી હતી. યુવક શંકાસ્પદ જણાતા મહિલાએ પોલીસને જાણ કરી હતી.
- વેસુથી 11 વર્ષની બાળકીને ઉધનાનો 35 વર્ષનો યુવક બાઈક ઉપર ડુમસ ઉંચકી ગયો
- બાળકી સાથે અઘટીત ઘટના બનતી રોકતી ડુમ્મસ પોલીસ
વેસુ ખાતે શ્રમિક પરીવારની 11 વર્ષની બાળકી સવારે લોટસ સ્કુલની પાસેથી જતી હતી. ત્યારે બાળકીની એકલતાનો લાભ લઇ ઉધના ખાતે રહેતો દિપક સત્યનારાયણ ચાવલા (ઉ.વ.૩૫ રહે- દિપેશ્વરી એપાર્ટમેંટ, ઉધના તથા મુળ બિકાનેર, રાજસ્થાન) પોતાની બાઈક ઉપર બાળકીને લલચાવી ફોસલાવી ચોકલેટની લાલચ આપીને લઈ ગયો હતો. બાઈક પર બેસાડી બાળકી સાથે શારીરીક અડપલા કર્યા હતા. બાળકીના અડપલા કરતા કરતા બાળકીને ડુમસ લઈ ગયો હતો. નરાધમ આ બાળકીને લઇ ડુમસના બીચ પર આવેલા ઝાંડી ઝાખરામાં જઇ રહ્યો હતો.
બાળકી સાથે અંદર જતા જોઈને મકકાઇ ભેળની લારી ચલાવતા રમિલાબેન સુરેશભાઇ ઢોડીયા પટેલનું ધ્યાન ગયું હતું. મહિલાએ સમય સુચકતા વાપરી આ બન્ને જણાને સ્થળ પર રોક્યા હતા. મહિલાએ યુવકને કેમ અંદર જાય, બાળકી કોણ છે પુછતા તેના ચહેરા પર ડર જોઈને તેમને ડુમસ પોલીસને જાણ કરી હતી. જેથી ડુમસ પોલીસના પો.કો ઇશ્વરભાઇ બબાભાઇ સ્થળ પર પહોંચી ગયા હતા. બંનેને પોલીસ સ્ટેશનમાં લવાયા હતા. અને નરાધમની સામે વેસુ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસને લોકો સાથેનું સંકલન કામ આવ્યાનું ઉત્તમ ઉદાહરણ
ડુમસની અંદર આવેલા બીચની આજુબાજુના ઝાંડી ઝાખરા વિસ્તાર છે. ત્યાં આવી ઘટના ઘટવાની શકયતા રહેલી હોય છે. ડુમસ પીઆઈ અંકિત સોમૈયાએ અગાઉથી જ આ બાબતે બીચની આજુબાજુના ઝાંડી ઝાખરા વિસ્તારમાં રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત પેટ્રોલીંગ રાખ્યું હતું. સાથો સાથ આ ડુમસ બીચ ઉપર મક્કાઇ ભેળની લારીઓવાળા તથા દરીયામા માંછીમારી કરવા જતા લોકોને ફ્રેન્ડ ઓફ પોલીસ તરીકે બનાવ્યા હતા. આ તમામ લોકોનું પોલીસ સાથે સંકલન કેળવાયેલુ છે. તેમજ એકબીજાના મોબાઇલ નંબરોની આપ લે કરવામાં આવી છે.