સુરત પાલિકાના 166 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલા ‘ડુમસ સી-ફેસ’ પ્રોજેક્ટને હવે સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવાની યોજના હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી, ખાસ કરીને રજાઓ અને સપ્તાહના અંતે, 10થી 15 હજાર પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે, જેના કારણે સ્વચ્છતા જાળવવી એક મોટો પડકાર બની ગયો છે. લોકોએ અહીં ભારે ગંદગી મચાવી દીઘી છે. જયાં જુઓ ત્યાં કચરાનો ઢેર અને પ્લાસ્ટિક તેમ જ પાનની પીચકારીઓ જોવા મળી રહી છે. આ પડકારનો સામનો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને એક વ્યાપક સિસ્ટમ અમલમાં મૂકી છે. સમગ્ર વિસ્તારમાં રંગ-કોડેડ ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે, અને દર 20થી 30 મીટરના અંતરે 20થી 25 મૂવેબલ ડસ્ટબિન સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી લોકો તેમના કચરાનો નિયુક્ત સ્થાન પર સરળતાથી નિકાલ કરી શકે. પ્રથમ વીકએન્ડ બાદ પાલિકાએ અંદાજે 300 કિલો કચરો ઉઠાવ્યો હતો, જે દર્શાવે છે કે સ્થળની જાળવણી મુશ્કેલ બની રહી છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, પાલિકાએ ડુમસ સી-ફેસને ‘કચરા મુક્ત વિસ્તાર’ જાહેર કરવાની તૈયારી કરી છે. ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતી પકડાય, તો તેના પર દંડ તેમ જ વહીવટી ખર્ચ વસૂલવામાં આવશે. ખાણી-પીણીની દુકાનો માટે કચરાપેટીઓ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે. તેનું પાલન ન કરવા પર કાર્યવાહી કરવામાં આવશે, અને તેમના લાઇસન્સ પણ રદ થઈ શકે છે.
પ્રવર્તમાન મોનિટરીંગ માટે હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા સમગ્ર વિસ્તારમાં લગાવવામાં આવશે અને પાલિકાના આઈસીસીસી સેન્ટર પરથી મોનીટરીંગ કરવામાં આવશે. કેમેરા દ્વારા ઓળખાયેલા કચરો ફેંકતા લોકો સામે તરત જ કાર્યવાહી થશે. ઉપરાંત, 20થી 30 માર્શલની નિમણૂક કરવામાં આવશે, જે સ્થળ પર લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવશે અને કચરો ફેંકવાથી રોકશે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન વિવિધ એન.જી.ઓ. સફાઈ અભિયાન ચલાવશે અને પ્રોજેક્ટના જુદા-જુદા ઝોનની જવાબદારી એન.જી.ઓ. અને વિદ્યાર્થીઓને સોંપવામાં આવશે. મુલાકાતીઓને સ્વચ્છતા અંગે જાગૃતિ આપવાની સાથે ‘I Support Litter-Free Dumas’ થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે. સુરત પાલિકા નેચર પાર્કની જેમ, ડુમસ સી-ફેસને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પણ યોજના શરૂ કરી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક સાથે આવતા લોકો પાસેથી તે જપ્ત કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પાલિકા દાવો કરે છે કે આ તમામ કડક પગલાં અને જાગૃતિ અભિયાનોથી ડુમસ સી-ફેસને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સફળતા મળશે.