પૂરબ મેં સુરજ ને છેડી જબ કિરનોં કી શહનાઇ
ચમક ઉઠા સિંદૂર ગગન પે, પશ્ચિમ તક લાલી છાઇ
હંહં… હંહં… દુલ્હન ચલી હાં પહન ચલી
હો રે દુલ્હન ચલી, હો પહન ચલી, તીન રંગ કી ચોલી
બાંહો મે લહેરાયે ગંગા જમના, દેખ કે દૂનિયા ડોલી
દુલ્હન ચલી, હો પહન ચલી, તીન રંગ કી ચોલી
આઆઆ… આ… ઓઓઓ…ઓ
તાજમહલ જૈની તાજા હૈ સૂરત, ચલી ફીરતી અજંતા કી મૂરત
મેલ મીલાપ કી મહેંદી રચાયે, બલિદાનોં કી રંગોલી
દુલ્હન લી હો પહન ચલી, તીન રંગ કી ચોલી
આઆઆ… ઓઓઓ…
મુખ ચમકે જયું હિમાલયકી ચોટી, હો ના પડોશીકી નિયત ખોટી
હો ઘર વાલોં જરા ઇસકો સંભાલો, યે તો હૈ બડી ભોલી
દુલ્હન ચલી હો પહન ચલી, તીન રંગ કી ચોલી
ઔર સજેગી અભી ઔર સંવરેગી, ચડતી ઉમરીયા હૈ ઔર નિખરેગી
અપની આઝાદી કી દુલ્હનીયાં બીસ સે ઉપર હો લી
દુલ્હન ચલી હો પહન ચલી, તીન રંગ કી ચોલી
દેશ પ્રેમ હી આઝાદી કી દુલ્હનીયાન કા વર હૈ
ઇસ અલબેલી દુલ્હન કા સિંદૂર સુહાગ અમર હૈ
માતા હૈ કસ્તુરબા જૈસી, બાબુલ ગાંધી જૈસે (2)
ચાચા હસતે નહેરુ શાસ્ત્રી, ડરે ના દુશ્મન કૈસે (2)
વીર શિવાજી જૈસે વીરાં લક્ષમીબાઇ બહેના
લક્ષમણ જિસકે દોસ્ત ભગત સીંઘ ઉસકા ફીર કયા કહેના
ઉસકા ફીર કયા કહેના
જિસકે લિયે જવાન બહા શકતે હૈ ખૂન કી ગંગા (2)
આગે પીછે તીનો સે ના લેકે ચલે તિરંગા,
સેના ચલતી હે લેકે તિરંગા (2)
હો કોઇ હમ પ્રાંત કે વાસી, હો કોઇ ભી ભાષા ભાષી
સબસે પહેલે હે ભારતવાસી (5)
ગીત: ઇન્દિવર સ્વર: મહેન્દ્ર કપૂર અને કોરસ સંગીત: કલ્યાણજી આણંદજી ફિલ્મ: પૂરબ ઔર પશ્ચિમ દિગ્દર્શક: મનોજકુમાર વર્ષ: 1970 કળાકારો: મનોજકુમાર, સાયરા બાનો, અશોકકુમાર, મદનપુરી, પ્રાણ, પ્રેમ ચોપરા, કામિની કૌશલ, વિનોદ ખન્ના, ભારતી, રાજેન્દ્રનાથ, શમ્મી, ઓમપ્રકાશ.
મનોજકુમારનો રાષ્ટ્રપ્રેમ ફિલ્મી મનોરંજનના માળખામાં રહીને જ પ્રગટ થયો છતાં તે ભાવુક કરી દે તેવો તો હતો જ અને એ ફિલ્મો જોતી વેળા આપણા હૈયા ઉછળતાં તે પણ સાચુ છે. ‘ઉપકાર’માં આઝાદી પછી ઊભા થતા શહેરો ને તેના સંસ્કાર સામે માટીની, આપણા પૂર્વજોએ રચેલા સંસ્કારની વાત હતી. 1970માં તેમણે પૂર્વ સામે પશ્ચિમની બનાવટી, દંભી, સંવેદનશૂન્ય સંસ્કૃતિ મુકી આપી. તેમણે આ બંને ફિલ્મોમાં કલ્યાણજી આણંદજીને જ સંગીત માટે રાખ્યા જે પોતે પણ ભારતીય મૂલ્યોને સમજનારા હતા અને એટલે જ ‘ઉપકાર’ના રાષ્ટ્રભાવના ગીતો અને ‘પૂરબ ઔર પશ્ચિમ’ના ગીતો આજે ય આપણામાં દેશ માટે લાગણી અને જોશ ભરે છે. દેશ માટે જેણે બલિદાન આપ્યા તેનો મહિમા કરે છે. ગાંધી-ટિળક, ટાગોર સાથે નહેરુ, શાસ્ત્રીની વંદના કરે છે. ગુલશન બાવરા અને ઇન્દીવરના ગીતો કોઇપણ રાષ્ટ્રપ્રેમીને ગમશે. મનોકુમારે એ ગીતો ફિલ્માવ્યા પણ છે એકદમ પ્રભાવક રીતે.
‘પૂરબ ઔર પશ્ચિમ’માં એક ગીત છે ‘હે પ્રિત જહાં કી રીત સદા, મેં ગીત વહાં કે ગાતા હું’ને તે પહેલાં છે ‘દુલ્હન ચલી ઓ રે પહન ચલી, તીન રંગ કી ચોલી’. 1970ની આ ફિલ્મ છે. આઝાદી મળ્યાના 24મા વર્ષે રજૂ થઇ છે એટલે હજુ આ રાષ્ટ્ર તેનાં યૌવનમાં છે. ઇન્દીવરે અહીં આઝાદ ભારતને રાષ્ટ્રમાતા નહીં દુલ્હન તરીકે કલ્પી છે જે તિરંગો પહેરી ચાલી રહી છે. દુલ્હન હોય તો તેના ઠાઠ હોવાના, શૃંગાર હોવાના. શૃંગાર છે ‘બાંહો મેં લહરાયે ગંગા જમના, દેખ કે દૂનિયા ડોલી’. ગંગા-જમના તો ભારતની ઓળખના શાશ્વત પ્રકૃતિ તત્વો છે. ગંગા-જમના લહેરાવતી દુલ્હનને જોઇ દુનિયા ન ડોલી ઊઠે એ કેમ બને?!
પણ આ ગીત બે પંકિત પછી શરૂ થાય છે. પૂર્વમાં સુરજ ઉગે અને તેની ચમકથી પશ્ચિમ પણ ઝળહળ થાય. ભારતીય જ્ઞાન, તેની પુરાતન સંસ્કૃતિ જે સમગ્ર માનવજાતને, મનુષ્યત્વને ગૌરવપ્રદ જીવન આપી શકે છે તે સૂરજની વાત છે અહીં. ઇન્દીવરે કિરણોની શરણાઇ શબ્દ પ્રયોજયા છે. ભારતમાં શરણાઇ વાદનથી થતી સવાર મહિમામયી છે. આ ગીતમાં જાણે સમગ્ર પૃથ્વી માટે બજતી શરણાઇ છે. સવારનો સૂર્ય આકાશમાં સિંદૂરી હોય છે તેનું આલેખન આપણા હૈયાને ભરી દે છે, ‘ચમક ઉઠા સિંદૂર ગગન પે, પશ્ચિમ તક લાલી છાઇ’. પશ્ચિમ સુધી આ કિરણની લાલી પથરાઇ ગઇ! ઇન્દીવરને નમન કરવા પડે! રાષ્ટ્ર તો માતા જ છે, અહીં દેશની આઝાદીને દુલ્હન કહેવાની ભૂમિકા રચવામાં આવી છે.
મુખડા પછી ગીત આગળ વધે છે. આઝાદીનો ચહેરો કેવો છે? તાજમહેલ જેવો. તાજમહેલ બન્યો ત્યારથી સદીઓ વિતવા છતાં એવો ને એવો જ છે, તાજો જ છે- ‘તાજમહલ જૈસી તાજા હે સૂરત’. ને પછી ઉમેરી છે અજંતાની કોઇ મૂર્તિ, હાલતુ-ચાલતુ શિલ્પ હોય એવી એ છે. દુલ્હનનાં રૂપની કલ્પના કરી છે તો તેની કમનીયતા, અંગભંગી પણ એવી જ કલ્પી છે. તેણે મહેંદી જે રચી છે તે મેળ મિલાપની છે. ભાઇચારો, બધા આવીને અહીં સાથે રહે તેમાંથી તેની મહેંદી રચાયેલી છે. મહેંદીના રંગો પણ ધીરે ધીરે ઉઠે અહીં એ પણ ભાવ છે ને રંગોળી છે તો બલિદાનોની છે. આઝાદીના રંગે એમનેમ નહીં ઉઠયા. તેની રંગોળી શહીદોથી રચાયેલી છે. અને પછી ફરી પંકિત આવે છે, ‘દુલ્હન ચલી હો પહન ચલી, તીન રંગ કી ચોલી’… ને આવે ત્યારે વધારે સાર્થક અનુભવાય છે.
આ ગીતમાં મહેન્દ્ર કપૂરના સ્વર સાથે કોરસ છે. જાણે વિરાટ સમુદ્ર તેના આઠે દિશાના કિનારા પર ઘુઘવે તેવું અહીં કોરસનું છે. આપણો રાષ્ટ્રભાવ અંદરથી ઉછળવા માંડે એ રીતે અહીં સંગીતમાં ભળે છે. ‘આઆઆ…આ…ઓઓઓ…ઓ’ પછી ફરી મહેન્દ્ર કપૂરનો ઓજભર્યો અવાજ છે. ‘મુખ ચમકે જયું હિમાલય કી ચોટી, હો ના પડોશી કી નિયત ખોટી/ હો ઘરવાલોં જરા ઇસકો સંભાલો… યે તો બડી ભોલી…’ આઝાદીની દુલ્હનનું મુખ જાણે એમ ચમકે છે કે હિમાલયની ટોચ હોય, શિખર હોય. ટોચ ચમકતી હોય તો પડોશીની નજરે ચડે ને તેને એ પોતાની કરવાનું મન થાય. ઇન્દીવરે અહીં ચીન અને પાકિસ્તાન જેવા પડોશીની વાત કરી છે જેની નિયત ખોટી છે. ભારતમાં માનવીય ઉદારતા છે જે ખોટી નિયતવાળા પડોશી માટે ભોળપણ બની જાય એવી છે એટલે ઘરવાળાઓએ સાવધાની રાખવી જરૂરી છે. હિમાલયની ટોચની જેમ એનું મુખ ચમકે છે તો જરા સંભાળો.
ગીતના દરેક બંધ જૂદી જૂદી રીતે આગળ વધે છે ને તેમાં આઝાદીના મહિમા સાથે, રાષ્ટ્રના ગૌરવ અને સંસ્કૃતિ સાથે, ભૂતકાળ સાથે ભાવિની વાત ઉમેરી છે- ‘ઔર સજેગી અભી ઔર સંવરેગી, ચડતી ઉમરીયા હૈ ઔર નિખરેગી/અપની આઝદી કી દુલ્હનીયાં બીસ કે ઉપર હો લી…’ હજુ દેશની આઝાદીના આ આરંભીક દાયકાઓ જ છે. હજુ આ આઝાદીની દુલ્હન ઔર સજશે. હજુ તેની ઉંમર ચડી રહી છે તો ઓર નિખરશે. ઇન્દીવરે યુવાન દુલ્હનની કલ્પના સ્વીકારી પછી તેને આઝાદી સાથે અનેક રૂપે વર્ણવી છે. આપણી આઝાદીની દુલ્હનીયાં હવે વીસની ઉપરની થઇ છે. (હવે 75ની).
ગીતના પાંચમા બંધમાં તેઓ દુલ્હનના વરની વાત કરે છે. આઝાદીની જો દુલ્હન હોય તો તેનો વર દેશપ્રેમ જ હોય. (તમી ગીત સાંભળો ત્યારે મહેન્દ્ર કપૂરના અવાજમાં જે ભાવપલ્ટા, જોશ, આનંદ ઉછાળ આવે છે તે પણ અનુભવજો). આઝાદીની દુલ્હન સાથે દેશપ્રેમનો વર મળે તો એ અલબેલી દુલ્હનનો સિંદૂર સુહાગ અમર જ હોય. અને તે કોઇ ગમે તેવાની દિકરી નથી. તેની માતા કસ્તુરબા જેવી છે ને પિતા ગાંધી જેવા છે.
તેના કાકા નહેરુ ને શાસ્ત્રી છે તો દુશ્મનો કઇ રીતે ન ડરે? આ આઝાદીની દુલ્હનના વીર છે. ભાઇ છે શિવાજી જેવા ને બહેન છે વીરાંગના લક્ષમીબાઇ. તેના દોસ્ત સુભાષચંદ્ર બોઝને ભગતસીંઘ હોય તો પછી તેનું કહેવું શું? આ એવી આઝાદી છે જેના માટે જવાનો લોહીની ગંગા વહાવી શકે છે અને તેની આગળ પાછળ ત્રણે સેના હાથમાં તિરંગા લઇને ચાલે છે. આ વેગમાં જ ઇન્દીવર લખે છે એકત્વની વાત. ‘તમે કોઇ પણ પ્રાંતના વાસી હો કે કોઇ પણ ભાષાના હો, સહુથી પ્રથમ ભારતવાસી છો. દેશનું આ બંધારણ છે ને તે જળવાય તો જ આઝાદીની દુલ્હન હજુ વધુ સજશે, નિખરશે.
આ ગીત લખવામાં કમાલ છે ઇન્દીવરની. આ કોઇ પણ ાવથી લખાય એમ નહીં. અનેક રીતે વિચારી સંયોજવું પડે એમ છે. એ જ રીતે ગાતી વેળા પણ ધીરે ધીરે ભાવ ઉછાળ વધતો જાય છે. કલ્યાણજી-આણંદજીએ ગીતનાં સ્વરાંકનને એ રીતે શ્રેષ્ઠ બનાવી દીધું છે. મનોજકુમાર અને કલ્યાણજી-આણંદજી આવા ગીતો માટે મહેન્દ્ર કપૂરને જ પસંદ કરતા. તેમના અવાજમાં પંજાબીયત છે, બુલંદી છે, રણકાર છે, પડકાર છે ને ઊંડો ઉતરેલો રાષ્ટ્રભાવ છે. જય હિંદ!