SURAT

દરિયામાં થયેલી આ હલચલના લીધે સુરતમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

સુરત: સુરત (Surat) શહેરના આકાશમાં આજરોજ મંગળવાર બપોરથી જ એકાએક કાળા ડિંબાગ વાદળો (Cloud) ઉતરી આવ્યા હતા અને વીજળીના (Lighting) કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. જાણે ચોમાસાનું (Monsoon) આગમન હોય તેવો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. છેલ્લાં એક અઠવાડિયાથી કાળઝાળ ગરમી બાદ આજરોજ મંગળવારે બપોર બાદ શહેરના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. આ સાથે જ શહેરીજનોના મનમાં એ પ્રશ્ન ઉઠ્યો કે ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો ધોધમાર વરસાદ કેમ વરસી રહ્યો છે. તો તેનું કારણ દરિયામાં (Sea) થયેલી હલચલ છે. ચાલો જાણીએ દરિયામાં એવું શું થયું જેના લીધે સુરતમાં વરસાદ વરસ્યો છે.

  • આ સિઝનમાં સામાન્ય રીતે કર્ણાટક કેરાલામાં ‘મેંગો શાવર’ તરીકે ઓળખાતો વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવ્યો
  • અરબ સાગરમાં કર્ણાટક અક્ષાંશને બદલે મુંબઈ અક્ષાંશ તરફ સતત એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર વર્તાઈ
  • ગ્લોબલ વોર્મિંગ ઈફેક્ટ : શહેર-જિલ્લામાં વાદળોના ગડગડાટ અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ

ધૂળની ડમરીઓ અને આકાશમાં છવાયેલા વાદળોના કારણે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. અને સાથે જ વાદળાના ગડગડાટ અને વિજળીના ચમકારા વચ્ચે વરસાદ પડવાનો શરૂ થયો હતો. શરૂઆતમાં એકાદ-બે જોરદાર ઝાંપટા પડ્યા પછી સાંજના ઠેકઠેકાણે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેના કારણે ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાતાવરણમાં આવેલા પલટાથી જિલ્લાના બારડોલી અને કામરેજ તાલુકામાં વીજળી પડતા બારડોલીમાં એકનું મોત થયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરની અંદર કોઈ અસામાન્ય ગ્લોબલ વોર્મિંગની (Global Warming) ઇફેક્ટ વર્તાઈ રહી છે. જેને કારણે કર્ણાટક (Karnataka) અક્ષાંશ પર સતત અરબસાગરમાં (Arebian Sea) જોવા મળતી એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશનની ઈફેક્ટ આ વખતે મુંબઈ અક્ષાંશ ઉપર જોવા મળી રહી છે. અને તેને કારણે દક્ષિણ ગુજરાત તરફ ભારે વરસાદી માહોલ ભર ઉનાળે જોવા મળી રહ્યો છે.

સુરત શહેર-જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી ભારે ઉકળાટ અનુભવાઈ રહ્યો હતો. અને બપોરે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરથી શહેરમાં અમુક સ્થળો પર એકધારો વરસાદ નોંધાયો હતો. જ્યારે કેટલાક સ્થળો પર જોરદાર ઝાંપટા પડ્યા બાદ સાંજથી ભારે વરસાદ શરૂ થયો હતો. અરબ સાગરમાં એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર ભારતની ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં આજે વરસાદ નોંધાયા બાદ આવતીકાલ બુધવારે વાદળછાયું વતાવરણ રહેશે અને છુટાછવાયા વરસાદની અસર રહેશે.

મહત્તમ તાપમાનમાં એક ડિગ્રી ઘટાડા સાથે અસહ્ય ઉકળાટ
શહેરમાં આજે બપોરે વરસાદી માહોલમાં મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં અડધો ડિગ્રીનો વધારો નોંધાયો છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 38.4 ડિગ્રી અને 26 ડિગ્રી નોંધાયું છે. હવામાં 61 ટકા ભેજની સાથે 6 કિલોમીટરની ઝડપે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. હવામાન વિભાગે બે દિવસ વરસાદી વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરી છે. અને ત્યારપછી વાતાવરણ સંપૂર્ણ ઉઘાડ પડવાની સાથે કાળઝાળ ગરમી પડશે.

બારડોલીમાં વિજળી પડવાથી એકનું મોત, કામરેજમાં 3 ઇજાગ્રસ્ત
આજે શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ચોર્યાસીમાં 2 મીમી, સુરત શહેરમાં 4 મીમી અને મહુવામાં 1 મીમી વરસાદ ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ચોપડે નોંધાયો છે. આ સિવાય બારડોલી અને કામરેજમાં વિજળી પડવાની ઘટના પણ ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ચોપડે નોંધાઈ હતી. અને તેમના દ્વારા મળતી સત્તાવાર માહિતી મુજબ કામરેજમાં વિજળી પડવાથી 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અને બારડોલીમાં તો વીજળી પડવાથી એકનું મોત થયું હતું.

Most Popular

To Top