ઘરમાં દાખલ થતાંની સાથે જ અનુજે બૂમ પાડી ‘‘અવની જરા બે કપ ચા લાવજે. કેતન આવ્યો છે. રસોઈ કરતાં કરતાં અવની બબડી, – ‘‘તમારે તો બહાર બેસીને ઓર્ડર કરવાના છે! કલાક પહેલાં તો ચા પીને તો ઘરની બહાર ગયા. આ મોંઘવારીમાં ઘડી ઘડી ચા પીવાનું હવે પોસાય એવું નથી- ગેસનો ચૂલો સળગાવતાં પહેલાં હૈયું સળગી જાય એવો ભાવવધારો રાંધણગેસમાં ઝીંકાયો છે. મારા જેવી દેશની કરોડો ગૃહિણીઓની આંતરડી કકળે છે. સમજ્યા?’’ અવનીએ ચાના કપ ટેબલ પર મૂક્યા. અનુજે ચાનો કપ હાથમાં લેતા કહ્યું- ‘‘કેમ ચાના કપ પણ નાના થઈ ગયા?’’
‘‘તો હું શું કરું? દૂધના ભાવ આસમાને, સૂકી ચાના ભાવ આસમાને, મસાલાનું તો પૂછો જ નહીં, એલચી- આદુના ભાવ આસમાને. દિવસે દિવસે મોંઘવારી તો કૂદકે ને કૂદકે વધતી જાય છે. મોંઘવારીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. એની સામે તમે તો વર્ષોથી જે ઘરખર્ચના રૂપિયા આપો છો તે આપો છો. આવી પરિસ્થિતિમાં ઘરના બજેટનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું? તે મારા જેવી અનેક સ્ત્રીઓ માટે માથાના દુખાવારૂપ બની રહ્યું છે. દરરોજ કુટુંબમાં સૌને ખવડાવવું શું? ભલે એ મહિલા મારા જેવી ગૃહિણી હોય કે પછી વર્કીંગ વુમન, દરેકના મનમાં એક જ સવાલ ગુંજે છે કે ક્યાં, કેવી રીતે કાપ મૂકીએ જેથી મળતી આવકમાં ઘરનું બજેટ સંતુલિત રહે?’’
િબંદુબેન કચરા
અનુજે ચાનો કપ મૂકતાં મૂકતાં કહી દીધું ‘‘એ તું જાણે ને તારું રસોડું, અમારે તો પૈસા આપવાનું કામ, મોંઘવારી મેનેજ કરવાનું કામ તમારું… સ્ત્રીઓનું…!’’ એટલામાં સાસુજી કનકબેન બોલ્યાં, ‘‘અવની, મહિનામાં ડિમ્પીનાં અલૂણાં આવશે. ઘરમાં જરા પણ સૂકોમેવો નથી પછી તહેવાર ટાણે ભાવ વધી જશે તો બજાર જાય તો લેતી આવજે.’’
‘‘બા, જવા દો ને! આ વખતે તો આમ પણ સૂકોમેવો બહુ જ મોંઘો છે. એક સાંધતા તેર તૂટતાં જ હતા ત્યાં મોંઘવારીના નવા ડોઝથી હવે એક સાંધતા તેત્રીસ તૂટવાં લાગ્યાં છે. એમાં આપણા નેતાઓ ચૂંટણીનાં પરિણામ આવ્યા પછી બધા ખુરશી સાચવવાના ઝઘડામાં પડ્યા છે. બધા જ ટેન્શનમાં ખુદ વડા પ્રધાન પણ પોતાના ટેન્શનમાં તો આપણાં ટેન્શનને ક્યાં જુએ? તેઓએ તો હાથ ઊંચા કરતાં કહી દીધું છે કે, મોંઘવારી તો રહેવાની જ..! મોંઘવારી અંગે સરકારને તો કંઈ સૂઝતું જ નથી- બિચારી પ્રજા મોંઘવારીમાં મરે છે. મોંઘવારીને પહોંચી વળવા માટે જે કંઈ કરવાનું છે તે તો મારા જેવી ગૃહિણીઓએ જ કરવાનું છે ને! સવારે ઊઠતાંની સાથે જ દરરોજ કોઈ ને કોઈ વસ્તુના ભાવ વધ્યા જ હોય- દૂધના તો પેટ્રોલના, શાકના ભાવ આસમાને-કઠોળના ભાવ પણ એટલા જ. સતત ભાવવધારા કરીને મોંઘવારી વધારતી આ સરકારને કોણ સમજાવે કે આ મોંઘવારી પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ પજવે છે. મીઠાથી માંડી મીઠાઈ સુધી તમામ ખાદ્યચીજો, પેટ્રોલ તથા તમામ પ્રવાહીઓ, ખીલીથી માંડી ખાસડાં સુધીની તમામ ચીજવસ્તુઓ, ટાંકણીથી માંડીને ટાયર સુધીની હરકોઈ ચીજના ભાવ આસમાને ચડતા જાય છે અને આપણે સૌ મોં વકાસીને જોયા કરીએ છીએ.’’
એટલામાં મમ્મીના મિત્ર મીનામાસી બજારથી ઘેર જતાં જતાં આવ્યાં, મેં પૂછયું- ‘‘કેમ છો, મીનામાસી મજામાં ને? શું ચાલે છે?’’ મેં તો એમને સહજ ભાવે પૂછયું તો એમણે તો કહ્યું- ‘‘જો ને આ સવાર પડે ને મોંઘવારીની રામાયણ. બજાર શાક લેવા ગઈ હતી પણ ખાલી થેલા લઈ પાછી આવી, બધાં શાક 150 રૂ-200 રૂ. કિલો, લીબું- 200-250 રૂ. કિલો, આદુ- 200 રૂ. કિલો, સીંગતેલ-ઘી-ખાંડ-ગોળ બધાના ભાવ કૂદકે ને ભૂસકે વધે. શું ખાવું? ને સૌને શું ખવડાવવું?’’કનકબેને પણ મીનામાસીની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું, ‘‘મીના, ઘરમાં શું ન જોઈએ? ખાવાની સાથે દવાના ખર્ચા- લાઈટબિલ, છોકરાંઓની સ્કૂલની ફી, રિક્ષાનું ભાડું, માણસ એટલા સ્કૂટર તેના પેટ્રોલના ખર્ચા, ટી.વી.ના કેબલના ખર્ચા, સાબુ, ડિટરજન્ટ, પરચૂરણ અનેક નાનીમોટી ચીજો. હવે તમે જ બોલો બાપ-દીકરા બંને જણા સવાર-સાંજ ગધ્ધાવૈંતરું કરવા છતાં ઘરના બે છેડા ભેગા કરતાં હું નંખાઈ જાઉં છું. આમાં તમે જ કહો રૂપિયાની બચતનો ક્યાંય અવકાશ છે ખરો?’’ ગૃહિણી સામાન્ય ઘરની હોય કે મધ્યમ વર્ગની કે પછી શ્રીમંત ઘરાનાની, અત્યારની મોંઘવારી તો દરેક ગૃહિણીને આડઅસર કરી જ જવાની..!
ત્યાં તો પાડોશી કવિતાબેન આવ્યાં, તેઓ બોલ્યાં, -‘ખબર પડી વાણિયાવાડમાં રહેતા મનોજભાઈએ મોંઘવારીથી ત્રાસી આપઘાત કર્યો. પગાર ઓછો અને ખાવાવાળા વધારે, પત્ની કેટલા દિવસ આંગળા ચાટી પેટ ભરે. આજુબાજુ કામ કરી જેમતેમ પૈસા લાવે ત્યારે રસોઈ બને. છોકરાંને ભૂખે મરતાં જોઈ, પતિ-પત્ની બંને લડે-ઝઘડે. છેલ્લે આ શરણું લીધું- જોયું મોંઘવારીની આ મોંકાણ! બિચારી એની પત્ની! છોકરાં નાનાં મૂકીને વરની પાછળ મરવા થોડી જાય? બધાં છોકરાંને સોડમાં લઈને સાચવીને બેઠી, આટલી મોંઘવારીમાં સૂકો રોટલો ખાઈને પણ છોકરાં મોટાં કરશે, પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ સહન કરી, વધુ મક્કમ રહીને પણ જિંદગીનો જંગ મને- કમને પૂરો કરશે.’’ આ જમાનામાં બધાં જ મુશ્કેલીમાં, તો મદદ પણ કોણ કરવા જાય? પણ જેમનામાં કરકસર અને દરેક વસ્તુની ચોકસાઈ છે એ ગુણથી જીતી જશે. સંસારની બધી મુશ્કેલી એમની કરકસરમાં સમાઈ જશે. તો વાચકમિત્રો! બધાંને એ જ પ્રશ્ન થાય છે કે આટલા જંગી ભાવવધારા સામે કોઈ અવાજ કેમ ઉઠાવતું નથી? આપણે મોંઘવારીથી ટેવાઈ ગયા છીએ. સામાન્ય માણસ પાસે મોંઘવારી સામે લડવા માત્ર બે રસ્તા છે. વપરાશ ઘટાડવો અથવા આવક વધારવી પરંતુ આવક વધારવાનું કામ કંઈ આસાન નથી. દરેક કુટુંબમાં જરૂર છે ખોટા ખર્ચાને અટકાવવાની સાથે કરકસરની. આજના બાળકને પૈસાની કોઈ કિંમત નથી. આજે તો સૌ મોર એન્ડ મોરમાં જ એટલે કે અ…ધ…ધ…ધ માં જરાયે કોઈને ઓછું કે સમવિષમ ખપતું જ નથી. કોઈને સંતોષ નથી. થોડી જરૂરિયાતોથી જે સંતોષ માને તે સૌથી સુખી. દરેક વસ્તુમાં આપણને પોષાય તેવા વિકલ્પો વડે જીવન જીવવાની ટેવ પાડવાનું શીખવું એ જ આજે માનવજીવનની મોટી ઉપલબ્ધિ ગણાશે. ‘ત્રેવડ ત્રીજો ભાઈ’ જીવનમાં સગવડો સાથે થોડી અગવડો વેઠતાં પણ શીખીએ. બધી વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ જ સુખી જીવનની ચાવી છે, આ મોંઘવારીમાંથી ખુદ ભગવાન પણ બચાવી શકે એમ નથી. સરકારે તો હાથ ઊંચા કરી દીધા છે. એક ભગવાન છે તે પણ ભક્તની માંગણીથી કંટાળ્યો છે. એક ભક્તે ભગવાનને કહ્યું- ‘તું સર્વોપરી છે, મારો એક સવાલ છે-‘‘ આ મોંઘવારીમાં ખાવું શું?’’ ત્યારે ભગવાન બોલ્યા- ‘‘ મારા વહાલા ભક્ત! કહું છું- હવા ખા, લોકની ગાળ ખા, તડકો ખા, તારા બોસની લાત ખા, લોકોના લાફા ખા, પત્નીનો ક્રોધ ખા, બાળકોના નિસાસા ખા, ધૂળ ખા, માટી ખા, લાંચ રૂશ્વત ખા, સરકારની મોંઘવારી ખોબે ખોબે ભરી ખા, પણ.. મારો જીવ ન ખા… અને આવી હલકી વાતો લઈ મારી પાસે ખબરદાર જો બીજી વાર આવ્યો છે તો…! તથાસ્તુ!’’જોયું આ મોંઘવારીથી બચાવનાર કોઈ છે?
સુવર્ણરજ
ક્યાં કાપ મૂકવો? મોજશોખમાં કાપ મૂકો તો સામે શિક્ષણની ફી તોતીંગ છે. દવાઓ મોંઘી છે. માણસ અને માણસાઈ સિવાય જ્યારે સઘળી ચીજોના ભાવ વધતા હોય ત્યારે સૌથી કફોડી સ્થિતિ સ્ત્રીની બને છે.