Business

આ 5 શેર્સના લીધે શેરબજારમાં તોફાન આવ્યું, એક જ ઝાટકામાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હી: આજે તા. 3 મેનો દિવસ શેરબજારના રોકાણકારો માટે પલમેં ખુશી પલ મેં ગમ જેવો રહ્યો હતો. સવારે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું. તમામ શેર્સ ઉપરની તરફ આગળ વધી રહ્યાં હતાં, પછી અચાનક કંઈક એવું થયું જેના લીધે બજારે યુ-ટર્ન માર્યો અને ધડામ દઈને નીચે પટકાયું. એક તબક્કે સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટી ગયું હતું. આ ઉથલપાથલે રોકાણકારોને રડતા કરી મૂક્યા હતા. આજે એક જ ઝાટકામાં રોકાણકારોએ 4 લાખ કરોડ ગુમાવ્યા હતા. ત્યારે સૌ કોઈ પૂછે છે કે શેરબજારમાં અચાનક આ તોફાન આવ્યું ક્યાંથી?, ચાલો જાણીએ…

આજે શરૂઆતના ટ્રેડિંગમાં શાનદાર ઉછાળા બાદ શેરબજારે અચાનક યુ-ટર્ન લીધો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ભારે નુકસાન સાથે બંધ થયા છે. ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1,100 પોઈન્ટ ઘટ્યો હતો અને દિવસના ઉચ્ચ સ્તરેથી તે 1467 પોઈન્ટ્સ તૂટ્યો હતો. આજે નિફ્ટી પણ તેના 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો, જ્યાંથી તે 440 પોઈન્ટ્સ નીચે આવ્યો હતો.

સપ્તાહના અંતિમ દિવસે ટ્રેડિંગ બંધ થતાં નિફ્ટી 172 પોઈન્ટ ઘટીને 22,475 પર હતો, જ્યારે દિવસની નીચી સપાટી 22,348 હતી. સેન્સેક્સ પણ 732 પોઈન્ટ ઘટીને 73,878 પર રહ્યો હતો. તેની દૈનિક નીચી સપાટી 73,467 હતી. જ્યારે બેન્ક નિફ્ટી 300થી વધુ પોઈન્ટ ઘટીને 48,923ના સ્તરે બંધ રહ્યો હતો. BSEના ટોચના 30 શેરોમાંથી 24માં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. સૌથી મોટો ઘટાડો LTમાં 2.74 ટકા આવ્યો છે.

શું આ 5 શેરોના લીધે માર્કેટમાં અરાજકતા ફેલાઈ?
શેરબજારમાં આજે મોટા ઘટાડાનું કારણ હેવીવેઇટ શેરોમાં ભારે પ્રોફિટ બુકિંગ હોવાનું માનવામાં આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર આજે 3.50 ટકા ઘટીને રૂ. 2843 પ્રતિ શેર પર પહોંચી ગયો છે. એચડીએફસી બેંકના શેરમાં 1.13%નો ઘટાડો આ સિવાય L&Tના શેરમાં લગભગ 3%, એરટેલમાં 2.34% અને મારુતિ સુઝુકીના શેરમાં 2.34%નો ઘટાડો જોવા મળ્યો હતો.

આ કારણો પણ જવાબદાર
યુએસ ફેડ રેટ કટની અપેક્ષાને કારણે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક બજાર અસ્થિર છે. આવી સ્થિતિમાં વિદેશી રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ શેર વેચવાથી બજાર ઘટ્યું છે. યુ.એસ.થી આજે પાછળથી આવતા NFP ડેટા પણ આજની અસ્થિરતાનું એક પરિબળ છે.

આ 6 શેર્સની કિંમતોમાં ભારે ઘટાડો થયો
શેરબજારમાં ભારે ઘટાડાથી CEAT ટાયરનો સ્ટોક 4.2 ટકા, જ્યોતિ લેબ્સનો સ્ટોક 3.6 ટકા, બ્લુ સ્ટાર સ્ટોક 3 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 3.5 ટકા, MRF સ્ટોક ઘટ્યો 3 ટકા અને ટાટાના ટ્રેન્ટના શેરમાં 3 ટકાનો ઘટાડો થયો હતો. શેરબજારમાં આવેલા જંગી ઘટાડાથી રોકાણકારોને 4 લાખ કરોડનું નુકસાન થયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એમઆરએફ જેવી કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોને સૌથી વધુ નુકસાન થયું છે. આજે BSEના માર્કેટ કેપમાં રૂ. 4.25 લાખ કરોડનો ઘટાડો થયો છે.

તોફાન વચ્ચે પણ આ કંપનીના શેર્સ આગળ વધતા રહ્યાં
ઈન્ટ્રાડે દરમિયાન બજાજ ફાઈનાન્સના શેર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે 8 ટકા વધ્યા હતા. RBI દ્વારા પ્રતિબંધો હટાવ્યા બાદ આ વધારો થયો છે. બજાજ ફાઇનાન્સનો શેર આજે 0.75ના ઉછાળા સાથે 6932.80 પર બંધ રહ્યો હતો.

નોંધનીય છે કે આજે શેરબજાર ખુલતાની સાથે જ તે ઝડપથી ઉછળ્યો હતો અને સેન્સેક્સ 75094ના સ્તરે પહોંચી ગયો હતો. તે જ સમયે, નિફ્ટી 22,794 પોઈન્ટના તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો. આ પછી શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.

Most Popular

To Top