Columns

કેન્દ્ર સરકારના ખોટા નિર્ણયને કારણે ભારતે ફાઇટર જેટ ગુમાવવા પડ્યાં હતાં

પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સૈન્ય દ્વારા શરૂ કરવામાં આવેલું ઓપરેશન સિંદૂર સફળ હતું કે નિષ્ફળ તેનો વિવાદ શમવાનું નામ નથી લેતો. માત્ર ત્રણ દિવસ ચાલેલા ઓપરેશન દરમિયાન ભારત સરકારના દાવા મુજબ જો ભારતીય સૈન્ય જીતની નજીક પહોંચી ગયું હતું તો પૂરેપૂરો વિજય પ્રાપ્ત કર્યા વિના યુદ્ધવિરામ કરવાની શી જરૂર હતી? તેવા સવાલનો જવાબ હજુ મળતો નથી. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક ડઝનથી વધુ વાર મિડિયામાં દાવો કરી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ તેમણે જ કરાવ્યો હતો. આ દાવાનું ખંડન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું તે પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પે આવા દાવાઓ કરવાનું બંધ નથી કર્યું, જે સૂચવે છે કે ભારત યુદ્ધમાં જીતી રહ્યું હતું અને પાકિસ્તાન માર ખાઈ રહ્યું હતું તેમ છતાં ટ્રમ્પના આદેશ પર ભારત યુદ્ધવિરામ કરવા માટે તૈયાર થઈ ગયું હતું. જો ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર જ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ કરવા તૈયાર થઈ ગયા હોય તો ભારતે પોતાનું સાર્વભૌમત્વ ગુમાવી દીધું છે તેવું પુરવાર થાય છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાબતમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિવાદ ઓછો હોય તેમ ઇન્ડોનેશિયામાં ભારતના સંરક્ષણ એટેચી કેપ્ટન શિવકુમારે ગયા મહિને ઇન્ડોનેશિયામાં એક સેમિનારમાં ચોંકાવનારું વિધાન કર્યું હતું કે ‘‘ભારતના રાજકીય નેતૃત્વ દ્વારા પાકિસ્તાનના લશ્કરી અડ્ડાઓ અથવા તેમના હવાઈ સંરક્ષણ પર હુમલો ન કરવા માટે ફરમાવવામાં આવેલા પ્રતિબંધને કારણે ભારતીય વાયુસેનાએ ૭ મે, ૨૦૨૫ ની રાત્રે પાકિસ્તાનના આતંકવાદી સ્થળોને નિશાન બનાવતી વખતે પાકિસ્તાન સામે ફાઇટર જેટ ગુમાવ્યાં હતાં.’’

આ સેમિનારનું આયોજન ૧૦ જૂનના રોજ ઇન્ડોનેશિયામાં યુનિવર્સિટી દિરગંતારા માર્સેકલ સૂર્યધર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કરવામાં આવેલા ૩૫ મિનિટના પ્રેઝન્ટેશનમાં ભારતીય નૌકાદળના કેપ્ટન શિવકુમારે સ્વીકાર્યું હતું કે ભારતે પાકિસ્તાન સામેના યુદ્ધમાં કેટલાંક વિમાન ગુમાવ્યાં છે. કેપ્ટન શિવકુમારના આ વિસ્ફોટક નિવેદન બાબતમાં ઇન્ડોનેશિયાના ભારતીય દૂતાવાસ દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે, પણ તેનાથી આ મામલામાં ભીનું સંકેલાયું હોવાની શંકા વધી જાય છે.

ઓપરેશન સિંદૂર પછી હવામાં વાતો વહેતી થઈ ગઈ હતી કે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતે રાફેલ સહિત ફાઇટર જેટ વિમાનો ગુમાવ્યાં છે, પણ તેની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નહોતી. હવે ઇન્ડોનેશિયાની જમીન પર ભારતીય નૌકાદળના એક જવાબદાર અધિકારી દ્વારા જે કબૂલાત કરવામાં આવી છે તે બે રીતે અત્યંત ગંભીર છે. એક, તેમાં ભારતે યુદ્ધમાં ફાઇટર જેટ ગુમાવ્યાં હતાં તેની સત્તાવાર કબૂલાત કરવામાં આવી છે અને બે, તે માટે ભારતીય સૈન્ય નહીં પણ ભારતનું રાજકીય નેતૃત્વ જવાબદાર હતું. આમાં પણ બીજી કબૂલાત અત્યંત સ્ફોટક છે, કારણ કે તેમાં ફાઇટર જેટને તોડી પાડવામાં આવ્યાં તેની જવાબદારી સીધી રાજકીય નેતૃત્વ પર ઢોળવામાં આવી છે. બધા જાણે છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન રાજકીય નેતૃત્વ દ્વારા જે કોઈ નિર્ણયો લેવામાં આવતા હતા તે ડાયરેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવતા હતા.

જો કેપ્ટન શિવકુમારની વાતને સરળ ભાષામાં સમજીએ તો કહેવું પડે કે ઓપરેશન સિંદૂર દરમિયાન મોદીના ખોટા આદેશને કારણે ભારતે ફાઇટર જેટ ગુમાવ્યાં હતાં. ઓપરેશન સિંદૂર દરમિયાન એક બાજુ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પહેલગામનો બદલો લેવા માટે સૈન્યને પૂરી છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ કેપ્ટન શિવકુમાર કહે છે કે સૈન્યને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેણે પાકિસ્તાનના લશ્કરી અડ્ડાઓ ઉપર હુમલા કરવાના નથી. આ રીતે સૈન્યના હાથ બાંધીને તેને યુદ્ધના મેદાનમાં મોકલવામાં આવ્યું હતું. કેપ્ટન શિવકુમારના વિધાન મુજબ આ મર્યાદાને કારણે ભારતે ફાઇટર જેટ વિમાનો ગુમાવ્યાં હતાં.

ભારતીય સંરક્ષણ એટેચીનો મત એક મહત્ત્વપૂર્ણ પરિબળ પર ભાર મૂકે છે કે ભારતીય વાયુસેનાનાં ફાઇટર જેટ મોદી સરકારના કડક રાજકીય આદેશો હેઠળ કાર્યરત હતાં કે પાકિસ્તાની લશ્કરી મથકો અથવા હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને નિશાન ન બનાવો. ભારત સરકાર દ્વારા પોતાની જાતે લાદવામાં આવેલી આ મર્યાદા પરમાણુ સંઘર્ષને વધતો રોકવા માટે હતી. ભારત સરકારે કદાચ માની લીધું હતું કે પાકિસ્તાની સૈન્ય ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઊડતાં ભારતીય ફાઇટર જેટ વિમાનોને નિશાન બનાવશે નહીં.

પાકિસ્તાને પોતાના સૈન્ય પર આવી કોઈ પણ મર્યાદા લાદવાનો ઇનકાર કર્યો હતો અને તેના ડેપ્યુટી ચીફના દાવા મુજબ જ્યારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો ત્યારે પાકિસ્તાની વાયુસેનાના વડાએ આદેશો બદલી નાખ્યા હતા, જેના કારણે ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યાં હતાં. ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા રાજકીય દિશાનિર્દેશોનો અર્થ એ હતો કે ભારતીય વાયુસેનાને તેમના મિશન દરમિયાન પાકિસ્તાનની સૌથી ખતરનાક યુદ્ધસામગ્રીને ટાર્ગેટ ન કરવાની ફરજ પાડવામાં આવી હતી, જેને હવાઈ હુમલામાં સૌથી પહેલાં નિશાન બનાવવામાં આવે છે. નેતાઓની આ ભૂલને કારણે ભારતે ફાઇટર જેટ વિમાનો ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ રીતે પાકિસ્તાન સામેના યુદ્ધના પ્રથમ તબક્કામાં રાજકીય નેતાગીરીના ખોટા આદેશને પગલે ભારતીય વાયુસેનાને ખુવારી સહન કરવી પડી તે પછી સૈન્યે યુદ્ધનો દોર પોતાના હાથમાં લીધો હતો અને વ્યૂહરચના બદલીને પાકિસ્તાનના લશ્કરી અડ્ડાઓ પર હુમલા કર્યા હતા. આ વાતની જાણકારી બીજા કોઈએ નહીં પણ ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ભારતમાં નહીં પણ સિંગાપોરમાં એક મુલાકાત દરમિયાન આપી હતી. બ્લુમબર્ગ નામની સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે ‘‘વાસ્તવિક મુદ્દો ખોવાયેલાં જેટોની સંખ્યાનો નથી, પરંતુ તે શા માટે ખોવાઈ ગયાં તે છે. મહત્ત્વપૂર્ણ મુદ્દો જેટ વિમાનો તૂટી પડ્યાં તે નહીં, પરંતુ તે શા માટે નીચે તૂટી પડી રહ્યાં હતાં તે છે.

પ્રારંભિક હાર પછી અમે અમારી રણનીતિ બદલી અને અમે લશ્કરી મથકો તરફ ગયાં. અમે પહેલાં દુશ્મનના હવાઈ સંરક્ષણને દબાવી દીધું અને પછી અમારા બધા હુમલાઓ બ્રહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરીને સરળતાથી થઈ શક્યા.’’ આ મુલાકાતમાં જનરલ અનિલ ચૌહાણે પણ કબૂલ કર્યું હતું કે પાકિસ્તાન સામેના યુદ્ધના પ્રારંભમાં ભારતે કેટલાંક ફાઇટર જેટ વિમાનો ગુમાવ્યાં હતાં. તેમણે તે ઉપરાંત બીજી પણ વાત કરી હતી કે યુદ્ધના પ્રથમ તબક્કામાં ભારતીય વાયુદળને થયેલા નુકસાન પછી તેમણે પોતાની રણનીતિ બદલી હતી અને તેમણે પાકિસ્તાનના લશ્કરની સંરક્ષણ પ્રણાલી પર હુમલો કરીને તેને ખતમ કરી હતી અને પછી બ્રહ્મોસ મિસાઈલોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના લશ્કરી અડ્ડાઓને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

જનરલ અનિલ ચૌહાણ અને ભારતીય નૌકાદળના કેપ્ટન શિવકુમારની વાતોનો સરવાળો કરીએ તો ચિત્ર સ્પષ્ટ બને છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે ભારતીય સૈન્યને રાજનેતાઓ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેણે માત્ર આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવો પણ સૈન્યનાં મથકોને હાથ લગાડવો નહીં. આ સૂચનાનું પાલન કરવાને કારણે ભારતનાં ફાઇટર જેટ વિમાનો તોડી પાડવાની પાકિસ્તાનને તક મળી ગઈ હતી. આ નુકસાન પછી ભારતીય સૈન્યે રણનીતિ બદલી અને ડાયરેક્ટ પાકિસ્તાનના લશ્કરી અડ્ડાઓ પર હુમલાઓ કર્યા, જેને કારણે પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ઓપરેશન સિંદૂરના લગભગ બે મહિના પછી હવે ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રારંભમાં સરકારના ખોટા નિર્ણયને કારણે ભારતે ફાઇટર જેટ વિમાનો ગુમાવવાં પડ્યાં હતાં. પછી સૈન્યે રણનીતિ બદલીને પાકિસ્તાનના લશ્કરી અડ્ડાઓ પર આક્રમણ કર્યું ત્યારે પાકિસ્તાનની કમ્મર ભાંગી ગઈ હતી. ગભરાયેલા પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પનો સંપર્ક કર્યો અને ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકાર પર દબાણ લાવીને યુદ્ધવિરામ કરાવ્યો હતો. જો ભારત સરકારે આ વખતે પણ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણ સામે ઝૂકવાને બદલે યુદ્ધ ચાલુ રહેવા દીધું હોત તો કદાચ ભારતીય લશ્કરે ગણતરીના દિવસોમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પણ જીતી લીધું હોત.

Most Popular

To Top