SURAT

SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા

શહેરનાં માન દરવાજા ખાતે આવેલા ખ્વાજા નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરિયા પુરની સ્થિતિ વચ્ચે સેંકડો પરિવારો નર્કાગાર સ્થિતિમાં વસવાટ કરવા માટે મજબુર બન્યા છે. મહાનગર પાલિકાનાં ડ્રેનેજ વિભાગની ગાંધારીની ભૂમિકાને લીધે સ્થાનિકોમાં હવે ભારોભાર રોષ ફાટી નીકળ્યો છે.

હાલત એટલી હદે દયનીય બની ચુકી છે કે, રહેવાસીઓ તો ઠીક માસુમ બાળકોને પણ આ ડ્રેનેજનાં પાણીમાંથી પસાર થઈને શાળાએ પહોંચવા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આ તમામ વિષમ સ્થિતિ વચ્ચે મનપાનું ડ્રેનેજ વિભાગ કુલડીમાં ગોળ ભાંગી રહ્યું હોવાનું ફલિત થઈ રહ્યું છે.

હાલમાં જ શહેરનાં કોટ વિસ્તારમાં આવેલ કાદરશાની નાળ અને આસપાસનાં વિસ્તારોમાં બે દિવસ સુધી ગટરિયા પુરની સ્થિતિ સર્જાતાં ડ્રેનેજ વિભાગની લાપરવાહી અંગે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ સ્થિતિ વચ્ચે હવે માન દરવાજા ખાતે આવેલ ખ્વાજા નગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ અને ગલીઓમાં ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણીનું ન્યુશન્સ જોવા મળી રહ્યું છે. ડ્રેનેજનાં ગંદા અને દુર્ગંધયુક્ત પાણીને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

અલબત્ત, આ સમસ્યા અંગે સ્થાનિકો દ્વારા અસંખ્ય વખત રજુઆતો અને ફરિયાદો કરવા છતાં ડ્રેનેજ વિભાગની ધરાર લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે.

અલબત્ત, ડ્રેનેજ વિભાગની આ પ્રકારની ભૂમિકાને પગલે હવે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે અને ડ્રેનેજ વિભાગ જાણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈને બેઠું હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સુરત શહેર સમગ્ર દેશમાં સ્વચ્છતા ક્ષેત્રે એવોર્ડ મેળવી રહ્યું છે ત્યારે મનપાનું ડ્રેનેજ વિભાગ સ્લમ અને ગીચ વિસ્તારોમાં સફાઈના નામે ધરાર આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે.

ઘણા સમયથી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ
ખ્વાજા નગરમાં વસવાટ કરતાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, ડ્રેનેજ વિભાગ સમક્ષ આ અંગે અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. છેલ્લા ઘણા સમયથી ગટરિયા પુરને કારણે હવે આ વિસ્તારમાં મચ્છરો અને ગંદકીની પારાવાર સમસ્યા જોવા મળી રહી છે અને જેને પગલે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.

છ મહિનાથી સમસ્યા છતાં ડ્રેનેજ વિભાગ બેપરવાહ
સ્થાનિક રહીશોએ ડ્રેનેજ વિભાગની ધરાર લાપરવાહી અંગે ભારે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિનાથી આ સમસ્યા હોવા છતાં ડ્રેનેજ વિભાગ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હોવાનું રટણ કરી રહ્યું છે. સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં ડ્રેનેજ વિભાગ નિષ્ફળ પુરવાર થયું છે. આ વિસ્તારમાં મસ્જિદ સહિતનાં ધાર્મિક સ્થળો આવેલા હોવાને કારણે ગટરિયા પુરને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રહેવાસીઓ દ્વારા આ સમસ્યા અંગે સ્થાનિક કોરિટરોને પણ રજુઆત કરવા છતાં તેઓ દ્વારા પણ કોઈ ધ્યાન ન આપવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top