હરિયાણા રાજ્યમાં કુંવારા યુવકોને લગ્ન કરવા માટે યુવતીઓની અછત પ્રવર્તે છે. ત્યાં આશરે સાત લાખથી વધુ લગ્ન-ઇચ્છુક પુરુષો છે અને એવું પણ નથી કે પછાત વર્ગમાં જ આ સમસ્યા છે. આર્થિક રીતે સમૃદ્ધ પરિવારમાં પણ પુત્રવધૂ નથી મળતી. કોઇ પણ સમસ્યાના હલ માટે એનાં મૂળ તપાસવાં અત્યંત આવશ્યક બની જાય. થોડાં વર્ષો પહેલાં જે ભ્રૂણહત્યા થતી હતી (દીકરી હોય તો) એ એનું મહત્ત્વનું કારણ ગણી શકાય. ભૂતકાળમાં અમુક રાજ્યોમાં દીકરીને દૂધ પીતી કરવાનો અમાનવીય રિવાજ હતો. પરંતુ સુધરેલા સમાજમાં પણ સોનોગ્રાફી દ્વારા દીકરી હોય તો એની ગર્ભમાં જ હત્યા કરવામાં આવતી હતી. હવે સરકારે ગર્ભમાં બાળકની જાતિ જાણવા પર પ્રતિબંધ મૂકયો છે જે આવકાર્ય છે.
થોડાં વર્ષો પહેલાંની ભ્રૂણ હત્યાને કારણે વર્તમાન સમયમાં યુવતીઓ સુપ્રાપ્ય નથી. હરિયાણામાં બીજા રાજ્યમાંથી યુવતીઓ લાવવામાં આવે છે. ત્યાં અપરિણીત પુરુષોનાં સંગઠન ચાલે છે અને સિક્કાની બીજી બાજુ પર દૃષ્ટિપાત કરીએ તો યુવતીઓ હવે અતિશિક્ષિત થઇ રહી છે. સ્વનિર્ભર થઇ હોવાથી આર્થિક સમસ્યા વધુ નડતી નથી. યુવતીઓની અપેક્ષા પણ ‘ઊંચી’ હોય છે. એટલે જલ્દી લગ્ન કરવા રાજી પણ નથી હોતી. અપવાદ સર્વત્ર હશે જ પણ આ ભ્રૂણ હત્યાના પાપે ઘણા યુવકો લગ્નથી વંચિત રહી ગયા છે એ પણ હકીકત છે. હરિયાણા જેવી સમસ્યા અન્ય રાજ્યોમાં ઉપસ્થિત ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી. દીકરીના જન્મને પ્રોત્સાહન પ્રાપ્ત થવું જ જોઈએ.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.