SURAT

મિની વાવાઝોડાના લીધે સુરતમાં ગરમી 10 ડિગ્રી ઘટી, અડાજણમાં મોટું ઝાડ ઘર પર પડ્યું

સુરત: ગઈકાલે સોમવારે તા. 13મી મેની રાત્રે મુંબઈ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જેમ સુરતના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાવા સાથે શહેરમાં મિની વાવાઝોડું આવ્યું હતું. ઝડપી પવનના વૃક્ષો પડ્યા હતા. ધૂળની ડમરીઓ ઉઠી હતી. ધીમો વરસાદ વરસ્યો હતો, જેના લીધે શહેરના અનેક વિસ્તારમાં વીજળી જતી રહી હતી.

આખા દિવસની કાળઝાળ ગરમી બાદ રાતે 10 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. 40 કિ.મી.થી વધુની ઝડપી પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. શહેરના પાલ, અડાજણ રાંદેર સહિતના વિસ્તારોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો. જોતજોતામાં અહીં વરસાદ પણ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 વૃક્ષ તૂટી પાડ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં 4, રાંદેર 9, લિંબાયત 1, કતારગામ 3 અને વરાછામાં 1 ઝાડ પડ્યું હતું. ફાયરના કર્મચારીઓ આખી રાત દોડતા રહ્યાં હતાં. અડાજણમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું. જેના લીધે ભારે નુકસાની થઈ હતી.

ફાયર ઓફિસર સંપત સુથારે જણાવ્યું હતું કે, અડાજણની સુગમ સોસાયટીમાં વૃક્ષ ઘર પર તૂટી પડ્યું હતું. જેના પગલે 3થી 4 લાખનું નુકસાન થયું હતું. કોઈ જાનહાનિ થઈ નથી.

વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. જેના લીધે શહેરના અડાજણ, ડુમસ સહિત અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય કટ થયો હતો. વાતાવરણમાં આવેલા અચાનક બદલાવને લીધે ઠંડક પ્રસરી જતાં ગરમીમાં રાહત મળી હતી. માત્ર 2 કલાકમાં શહેરના તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થયો હતો. રાતે 8 કલાકે પારો 34 ડિગ્રી હતો જે 10 વાગ્યે ઘટીને 24 ડિગ્રી થઇ ગયો હતો.

અચાનક આવેલા વાતાવરણમાં પલટાના લીધે પારો ઘટતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી, બીજી તરફ ખેડૂતો ચિંંતામાં મુકાયા હતા. પાક બગડી જવાનો ભય ઉભો થતાં સરકાર પાસે વળતરની માંગણી સુરત જિલ્લાના ખેડૂતોએ કરી છે. આ તરફ સુરત શહેરનું ફાયર વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર વિભાગે તૈયારી કરી લીધી છે.

સુરત ફાયર વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત શહેર ફાયર વિભાગ એલર્ટ મોડ ઉપર છે. ફાયર વિભાગ દ્વારા એક્સ્ટ્રા એક કંટ્રોલરૂમ ઊભું કરવામાં આવ્યું છે. ફાયર કંટ્રોલ રૂમ અધિકારી દિપલ સ્કપાલએ કહ્યું કે, તમામ કર્મચારીઓ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યાં છે. જેથી કોઈપણ કામગીરી હોય તો તાત્કાલિક કરી શકાય. સાથે જ લોકોને કોઈ અગવડ ન પડે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે.

માવઠાંના લીધે ઉનાળું પાકને નુકસાન, વળતર આપવા ખેડૂતોની માંગ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઉનાળું પાકને નુકસાન થયું છે. તલ, મગ સહિત બાગાયતી પાક અને કેરીને નુકસાન પહોંચ્યું છે. જેથી નુકસાનનો સર્વે કરવાની ખેડૂતોએ માગ કરી છે. ખેડૂત આગેવાન જયેશ પટેલે કહ્યું કે, સર્વે કરી સરકારે ખેડૂતોને વળતર આપવું જોઈએ. હાલ તલ અને મગ પાક પર છે. જ્યારે આંબા પર મોટી સંખ્યામાં કેરી લાગી છે. વાવાઝોડાના કારણે કેરીઓ આંબા પરથી ખરી પડી છે. જેથી તાત્કાલિક સરકારે વળતર આપવું જોઈએ.

Most Popular

To Top