Gujarat

કાકરાપાર નહેર વિભાગના અણધડ વહીવટના લીધે ખેડૂતોને 90 દિવસ સિંચાઈનું પાણી નહીં મળે, 2000 કરોડની નુકસાનીનો ડર

સુરત જિલ્લાના ખેડૂતો પર અંદાજે 2 હજાર કરોડના નુકસાનની તલવાર લટકી રહી છે. ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા કાકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની નહેરોમાં રિપેરિંગ કામ માટે 90 દિવસ સુધી સિંચાઈ માટે પાણી ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અચાનક અને કસમયે કરવામાં આવી હોવાથી કૃષિ ક્ષેત્રે મોટું નુકસાન થવાની આશંકા છે.

  • કાકરાપાર જમણા કાંઠા નહેર વિભાગની નહરે 90 દિવસ બંધ રહેવા થી આ વિસ્તારના કાર્યક્ષેત્રના ખેડૂતોને આશરે 2000 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા

અગાઉના સમયમાં આવા કામો માટે એક વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવતી હતી, જેથી ખેડૂતોને પાક વાવેતરની તૈયારી કરવાનો સમય મળી શકે. પરંતુ આ વખતે આવી કોઈ અગાઉની સૂચના આપવામાં આવી નથી, જે ખેડૂતો અને પશુપાલકોને ખૂબ મોટું નુકસાન કરનારી છે.

ઉકાઇ કાકરાપાર નહેર વિભાગના કાર્યક્ષેત્રમાં કામરેજ સુગર, સાયણ સુગર, પંડવાઈ સુગર,વતારિયા સુગર જેવી સહકારી ખાંડ મંડળીઓ સંપૂર્ણ કાર્યક્ષેત્ર સમાયેલ છે. આ તમામ ચાર સુગર ફેક્ટરીઓનો 1 લાખ 10 હજાર એકર શેરડીનું રોપણ અને લામ વિસ્તાર છે. સરેરાશ 22 ટન પ્રતિ એકર ઉત્પાદન ગણતરીમાં લઈએ તો અંદાજે 25 લાખ ટન શેરડીનું પીલાણ ઉપરોક્ત ચાર મંડળીઓ કરતી હોય છે.

જો 90 દિવસ સિચાઈનું પાણી બંધ થવાથી હાલની સને 2025-26 થી પીલાણ સિઝન 30% ઉત્પાદન માં ઘટ ગણતરી માં લઈએ તો અંદાજે 7 લાખ ટન શેરડીનું ઉત્પાદન ઓછું થઈ શકે. સરેરાશ ભાવ 3300 રૂપિયા ગણતરીમાં લઈએ તો અંદાજે 250 કરોડ રૂપિયાનું ખેડૂતને નુકસાન થઈ શકે એમ છે.

શેરડીનું ઉત્પાદન ઓછું થવાથી સહકારી ધોરણે ચાલતી સુગર ફેક્ટરીઓને જરૂરિયાત મુજબના પુરાવઠો ન મળવાથી ઉત્પાદન ખર્ચ વધશે અને જેને પરિણામે પ્રતિ ટન આશરે 100 થી 150 રૂપિયા ઉત્પાદ ખર્ચ વધે તેમ છે. જેને કારણે પણ વધારાનું આશરે 50 કરોડ રૂપિયાનું ખેડૂતોને થઈ શકે એમ છે. આમ, સુગર ફેક્ટરીઓના ખેડૂતોને આશરે 300 કરોડ રૂપિયાનું નુકસાન જવાની શક્યતા છે.

આ ઉપરાંત ઉકાઇ કાકરાપાર નહેર વિભાગના કાર્યક્ષેત્રમાં 2.50 લાખ એકરમાં ડાંગરનું વાવેતર થાય છે, જેમાંથી અંદાજે 1 કરોડ 10 લાખ ડાંગરની ગુણ ઉત્પાદન થાય છે અને તેની બજાર કિંમત આશરે 1500 કરોડ રૂપિયા જેટલી થાય છે. જો સરકાર દ્વારા 90 દિવસ માટે ઉકાઇ કાકરાપાર નહેર વિભાગના કાર્યક્ષેત્રમાં પાણી બંધ કરવામાં આવે તો ઉનાળાના ડાંગર નું ઉત્પાદન સદંતર ન થઈ શકે અને જેને કારણે ખેડૂતોને અંદાજે 1500 કરોડ રૂપિયાનું નુકસાન થાય તેમ છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર અંદાજિત 1,25,000 એકર થાય છે. જો 90 દિવસ નહેર બંધ રાખવામાં આવશે તો આ તમામ શાકભાજી પાકો અને પશુપાકોના ચારા ના ઉત્પાદ પર સીધી અસર પડશે. જેને કારણે દૂધ મંડળીઓ ને દૂધ ની ઘટ પડશે અને શાકભાજી ની પણ અછત ઊભી થવાની પૂરે પૂરી શક્યતા છે. દૂધ અને શાકભાજી ના ઉત્પાદનમાં ઘટ થવાથી ખેડૂતો અને પશુપાલકોને આશરે 250 કરોડ રૂપિયાનું નુકસાન થવાની શક્યતા રહેલી છે .

સરકારે રિપેરિંગ માટે ચોક્કસ બજેટ ફાળવ્યું નથી, NDTના રિપોર્ટ શંકામાં
સૌથી મહત્વની બાબત એ છે કે આ રિપેરિંગ કામ માટે ગુજરાત સરકાર દ્વારા આ કામ માટેનું ચોક્કસ બજેટ ફાળવવામાં આવ્યું નથી. તેમજ NDT (Non Destructive Testing)ના રિપોર્ટમાં અનિયમિતતા અને ધાંધલીની આશંકા છે.

RTI અરજીમાં સિંચાઈ વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, NDT તેમજ સ્ટ્રક્ચર ડીઝાઇન માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી, જાહેરાત ફક્ત નોટિશ બોર્ડ ઉપર કરવામાં આવી છે . સ્થાનિક સમાચાર પત્રોમાં પણ કોઈ જાહેરાત આપવામાં આવી નથી. NDT તેમજ સ્ટ્રક્ચર ડીઝાઇન માટેના વર્ક ઓર્ડર પણ જાહેર રજાના દિવસે તા.15/08/2025 ના રોજ આપવામાં આવ્યો છે. એ પણ શંકા ઊભી કરે છે કે આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી છે ? વધુમાં, NDT ક્યારે અને કોની હાજરીમાં તેમજ ક્યારે કરવામાં આવ્યું તેની કોઈ તારીખ કે વિગતો મળી નથી.

RTI મુજબ, તા. 4/9/2025ના રોજ રિપોર્ટ મળ્યો અને તરત જ તા. 5/9/2025ના રોજ સરકારના મંત્રીની હાજરીમાં 90 દિવસ નહેર બંધ કરવાની અનૌપચારિક જાહેરાત કરવામાં આવી. આમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. પાણીથી ભરેલા સ્ટ્રક્ચરનું ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવ્યું? ચોમાસાની ઋતુમાં વરસાદી વાતાવરણમાં કોની હાજરીમાં આ કામ થયું? આકસ્મિક રીતે કેટલા સ્ટ્રક્ચર તૂટ્યા અને તેને કારણે કેટલા દિવસ નહેર બંધ રહી તે અંગેની કોઈ ચોક્કસ માહિતી મળી નથી.

સ્ટ્રક્ચર ટેસ્ટીંગનું કામ જાહેર રજાના દિવસે કેમ અપાયું?
બજેટ ફાળવણી અને બાંધકામ કાર્યવાહીની ફાઈલની નકલ પણ RTIમાં આપવામાં આવી નથી. સૌથી અગત્યની વાત એ છે કે જે એજન્સી ને સ્ટ્રક્ચરનું ટેસ્ટિંગનું કામ સોંપવામાં આવ્યું તે 15 ઓગસ્ટ 2025 ના રોજ એટલે કે જાહેર રજાના દિવસે આપવામાં આવ્યું. જે શંકા ઉપજાવે છે. આ ઉપરાંત હજુ સુધી સ્ટ્રકચર રિપેરિંગના કામ કઈ એજન્સીને કામ સોંપવામાં આવશે તે નક્કી કરવામાં આવ્યું નથી તેમજ સ્ટ્રકચર રિપેરિંગના કામ અંગેના ટેન્ડરની પણ સ્થાનિક સમાચાર પત્રમાં જાહેરાત કરવામાં આવી નથી.

કાકરાપાર નહેર વિભાગ કચેરીની ભૂમિકા શંકાસ્પદ
એના ઉપરથી ફલિત થાય છે કે, તમામ પ્રક્રિયા એક તરફી રીતે કાકરાપાર નહેર વિભાગના અધિકાક્ષ ઈજનરે ની કચેરી દ્વારા કોઈ ચોક્કસ ખાનગી એજન્સીને આર્થિક લાભ કરાવવા માટે આ કામ કરી રહી હોય એવું લાગી રહ્યું છે . આવી અનિયમિતતાઓથી ખેડૂતોના હિતને આશરે ૨ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને સરકારી પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.

સરકાર ફેરવિચારણા કરે
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એસ. પટેલે એક પત્ર લખી સરકાર સમક્ષ માંગ કરી છે કે આ જાહેરાત પર તાત્કાલિક પુનર્વિચાર કરે અને આ તમામ પ્રક્રિયાની CAG અને વિજિલન્સ વિભાગ દ્વારા તલસ્પર્શી તપાસ કરાવવામાં આવે અને પ્રક્રિયામાં સરકારી નીતિનિયમો વિરુદ્ધ જઈ પ્રક્રિયા કરનાર સામે દાખલો બેસે એવી કાર્યવાહી કરવામાં આવે . જેથી સરકાર અને કૃષિ ક્ષેત્રને 2 હજાર કરોડ થી વધુ નું નુકસાન થતું અટકાવી શકાઈ.

Most Popular

To Top