SURAT

કલકત્તા રેપ કેસના પ્રત્યાઘાતઃ તબીબોની હડતાળને લીધે સુરત સિવિલમાં દર્દીઓના સારવાર માટે વલખાં

સુરતઃ કલકત્તાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈન ડોક્ટરના બળાત્કાર અને હત્યાની આઘાતજનક ઘટનાના સમગ્ર દેશમાં પ્રત્યાઘાત પડ્યા છે. દેશભરમાં ડોક્ટરો આ ઘટનાનો વિરોધ કરી આરોપીઓને સખ્ત સજાની માંગણી કરી રહ્યાં છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા શનિવારે તા. 17 ઓગસ્ટના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન કરાયું છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે પણ રેસિડેન્ટ તબીબોએ હડતાળ પાડી કામથી અળગા રહી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. રેસિડેન્ટ તબીબોની હડતાળના લીધે દર્દીઓને સારવાર માટે વલખાં મારવા મજબૂર બન્યા હતા.

સ્વાતંત્ર્ય પર્વ અગાઉ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેઈની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાઈ હતી. જેનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને OPD તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે. જેથી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી ગઈ છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબોની હડતાળથી ઓપીડી શરૂ થઈ નથી. કેટલીક ઓપીડી ચાલુ થઈ છે. જો કે, રેસિડેન્ટ ડોક્ટરો આવ્યા નથી. ડોક્ટરો આવે પછી ઓપીડી ચાલુ થશે તેવું જાણવા મળ્યું છે. ઓપીડી બહાર દર્દીઓની લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓ દૂર દૂરથી આવતા હોવાથી પરેશાન થયા છે.

સિવિલ હોસ્પિટલમાં 700થી 800 જેટલા ફરજ બજાવતા ઇન્ટર્ન, રેસિડેન્ટ સહિતના તબીબો ઇમર્જન્સી સેવા સિવાયની સેવાઓથી દૂર રહ્યા છે. જ્યાં સુધી કડક કાર્યવાહી અને ન્યાય નહીં મળે ત્યા સુઘી અચોક્કસ મુદત સુધી હડતાળ પર રહેશે. જો કે, આજે સેવા દર્દીઓને મળશે કે કેમ તેવા સવાલોના જવાબથી સિવિલ હોસ્પિટલના સુપરીન્ટેન્ડેટ દૂર રહ્યા હતાં.

Most Popular

To Top