Columns

રેઢિયાળ વહીવટને કારણે ઇન્દોરમાં નર્મદાનાં પાણીમાં ગટરનું પાણી ભળી ગયું

મધ્યપ્રદેશના જે ઇન્દોર શહેરને સતત સાત વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેરનો ખિતાબ મળ્યો છે, તેની પોલ ખુલ્લી થઈ ગઈ છે. ઇન્દોરના ભગીરથપુરામાં નર્મદા નદીની પાઇપલાઇનમાં ડ્રેનેજ લાઇનનું પાણી ભળવાથી પાણી ગંદું થઈ ગયું હતું. આ ગંદું પાણી પીવાને કારણે આ વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૪ લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો બીમાર પડી ગયાં છે. રાજ્ય સરકારના મંત્રી કૈલાસ વિજયવર્ગીયે સ્વીકાર્યું કે આઠથી નવ લોકોનાં મોત થયાં છે. રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.

દૂષિત પાણી પીવાના કારણે બીમાર પડેલાં ઘણાં લોકોને વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે, પરંતુ સરકારના રેઢિયાળ વહીવટને કારણે દસ દિવસથી વધુ સમય પછી પણ ભગીરથપુરાના તમામ વિસ્તારોમાં સ્વચ્છ પીવાનું પાણી પહોંચ્યું નથી. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ સુધી શોધી શક્યું નથી કે આ ગંદું પાણી પાઇપલાઇનમાં  ક્યાંથી ભળી ગયું છે. આ બાબતે મધ્યપ્રદેશ સરકારના મંત્રી કૈલાસ વિજયવર્ગીયે કહ્યું કે લગભગ ૧,૪૦૦ થી ૧,૫૦૦ લોકો અસરગ્રસ્ત થયાં હતાં, જેમાંથી ૧૯૮ લોકો હોસ્પિટલમાં છે. હવે વધુ બે લોકોને દાખલ કરવામાં આવ્યાં છે.

ઇન્દોરમાં પીવાનાં પાણીમાં ગટરનું પાણી ભળી જવાની સમસ્યા આજકાલની નથી પણ ઘણા સમયથી અસ્તિત્વમાં છે. એક સ્થાનિક મહિલાએ કહ્યું કે ડ્રેનેજ લાઇન પર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. તેને પીવાના પાણીની લાઇન સાથે જોડવામાં આવી રહી છે, પરંતુ તેની સંભાળ રાખવા માટે કોઈ નથી. અમે છેલ્લાં દોઢ વર્ષથી પીડાઈ રહ્યાં છીએ. ફરિયાદ કર્યા પછી પણ કોઈ સાંભળતું નથી. વહીવટીતંત્ર તરફથી હજુ સુધી કોઈ પણ પરિસ્થિતિની તપાસ કરવા આવ્યું નથી.

પાણી પુરવઠો હજુ પણ દૂષિત છે. ઇન્દોરના જે વિસ્તારમાં દૂષિત પાણીથી તબાહી મચી રહી છે તે ભગીરથપુરા વિસ્તાર ઇન્દોર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૈલાસ વિજયવર્ગીય અહીંનું પ્રતિનિધિત્વ કરે છે. ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન પણ મધ્ય પ્રદેશના શહેરી વહીવટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયના અધિકારક્ષેત્ર હેઠળ જ આવે છે.

દૂષિત પાણીના કારણે મૃત્યુ પામેલા પાંચ મહિનાના બાળક અવ્યાન સાહુના પિતા સુનીલ સાહુએ જણાવ્યું કે તેમના પરિવારમાં તેમનાં માતાપિતા, પત્ની અને દસ વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. સુનીલ સાહુ કુરિયરનું કામ કરે છે. પાંચ મહિના પહેલાં જ તેમને ત્યાં અવ્યાનનો જન્મ થયો હતો. માતાના દૂધ ઉપરાંત, બાળકને બહારનું દૂધ પાણીમાં ભેળવીને આપવામાં આવતું હતું.

નર્મદાનું પાણી દૂષિત છે કે નહીં તે ખબર નહોતી. જ્યારે બહારનાં લોકોએ ઘણાં બાળકો બિમાર હોવાની જાણ કરી, ત્યારે સ્પષ્ટ થયું કે નર્મદાનું પાણી દૂષિત છે. ૨૬ ડિસેમ્બરે બાળકને અચાનક ઝાડા થવાની ફરિયાદ થઈ. તેને પડોશના ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો, પરંતુ દવા લીધા પછી પણ તેની હાલતમાં કોઈ સુધારો થયો નહીં. ૨૯ ડિસેમ્બરની સાંજે સતત ઝાડાને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ત્યારે તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. તેની તપાસ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે ઘણું મોડું થઈ ગયું છે. અવ્યાનનું મૃત્યુ થઈ ગયું છે. વહીવટીતંત્રે ખાતરી કરવી જોઈએ કે આવું બીજા કોઈ સાથે ન થાય. દોષિત ઠરનારાંઓને કડક કાર્યવાહીનો સામનો કરવો જોઈએ.

એક દરજી સંજય યાદવે કહ્યું કે મારી ૬૯ વર્ષીય માતાને દૂષિત પાણી પીધા પછી ૨૬ ડિસેમ્બરની સાંજે ઉલટી અને ઝાડા થવા લાગ્યા હતા. તેમને દવા આપવામાં આવી હતી, પરંતુ જ્યારે તે કામ ન કરતી ત્યારે તેમને કાપડ બજાર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. જો કે, ૨૨ કલાકની સારવાર પછી તેમનું અવસાન થયું. સંજય યાદવે કહ્યું કે તેમનું ૧૧ મહિનાનું બાળક હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે.

તેમની હાલતમાં થોડો સુધારો થયો છે, પરંતુ તેમને હજુ પણ ઝાડા છે. તેમનો પાડોશી પણ બિમાર છે.  ભગીરથપુરામાં રહેતા ૭૬ વર્ષીય નિવૃત્ત રેલ્વે કર્મચારી નંદલાલ પાલની પુત્રી સુધા પાલે જણાવ્યું કે તેમના પિતાને બે-ત્રણ દિવસથી ઉલટી અને ઝાડા થઈ રહ્યા હતા. તેમને વર્મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. સુધા પાલે જણાવ્યું કે ૩૦ ડિસેમ્બરે તેના પિતાનું ચેપથી મૃત્યુ થયું હતું.

દૂષિત પાણી પીવાથી ૫૦ વર્ષીય સીમા પ્રજાપતનું પણ મૃત્યુ થયું હતું. તેમના પુત્ર, અરુણ પ્રજાપતે કહ્યું કે ૨૮ ડિસેમ્બરની રાત્રે, મારી માતાએ પરિવાર સાથે રાત્રિભોજન કર્યું હતું, પરંતુ ૨૯ ડિસેમ્બરની સવારે તે બિમાર પડી ગઈ. તેને ઉલટી અને ઝાડા થવા લાગ્યા. અરુણ પ્રજાપતે તેને હોસ્પિટલ લઈ જવાનું શરૂ કર્યું પણ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. પાણી કડવું હતું, પણ અમને ખબર નહોતી કે તે જીવલેણ છે. પડોશમાં એક છોકરી બિમાર પડી. લોકો બીમાર છે, પણ અહીં પાણી નથી. અમારે એ જ પાણી પીવું પડે છે. અત્યાર સુધી અમારી શેરીમાં કોઈ આવ્યું નથી. ફક્ત કાઉન્સિલર આવ્યા હતા. અમે તેમને કહ્યું કે પાણી ગંદું છે, પણ તેઓ પાછા ફર્યા નથી.

ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે થયેલા મૃત્યુના કિસ્સામાં શહેરી વહીવટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ સ્વીકાર્યું કે ભૂલ થઈ હતી. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મ્યુનિસિપલ ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે આ ઘટના બની હતી. જ્યારે દૂષિત પાણી પુરવઠાની જાણ થઈ ત્યારે કર્મચારીઓએ લોકોને પાણીનો વપરાશ ન કરવા માટે જાહેરાત કરવી જોઈતી હતી. તેમણે પાણીનાં ટેન્કરો મોકલવાં જોઈતાં હતાં.

ભૂલ તેમની હતી, તેથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ તપાસ સમિતિની રચના કરી છે. જે કોઈ બેદરકારી દાખવશે તેને છોડવામાં આવશે નહીં. સરકારે મૃતકોનાં પરિવારજનોને ૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ જ વિસ્તારમાં રહેતી સપના પાલે કહ્યું કે હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ મળ્યો નથી. ફક્ત ORSનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમની શેરીમાં એક વ્યક્તિનું ઝાડાથી મૃત્યુ થયું છે. ગંદાં પાણીનો ભોગ બનેલાં લોકોને હજુ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીતુ પટવારી પણ ઇન્દોરમાં દૂષિત પાણીના કેસના સંદર્ભમાં હોસ્પિટલમાં પહોંચ્યા અને દર્દીઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે ઇન્દોર ઝેરી પાણી પી રહ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એક તપાસ સમિતિની પણ રચના કરી છે, જેમાં ધારાસભ્યો અને ભૂતપૂર્વ મંત્રીઓનો સમાવેશ થાય છે. દરમિયાન, મુખ્યમંત્રી મોહન યાદવે ૩૧ ડિસેમ્બરે દૂષિત પાણી પીવાથી બીમાર પડેલાં લોકોને જ્યાં દાખલ કર્યાં હતાં તે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી.

તેમણે કહ્યું કે દૂષિત પાણી સંબંધિત કેસમાં ૪૦ હજારથી વધુ લોકોની તપાસ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ ૨૨૧ લોકોમાંથી ૫૦ લોકો હવે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે કૈલાસ વિજયવર્ગીય ભગીરથપુરા પહોંચ્યા ત્યારે તેમને સ્થાનિક લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો. તેઓ પરિસ્થિતિ જોવા માટે પોતાની બાઇક પર પહોંચ્યા હતા. લોકોએ તેમને આ વિસ્તારની ભયાનક પરિસ્થિતિ વિશે ફરિયાદ કરી હતી, પરંતુ તેઓ પોતાની બાઇક પર જતા રહ્યા હતા.

ઇન્દોરના દૂષિત પાણી કૌભાંડમાં એક નવો ખુલાસો થયો છે. લેબ રિપોર્ટે બધાને ચોંકાવી દીધાં છે. ભગીરથપુરાના આ વિસ્તારમાં દૂષિત પાણીમાં ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા છે, જે મૃત્યુનું કારણ બની રહ્યા છે. ઇન્દોરના દૂષિત પાણી કૌભાંડમાં માનવમળ અને પેશાબમાં જોવા મળતાં બેક્ટેરિયા જેવાં જ બેક્ટેરિયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના નમૂનાઓનું પરીક્ષણ MGM મેડિકલ કોલેજ લેબમાં કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભગીરથપુરામાં પોલીસ ચોકી પાસે મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું, જ્યાં એક શૌચાલય આવેલું છે. અધિકારીઓનો દાવો છે કે આ લીકેજ પાણીને દૂષિત કરે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top