ગુલાબ વાવાઝોડાની અસરના પગલે ઉપરવાસના ડાર્ક ઝોનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય ઉકાઈમાંથી છેલ્લાં 24 કલાક કરતા વધુ સમયથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. (Due to heavy rain in dark zone of ukai dam Surat on HighAlert Mode) ડેમની સપાટીને મેઈન્ટેઈન કરવા માટે અધિકારીઓ સતત પાણી છોડવાની માત્રામાં વધારો-ઘટાડો કરી રહ્યાં છે. છેલ્લાં અપડેટ અનુસાર આજે બુધવારે બપોરે 2 કલાકે ઉકાઈ ડેમમાંથી 2,05,950 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે શહેરીજનોના મનમાં ફફડાટ વ્યાપી ગયો છે. શું સુરતમાં પૂર આવશે એ પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે, ખરેખર શું છે સ્થિતિ તે જાણીએ.
બુધવારે બપોરે 2 વાગ્યાના અપડેટ અનુસાર ઉકાઈ ડેમમાં 2,75,787 ક્યૂસેક પાણીનો ઈનફલો છે, તેની સામે ડેમમાંથી 2,05,942 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં ડેમની સપાટી 341.45 ફૂટ છે. ડેનજર લેવલ 345 ફૂટ છે. આ અગાઉ ગઈકાલે મંગળવારે ડેમની સપાટી 342 ફૂટને વટાવી ગઈ હતી. ત્યારે ડેમની સપાટી જાળવી રાખવા માટે 1.95 લાખ ક્યૂસેક જેટલું પાણી છોડી સપાટી 340 ફૂટ પર લઈ જવામાં આવી હતી, પરંતુ ડાર્ક ઝોનમાંથી પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે, જેના પગલે હાલ ડેમમાંથી આવક જેટલી જાવકનો નિર્ણય લેવાયો છે. સુરતમાં હાઈએલર્ટની પહેલી નોટીસ આજે બુધવારે સવારે 11.50 કલાકે ઈસ્યુ કરવામાં આવી છે. ઉકાઈ ડેમના 41 મહત્ત્વના રેઈન ગેજ સ્ટેશનમાં 51.22 મી.મી. વરસાદ વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં વરસેલા વરસાદના લીધે ટેન્શન ઉભું થયું છે.
આ તરફ ઉકાઈમાંથી સતત 2 લાખ ક્યૂસેક પાણી છેલ્લાં 24 કલાકથી છોડવામાં આવી રહ્યું હોય તાપી બંને કાંઠે વહેવા લાગી છે. તાપી નજીકના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઝોનમાં ધાસ્તીપુરા અને મક્કાઈ ફ્લડ ગેટ ખાતે સુરત મનપા દ્વારા ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોઈ પણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ થઈ ગયું છે. પાણીનું લેવલ વધે તો ધાસ્તીપુરાનો ગેટ બંધ કરવો પડે તેની તૈયારી પાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. અહીં પાણી કાઢવા માટે વોટરીંગ પમ્પ મુકી દેવાયા છે.
- 𝗨𝗸𝗮𝗶 𝗗𝗮𝗺
- Date :29/09/2021
- Time : 14:00 hrs
- Rule Level : 345.00 ft (7414.29)
- Level : 341.45 ft
- Gross Storage:6782.20
- MCM (91.47%)
- Live storage :6097.81 MCM 𝗜𝗻𝗳𝗹𝗼𝘄 : 275787 Cusecs
- Outflow :
- Canal: 1100 cusecs
- Hydro: 22892 cusecs
- Gate: 181950 cusecs
- Total 𝗢𝘂𝘁 𝗙𝗹𝗼𝘄: 205942 Cusec𝗌
ઉકાઈ ડેમમાંથી 2 લાખ કરતા વધુ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય તાપી બે કાંઠે વહી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ટેન્શન સર્જાયું છે. સુરત મહાનગરપાલિકા હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. સરકારી શાળાઓમાં અસરગ્રસ્તોને ખસેડી શકાય તે માટે વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કરી દેવાયું છે, તો બીજી તરફ લોકોના મનમાં પણ 2006ના પૂરનો ભય ફરી એકવાર જાગ્યો છે. શાકભાજી બજારોમાં શાકભાજી ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. કરિયાણાની દુકાનો પર પણ ભીડ જોવા મળી રહી છે. 2006ની ભયાનક યાદો લોકોના માનસપટ પર તાજી થઈ ગઈ છે. લોકો ખાણીપીણીની ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા દોડાદોડી કરી રહ્યાં છે.
રાંદેર હનુમાન ટેકરીના ફલડ ગેટ બંધ કરી દેવાયા, ફાયર દ્વારા ડિવોટરીંગ પંપથી પાણી ઉલેચવાનું શરૂ કરાયું
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી 2 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના લીધે તાપી કિનારાના સુરત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ચિંતા ઉભી થઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી પર ફલડ ગેટ બંધ કરવાની ફરજ પડી છે. અહીં સુરત મનપાના રાંદેર ઝોનની ફાયર ટીમ દ્વારા ડિવોટરીંગ પંપ ચાલુ કરી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે.
નવી સિવિલ હોસ્પિટલમાં પાણીનો ધોધ પડતા પેસેજમાં તળાવ ઉભરાયું
ગઈકાલે આખી રાત દરમિયાન ધોધમાર વરસાદ વરસવાના લીધે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાણીનો ધોધ પડવા લાગ્યો હતો. હોસ્પિટલના મુખ્ય પેસેજમાં જ જાણે નાઈગ્રા ફોલ પડી રહ્યો હોય તેવા ચિત્રો જોવા મળ્યા હતા. ખૂબ જ ફોર્સફુલી પાણીની ધારા પડી રહી હોય પેસેજ તળાવમાં ફેરવાઈ ગયું હતું.
સવારે 6 કલાકમાં સૌથી વધુ ઓલપાડમાં 31 મીમી વરસાદ વરસ્યો
સુરત જિલ્લામાં સવારે 6થી 12 દરમિયાન પણ વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. આ સમયગાળામાં સૌથી વધુ ઓલપાડમાં 31 મીમી વરસાદ વરસ્યો છે. અહીં ભારે વરસાદના લીધે એક મકાનની દિવાલ તૂટી પડતા એક દંપતી ઉઠ્યું જ નહોતું. મૃત્યુ પામ્યું હતું. આ ઉપરાંત બારડોલીમાં 9 મીમી, ચોર્યાસીમાં 8 મીમી, કામરેજમાં 11 મીમી, મહુવામાં 14 મીમી, માંડવીમાં 4 મીમી, માંગરોળમાં 25 મીમી, પલસાણામાં 14 મીમી અને સુરત શહેરમાં 10 મીમી વરસાદ વરસ્યો હતો. સમગ્ર જિલ્લામાં કુલ 126 મીમી વરસાદ વરસ્યો છે.