સુરત: સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પર બારે માસ અને ચોવીસ કલાક ભારે ભીડ હોય છે. તેમાં પણ ઉનાળાના વેકેશનમાં (Summer Vacation) તો ભીડ બમણીથી વધુ થઈ જતી હોય છે. તેની સામે સુરતથી ટ્રેનોની સંખ્યા ખુબ જ ઓછી છે. તેથી દર વેકેશનમાં સુરત રેલવે સ્ટેશન પર અફરા-તફરીનો માહોલ જોવા મળે છે.
તેમાં પણ કેટલીક ટ્રેનો પહેલાથી ભરેલી આવતી હોવાથી સુરત રેલવે સ્ટેશન પરના પેસેન્જરોને (Passangers) જગ્યા પણ નથી મળતી કેટલીક વખત તો ટ્રેનના દરવાજા પણ ખોલવામાં આવતા નથી. રવિવારે પણ રિઝર્વેશન કોચ વગરની અત્યોંદય એક્સપ્રેસના (Antoyadaya Express) દરવાજા ખોલવામાં નહીં આવતા સુરત રેલવે સ્ટેશન પર પેસેન્જરોએ તોફાન મચાવ્યું હતું.
ઉનાળાના વેકેશનમાં ટ્રેનો ફુલ જઈ રહી છે. સુરત અને ઉધના રેલવે સ્ટેશને તો એક પણ ટ્રેનમાં એક પણ કોચમાં જગ્યા નથી મળતી. રવિવારે વહેલી સવારે બાંદ્રાથી ઉપડી ગોરખપુર જવા નીકળેલી અત્યોંદય એક્સપ્રેસ સવા આઠેક વાગ્યાના સુમારે સુરત રેલવે સ્ટેશને આવી પહોંચી હતી.
પરંતુ ટ્રેન પહેલાથી પેક હોવાથી ટ્રેનના દરવાજા અંદરથી કોઈએ ખોલ્યા ન હતા. તેથી સુરત સ્ટેશનના પ્લેટફોર્મ પર સામાન લઈને ઉભેલા મુસાફરોની ધીરજ ખુટી ગઇ હતી અને તેઓએ દરવાજા ખખડાવ્યા હતા, આ સાથે અંદર બેઠેલા મુસાફરો સાથે બારીમાંથી મારપીટ થઈ હતી.
મામલાની ગંભીરતાને જોતા તાત્કાલીક જ સ્ટેશન પર જાહેરાત કરાઇ હતી કે, રેલ્વે પોલીસ જીઆરપી અને આરપીએફને સ્થળ પર મોકલવામાં આવે. પોલીસનો સ્ટાફ આવી પહોંચ્યા બાદ પણ લોકોએ દરવાજા ખોલ્યા ન હતા. ત્યારબાદ જીઆરપી દ્વારા કડક કાર્યવાહી કરીને અંદરથી દરવાજો ખોલવામાં આવ્યો હતો.
બાદમાં સુરતના બેકાબુ ટોળાએ અચાનક અંદર ઘુસીને અંદર પહેલાથી જ બેઠેલા મુસાફરો પર જોર જોરથી બૂમો પાડી હતી. જોકે, સ્થળ પર રેલવે પોલીસે લોકોને સમજાવ્યા હતા. ટ્રેનનો દરવાજો ખોલવામાં મોડું થવાને કારણે ફાટક ખુલતાની સાથે જ અડધી મિનિટમાં જ ટ્રેન દોડવા લાગી હતી, જેના કારણે ત્રણસો જેટલા મુસાફરો ટ્રેનમાં ચઢી શક્યા નહતા.