Dakshin Gujarat

દમણ અને સેલવાસમાં આ તારીખથી દારૂ નહીં વેચાય!

દમણ (Daman) : સંઘ પ્રદેશ દમણમાં 29 નવેમ્બરથી 1 લી ડિસેમ્બર સુધી દમણ સેલવાસમાં (Silvasa) દારૂના (Liquor) વેચાણ (Sell) પર પ્રતિબંધ (Ban) લાધી ડ્રાઈ ડે જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે પ્રથમ ચરણમાં 1લી ડિસેમ્બરે મતદાન હાથ ધરવામાં આવશે. જેને લઇને સંઘપ્રદેશ દાનહ-દમણ પ્રશાસને પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે ગુરૂવારે સંઘપ્રદેશ પ્રશાસના જોઈન્ટ સેક્રેટરી ( ટેક્શેસન) કરણજિત વડોદરિયાએ એક નોટિફિકેશન બહાર પાડીને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને 29મી નવેમ્બર સાંજે 5 વાગ્યાથી લઇને મતદાન દિવસ એટલેકે 1લી ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી સંઘપ્રદેશ દમણ-સેલવાસના તમામ બાર અને વાઇન શોપ બંધ રાખવા જણાવ્યું છે.

એટલે કે, પ્રથમ ફેઝના ત્રણ દિવસ સુધી દમણ-સેલવાસમાં દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સેકન્ડ ફેઝ માટે 3જી ડિસેમ્બર શનિવાર સાંજે 5 વાગ્યાથી 5મી ડિસેમ્બર સોમવાર સાંજે 5 વાગ્યા સુધી દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. આ ઉપરાંત મત ગણતરીના 8મી ડિસેમ્બર પણ આખો દિવસ બાર અને વાઇનશોપ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

નોગામા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, 3 વોન્ટેડ
નવસારી, ઘેજ : નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ચીખલી તાલુકાના નોગામા ગામ પાસે કંકુબા પેટ્રોલપંપ પહેલા એક ઈનોવા કાર (નં. જીજે-15-સીએલ-3665) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,59,200 રૂપિયાના વિદેશી દારૂની 324 નંગ બાટલીઓ મળી આવતા વલસાડના પારડી તાલુકાના સોધલવાડા મંદિર ફળીયામાં રહેતા વિક્કીભાઈ ભરતભાઈ પટેલ ઝડપી પાડ્યો હતો. પોલીસે વિક્કીભાઈની પૂછપરછ કરતા વલસાડ પારડી તાલુકાના ગોયમા ગામે રહેતા સુજીત પટેલે દારૂ ભરાવી આપ્યો હતો. સુરત બારડોલીમાં રહેતા કેયુર ભંડારીએ દારૂ મંગાવ્યો હોવાનું કબુલ્યું હતું. જેથી પોલીસે સુજીત પટેલ, કેયુર ભંડારી અને ઇનોવા કારના ક્લીનરને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 10 લાખની કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 12,64,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

પરથાણ ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે 2 ઝડપાયા
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે નં. 48 ઉપર પરથાણ ગામ પાસેથી એક બોલેરો (નં. જીજે-15-એવી-7302) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,49,600 રૂપિયાની વિદેશી દારૂની 336 નંગ બાટલીઓ મળી આવતા મૂળ નંદુરબાર જિલ્લાના સાહદાના કલ્પનાનગરમાં અને હાલ વલસાડના ઉમરગામ તાલુકાના સોળસુંબા સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા હિતેશભાઈ ઉર્ફે વીકી નારાયણભાઈ પાટીલ તેમજ મૂળ નાસિક જિલ્લાના સટાણા તાલુકાના ઈજમાની અને હાલ ઉમરગામ તાલુકાના સોળસુંબામાં માણેક સોસાયટીમાં રહેતા સુરેશ નથ્થુ ઘોડગેને ઝડપી પાડ્યો હતો.

પોલીસે હિતેશ ઉર્ફે વીકી અને સુરેશની પૂછપરછ કરતા મહારાષ્ટ્રના થાણા નારાયણ ગામે રહેતા દાદુ માલ આપ્યો હતો અને સુરત સરથાણા જકાતનાકામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે મુળુ નરસિંહભાઈ પટેલે દારૂ મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 2500 રૂપિયાનો મોબાઈલ, રોકડા 6860 રૂપિયા અને 8 લાખ રૂપિયાની બોલેરો મળી કુલ્લે 10,58,960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top