Business

કોરોનાના ભયથી બજાર ધ્રુજ્યું, ઈન્વેસ્ટર્સના આટલા કરોડનું ધોવાણ

નવી દિલ્હી : ચીનમાં કોરોનાના (Corona) વધતા જતા કેસોની અસર ભારત સહિત વિશ્વભરના શેરબજારો (Share Market) પર પડી રહી છે. ભારતીય શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. શુક્રવારે પણ બજાર રેડ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty) બજાર શરૂ થયાની થોડી જ મિનિટોમાં ગબડ્યા હતા. સેન્સેક્સ 620.66 પોઈન્ટ ઘટીને 60,205.56 પર પહોંચ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 158.55 પોઈન્ટ ઘટીને 18,000ની નીચે 17,968.80ની સપાટીએ આવી ગયો હતો.

દિવસ દરમિયાન સેન્સેક્સ લગભગ 1000 પોઈન્ટ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી ફરી 17800 ની નજીક આવી ગયો છે. બજાર માટે વૈશ્વિક સંકેતો નબળા રહ્યા છે. કોરોના વાયરસના ડરને કારણે બજારમાં ગભરાટનો માહોલ જોના મળી રહ્યો છે. હાલમાં સેન્સેક્સમાં 981 પોઈન્ટ તૂટ્યો અને તે 59,845.29 ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 321 પોઈન્ટ તૂટીને 17807ના સ્તર પર બંધ થઈ છે. બજાર ધબાય નમ: થતાં રોકાણકારોના 5000 કરોડનું ધોવાણ થયો હોવાનો અંદાજ છે.

આજના કારોબારમાં દરેક મોટા સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી પર મેટલ ઇન્ડેક્સ 4 ટકા ઘટ્યો હતો, જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સ લગભગ 6 ટકા ઘટ્યો હતો. નિફ્ટી બેન્ક 1.5 ટકા, ઓટો ઇન્ડેક્સ લગભગ 2.5 ટકા અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ 1.3 ટકા નબળો પડ્યો છે. એફએમસીજી ઇન્ડેક્સમાં 1.5 ટકા અને આઇટી ઇન્ડેક્સમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ 3 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 0.6 ટકા ઘટ્યો હતો.

ઓટો, આઈટી, મેટલ્સ, મીડિયા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ, ઈન્ફોસિસ અને વિપ્રો જેવા શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. આજે ડોલર સામે રૂપિયો 4 પૈસાના ઘટાડા સાથે 82.80 ના સ્તર પર ખુલ્યો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 1.05 ટકા, S&P 500માં 1.45 ટકા અને નાસ્ડેકમાં 2.18 ટકાનો 349 પોઇન્ટનો જંગી ઘટાડો નોંધાયો હતો. એશિયન માર્કેટ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. જાપાનનો નિક્કી 1 ટકા અને કોરિયાનો કોસ્પી 1.70 ટકા ડાઉન છે.

ગુરુવારે એવો ઘટાડો થયો હતો કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સે 241.02 પોઈન્ટ્સ અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 60,826.22 ના સ્તરે કારોબાર બંધ કર્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 60,656.51ની નીચી સપાટીએ ગયો હતો. સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી પણ 18,289ના સ્તરે ખુલ્યો હતો, જે 85.25 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટીને 18,113.85 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.

સેન્સેક્સના માત્ર 4 શેર જ લીલા નિશાન પર છે
શુક્રવારે શેરબજારમાં શરૂઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર ચાર શેર જ લીલા નિશાન પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જ્યારે 26 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન બેન્ક નિફ્ટી 457 પોઈન્ટના ઘટાડા સાથે 41,951ના સ્તરે ખુલ્યો હતો. શેરબજારમાં ઘટાડા સાથે ભારતીય ચલણ રૂપિયો પણ અમેરિકી ડોલર સામે 0.05 ટકા નબળો પડ્યો અને 82.8000 રૂપિયાના સ્તરે ખુલ્યો. આગલા દિવસે તે રૂ.82.7625ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સ ઉચ્ચ સ્તરેથી નીચો આવ્યો
બીએસઈનો સેન્સેક્સ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરેથી 3500 પોઈન્ટ તૂટી ગયો છે. નવેમ્બરમાં જ, શેરબજારમાં આવેલી તેજીને કારણે 30 શેરનો ઇન્ડેક્સ પ્રથમ વખત 63,000ની સપાટીને પાર કરી ગયો હતો. 1 ડિસેમ્બર 2022ના રોજ સેન્સેક્સ 63,500ને પાર કરી ગયો હતો. આ ઉચ્ચ સ્તરની તુલનામાં, અત્યાર સુધી સેન્સેક્સ 3,500 પોઈન્ટ સુધી સરકી ગયો છે. ખાસ વાત એ છે કે ચીન સહિત વિશ્વમાં વધી રહેલા કોરોના કેસની અસરને કારણે શેરબજારમાં સુનામી દરમિયાન છેલ્લા કેટલાક દિવસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો થઈ રહ્યો છે
શેરબજારમાં જેમ-જેમ કારોબાર આગળ વધી રહ્યો છે તેમ તેમ બંને ઈન્ડેક્સમાં ઘટાડો તીવ્ર બને તેમ જણાય છે. સવારે 10.27 વાગ્યા સુધીમાં BSE સેન્સેક્સ 654.78 પોઈન્ટ્સ અથવા 1.08 ટકાના ઘટાડા સાથે 60,171.44ના સ્તરે આવી ગયો હતો. તે જ સમયે, NSEના નિફ્ટીમાં ઘટાડો પણ સતત વધી રહ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સ 203.95 પોઈન્ટ અથવા 1.13 ટકા લપસીને 17,923.40ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

Most Popular

To Top