Columns

દૂધનું ઉત્પાદન વધારવા પશુપાલન માટે નવી ટેકનોલોજી

દૂધનું ઉત્પાદન ઝડપભેર વધ્યું છે. 1983માં દુનિયાભરમાં 530 લાખ ટન દૂધનું ઉત્પાદન થતું હતું, એ વધીને 2020માં 900 લાખ ટન જેટલું થયું હતું. તેની સામે વસતિ વધી હોવાથી દૂધની જરૂરિયાત પણ વધી છે. ભારતમાં જ સૌથી વધુ 85 લાખ મેટ્રિક ટન દૂધની જરૂર પડે છે. યુરોપ-અમેરિકામાં 50 લાખ મેટ્રિક ટન દૂધ ખપી જાય છે. આવી સ્થિતિમાં દૂધની જરૂરિયાત વધતી જાય છે, સામે ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પ્રયોગો થઈ રહ્યા છે. ભારતમાં પણ ગાય-ભેંસની ફિટનેસ પર નજર રાખવા માટે ફિટનેસ ટ્રેકર્સનો ઉપયોગ શરૂ થયો છે. કર્ણાટકમાં 56 લાખ ગાય-ભેંસના કાનમાં ચિપ લગાવવામાં આવી છે, તેની મદદથી આ દૂધાળુ સજીવોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવે છે અને એ ડેટાનું વિશ્લેષણ થતું રહે છે. ગાય દોહવા માટે તો ઘણાં વર્ષોથી રોબોટિક્સનો ઉપયોગ થાય છે, એ સિવાય પણ સીસીટીવીથી લઈને ગાય-ભેંસને ચરવા મૂકવામાં આવે ત્યારે ડ્રોનથી એનું મોનિટરિંગ પણ થાય છે.

ગાય-ભેંસના પ્રજનન માટેય વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ હવે વધતો જાય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિક એમાં મદદ કરે છે. ભારતમાં તો 30 લાખ કરતાં વધુ ગૌવંશ હોવાથી કૃત્રિમ ગર્ભાધાનની પદ્ધતિ અસરકારક નિવડે છે. થોડાં વર્ષો પહેલાં પશ્વિમ બંગાળની ગૌ સંપદા વિકાસ સંસ્થાને ગાય માટે RKVI ટેકનિક વિકસાવી હતી, જેની મદદથી પહેલા વાછરડાનો જન્મ થયો હતો. આ ટેકનિકથી વાછરડીનો જન્મ થતો હોવાથી ખેડૂતોને ગાય સંરક્ષણમાં સરળતા રહે છે અને તેમના પર વધારાનો બોજ આવતો નથી. ભારતના સંશોધકોએ દાવો કર્યો હતો કે સરોગસી ટેકનિકથી પ્રજનન થઈ શકે એટલે બેફામ બનીને લોકોને શિંગડે ચડાવતા આખલાઓથી બચી શકાશે.

ખેતીમાં જે રીતે સાયન્સ અને ટેકનોલોજીની મદદ મળે છે અને તેના કારણે ખેતીનું કામ ઘણું સરળ બની જાય છે, એ જ રીતે પશુપાલનમાં પણ સાયન્સ-ટેકનોલોજીનો ઉપયોગ હવે છૂટથી થવા લાગ્યો છે. ઢોરવાડને ક્લિન રાખવાથી લઈને સમય અનુસાર ખોરાક આપવા માટે નવી નવી ટેકનોલોજી મદદે આવે છે અને ઉત્પાદન વધારવા માટેય વીઆરથી લઈને સ્માર્ટફોનની ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડ્યો છે.

ચીનની જિયાતોંગ યુનિવર્સિટીના સંશોધકોએ ગાય માટે ખાસ સ્માર્ટવોચ ડિઝાઈન કરી છે. ચીનની ગાયો હવે સ્માર્ટવોચ પહેરશે. આ સ્માર્ટવોચ ખેડૂતો-પશુપાલકોને ગાયના સ્વાસ્થ્યની, ખાવા-પીવાની વિગતો આપશે અને સમય સમયે સ્માર્ટફોનમાં એલાર્મ મૂકશે. તેનાથી દૂધનું ઉત્પાદન વધશે એવો દાવો સંશોધકોએ કર્યો હતો. ચીનમાં બનેલી ગાય માટેની સ્માર્ટવોચ ખેડૂતો-પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે એવો દાવો જિયાતોંગ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો હતો. આ સ્માર્ટવોચ ગાયના ગળામાં પટ્ટાની જેમ બાંધી શકાશે.

અથવા પગમાં ખરીની ઉપર બાંધી શકાશે. આ વોચના કારણે ગાય પર મોનિટરિંગ રાખી શકાશે. ચરવા મૂકેલી ગાયનું લોકેશન, તેણે કેટલું ઘાસ ખાધું, કેટલું પાણી પીધું, હવે ક્યારે ખાવાનું આપવાનું છે અને ક્યારે પાણી આપવાનું છે તેની વિગતો સ્માર્ટવોચના માધ્યમથી ખેડૂતો-પશુપાલકોના સ્માર્ટફોનમાં મળશે. એટલું જ નહીં, ગમાણમાં બાંધ્યા પછી ગાયનું છાણ વેરાઈ જશે એનો એલાર્મ પણ મળશે. તાપમાન, ઓક્સિજન લેવલ સહિત ગાયને કેટલી વાર સુધી ખૂલ્લામાં ચરવા મૂકવી જોઈએ એનો ડેટા પણ મોબાઈલમાં દેખાડશે.

આ સ્માર્ટવોચ વાયરલેસ છે. એક વખત ચાર્જ કર્યા પછી એક સપ્તાહ સુધી એને ચાર્જ કરવાની જરૂર નહીં પડે. સંશોધકોનું કહેવું છે કે આ વોચના કારણે ગાયનું સ્વાસ્થ્ય સુધરશે. દૂધની માત્રા વધશે. તેની જરૂરિયાત પ્રમાણેની બધી જ ચીજવસ્તુઓ નિયમિત થશે એટલે તેના સ્વાસ્થ્યમાં, દૂધની ગુણવત્તામાં સુધારો થશે. સંશોધકોના અહેવાલ પ્રમાણે ગાયના શરીરનું સતત મોનિટરિંગ કરીને નજીકના ભવિષ્યમાં તેના શરીરમાં ક્યો રોગ આવી શકે તેમ છે એ પણ જાણી શકાશે.

એ જ રીતે રશિયામાં વર્ચ્યુઅલ રિઆલિટીનો ઉપયોગ દૂધનું ઉત્પાદન વધારવા માટે થાય છે. મોસ્કોની ગૌશાળામાં પ્રાયોગિક ધોરણે ગાયોને વર્ચ્યુઅલ રિઆલિટી ગ્લાસ પહેરાવવામાં આવ્યા છે. રશિયાના રૂસ મોલોકો ફાર્મમાં ગાયોને વર્ચ્યુઅલ રિઆલિટી ઉપકરણ પહેરાવવામાં આવ્યું હતું. એની મદદથી ગાયોને હરિયાળા ખેતરો અને વરસાદી માહોલ બતાવવામાં આવે છે. આવું જોનારી ગાયોએ દૂધ વધારે આપ્યું હતું. સંશોધકોએ કહ્યું હતું કે ગાયો લાગણીશીલ હોય છે. એમને તણાવ વર્તાય તો તેમની દૂધ આપવાની ક્ષમતા ઓછી થાય છે.

સરકારી વિભાગે પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે અત્યારે પ્રાયોગિક ધોરણે અમુક ગાયોને વર્ચ્યુઅલ રિઆલિટી પહેરાવવામાં આવી છે, પરંતુ આાગામી સમયમાં તેની અસર જાણ્યા પછી સંખ્યા વધારવામાં આવશે. ગાયો માટે ખાસ સંશોધનથી અને ગાયો વચ્ચે સમય વીતાવ્યા પછી સંશોધકોએ વર્ચ્યુઅલ રિઆલિટી ઉપકરણ અલગથી ડિઝાઈન કર્યું હતું. સંશોધકોએ દાવો કર્યો હતો કે એ ગાયોમાં તણાવનું પ્રમાણ ઘટયું હતું. અમુક મારકણી ગાયોમાં આક્રમકતા ઓછી થયાનું પણ નોંધાયું હતું. આ પાયલટ પ્રોજેક્ટમાં સફળતા મળશે તો આગામી સમયમાં મોસ્કોની મોટાભાગની ગાયોને આ ઉપકરણ પહેરવવામાં આવશે.

અમેરિકા-યુરોપમાં તો ઓટો ક્લિનિંગ અને ઓટો ફીડિંગની ટેકનોલોજી પણ વપરાવા લાગી છે. કેટલ્સમાં અદ્યતન સાધનોથી સફાઈ કરાવવામાં આવે છે. માખી-મચ્છરો એમાં પ્રવેશી શકતા નથી, તેથી દૂધાળા સજીવોને રાહત રહે છે.
પશુપાલકો સાવ સાદી અને દરરોજ વપરાતી ટેકનોલોજી અને સ્માર્ટફોનથી પણ પોતાનું કામ સરળ બનાવી શકે છે. સ્માર્ટફોન સાથે ગાય-ભેંસને ખોરાક આપવાથી લઈને ઢોરવાડના ક્લિનિંગનો સમય સેટ કરવામાં આવે તોય એ ઉપયોગી થઈ પડે તેમ છે.
-હરિત મુનશી

Most Popular

To Top