ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઇનલ મેચ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોહિત શર્માએ વનડેમાં સતત 14મી વખત ટોસ હાર્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે અમે બેટિંગ કરીશું. આ એકદમ સૂકી પીચ લાગે છે. ભારત ખૂબ જ સારી ટીમ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે હું બેટિંગ અને બોલિંગ બંને કરવા માટે તૈયાર હતો. જ્યારે તમે મૂંઝવણમાં હોવ ત્યારે ટોસ ગુમાવવો વધુ સારું છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. 50 ઓવર પૂરી થાય તે પહેલાં જ ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. 49.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયા 264 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી હતી. જ્યારે વરુણ ચક્રવતી તેમજ રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને એક એક વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફે સ્ટીવ સ્મીથે સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. એલેક્સ કેરીએ 61 અને ટ્રેવિસ હેટ એ 39 રન બનાવ્યા હતા. આ સિવાયના ઓસ્ટ્રેલિયન બેટર્સ વધુ ખાસ રન બનાવી શક્યા ન હતા.
27 ઓવર પછી ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર 4 વિકેટે 144 રન છે. રવિન્દ્ર જાડેજાએ જોશ ઇંગ્લિસને 11 રન પર અને માર્નસ લાબુશેનને 29 રન પર પેવેલિયન મોકલ્યા. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં સ્ટીવ સ્મિથને બે જીવનદાન મળ્યા છે. 22મી ઓવરમાં શમીએ તેનો કેચ છોડી દીધો. 14મી ઓવરમાં જાડેજાનો બોલ સ્ટમ્પ પર વાગ્યો પણ બેલ્સ પડ્યા નહીં. ટ્રેવિસ હેડ 39 રન બનાવી આઉટ થયો હતો. તે પોતાની પહેલી ઓવરમાં જ શુભમન ગિલના હાથે વરુણ ચક્રવર્તીના બોલ પર કેચ આઉટ થયો હતો.
આ પહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ત્રીજી ઓવરમાં ઓપનર કોનોલીને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી. કોનોલી સતત શમીની બોલિંગ સામે સંઘર્ષ કરી રહ્યો હતો અને વારંવાર આઉટ થવાથી બચી રહ્યો હતો પરંતુ ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર બોલ કોનોલીના બેટની ધાર અડીને વિકેટકીપર કેએલ રાહુલ પાસે ગયો અને તેણે બોલ પકડવામાં કોઈ ભૂલ કરી નહીં. કોનોલી ખાતું ખોલાવ્યા વિના નવ બોલ રમ્યા બાદ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયન ટીમ બે ફેરફારો સાથે આવી રહી છે. મેથ્યુ શોર્ટની જગ્યાએ કૂપર કોનોલી અને સ્પેન્સર જોહ્ન્સનની જગ્યાએ તનવીર સંઘાનો સમાવેશ થયો છે. ભારતીય ટીમે છેલ્લી મેચના પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. અહીં બંને ટીમો પહેલી વાર એકબીજાનો સામનો કરી રહી છે. આ મેચ નવી પીચ પર રમાશે.
આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે જીત મેળવી હતી પરંતુ તેની બે મેચ (દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન) વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું. હવે ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતવા અને ફાઇનલમાં સ્થાન મેળવવા પર રહેશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા અત્યાર સુધીમાં 151 વનડે મેચમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે. આમાં ઓસ્ટ્રેલિયા 84 વખત જીત્યું છે જ્યારે ભારત 57 વખત જીત્યું છે. 10 મેચોમાં કોઈ પરિણામ આવ્યું નથી. આ રીતે ઓસ્ટ્રેલિયા વનડે ક્રિકેટમાં ટોચ પર છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, એડમ ઝામ્પા, તનવીર સંઘા
