સુરત: સુરતમાં રહેતી પત્ની અને દુબઈ રહેતા પતિ વચ્ચે વોટ્સએપ દ્વારા ઓનલાઇન કાઉન્સેલિંગ થયા બાદ બંનેના છૂટાછેડા થયા હતા. આ પ્રકારે વોટ્સએપ પર ઓનલાઈન કાઉન્સેલિંગ બાદ ડિવોર્સ થયા હોય તેવો આ પહેલો કિસ્સો છે. ચાર વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતાં આખરે દંપતિએ કોર્ટમાં છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેને સુરત ફેમીલી કોર્ટે મંજૂર કર્યો હતો.
- દુબઈ રહેતા પતિ અને સુરતમાં રહેતી પત્નીના ‘વોટ્સએપ’ મારફતે ઓનલાઇન કાઉન્સેલિંગ બાદ છૂટાછેડા થયા
- હિન્દુ મેરેજ એક્ટ મુજબ પતિ-પત્ની વચ્ચે કાઉન્સેલિંગ કરાવવું ફરજિયાત
કેસની વિગત એવી છે કે, મૂળ સુરતના વતની અને હાલ દુબઈ ખાતે રહેતા હરેશ( નામ બદલ્યું છે)ના લગ્ન વર્ષ 2020માં સુરતમાં રહેતી હિના( નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ સુધી બંને દુબઈ રહ્યા હતા. ત્યાં થોડા સમય બાદ નાની-નાની વાતે ખટરાગ શરૂ થયો હતો. તેથી હિના 2022 માં સુરત આવી ગઇ હતી. બાદમાં આ દંપતી વચ્ચે સમાધાન નહીં થતાં તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કરી સુરત ફેમિલી કોર્ટમાં દાવો કર્યો હતો. પતિ દુબઈ રહેતા હોવાથી તેમણે એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે પાવર ઓફ એટર્ની બનાવી કોર્ટમાં પાવરદારને હાજર કર્યા હતાં.
એડવોકેટ જોગડિયાએ જણાવ્યું હતું કે, હિન્દુ મેરેજ એક્ટ મુજબ પરસ્પર સમજૂતીથી છૂટાછેડાના કેસમાં કોર્ટમાં કેસ દાખલ કર્યા બાદ 6 મહિનાનો ટાઈમ પિરિયડ આપવામાં આવે છે અને તે દરમિયાન પતિ- પત્ની વચ્ચે કાઉન્સેલિંગ કરાવવું ફરજિયાત છે. જેમાં કાઉન્સેલર બંનેને ફરી ભેગા થવા માટે સમજાવે છે. આ કેસમાં પતિ દુબઈ હોય કાઉન્સેલર દ્વારા પતિ સાથે વોટસએપ મારફતે વિડિયો કોલથી વાત કરીને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલર દ્વારા તેનો રિપોર્ટ ફેમીલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષકારોને સાંભળીને સુરત ફેમીલી કોર્ટ દ્વારા તેમને છૂટાછેડાની અરજીને મંજૂર કરી હતી.