બાળકોને સામાન્ય રીતે ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે, પણ કઈ ઉંમર સુધીનાં બાળકોનો તેમાં સમાવેશ કરવો એ સ્પષ્ટ નથી. સામાન્યપણે એવું જોવા મળે છે કે બાળકોને લગતી બાબતો મોટેરાંઓ નક્કી કરતાં હોય છે.
એ રીતે જોઈએ તો બાળકોને ઈશ્વરના રૂપ તરીકે પણ મોટેરાંએ જ કલ્પ્યાં હશે. ઈશ્વરના આ જીવતાજાગતા રૂપનો સૌથી વધુ ઉપયોગ કદાચ માર્કેટિંગના ક્ષેત્રે થતો હશે. કોણ જાણે કેમ, માર્કેટિંગવાળાઓના મનમાં એવું ઠસી ગયેલું લાગે છે કે બાળકોની વાતને માવતર ઠેલશે નહીં અને બાળકની તમામ માગણી તેઓ સંતોષશે. વર્તમાન સમયમાં માહિતી અને માધ્યમોનો પ્રચંડ સ્ફોટ જોતાં લાગે છે કે બાળકોને ઈશ્વરના સ્વરૂપ ગણી શકાય એ વય દિનબદિન ઘટી રહી છે.
હવે આવી માન્યતા ધરાવનારાઓમાં સત્તાતંત્રનો સમાવેશ પણ અધિકૃત રીતે થઈ રહ્યો છે. ડિસેમ્બરની આખરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ ગુડગાંવના અધિકારીઓએ એક નવો નુસખો અમલમાં મૂક્યો છે.
બાળકોને સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીના પાઠ ભણાવવાના ભાગરૂપે તેમણે ‘ફેમિલી સેનિટેશન ચલન બુક’ બહાર પાડી છે. રમત રમતમાં બાળકો આ પાઠ શીખી શકે એ રીતની તેમાં જોગવાઈ છે. પણ આ રમત કેવી છે? દંડ માટે જેમ વિગતો લખવામાં આવે છે એ રીતે જ તેમાં વિવિધ વિગતો બાળકે ભરવાની રહેશે. જેમ કે, ચલણ નંબર, તારીખ, નિયમ તોડનારનું નામ, સગપણ વગેરે.
નીચે ચલન આપનાર ‘અધિકારી’નું નામ અને હોદ્દો. હોદ્દામાં ‘સેનિટેશન કેપ્ટન’ લખાયેલું છે. આટલી પ્રાથમિક વિગતો પછી તેમાં મુખ્ય વિગતો ભરવાની રહેશે. જેમાં ઘરમાં કચરા માટેની ત્રણ અલગ કોથળીઓ નથી, કચરાને યોગ્ય રીતે અલગ પાડવામાં આવતો નથી, પ્લાસ્ટિકની કૅરી બેગ વાપરવામાં આવે છે- આટલી વિગતોનો સમાવેશ થાય છે.
આ બાબતોનું પાલન થતું ન હોય તો દંડ તરીકે ચોકલેટ, આઈસ્ક્રીમ, રમકડાં કે પુસ્તકો બાળકને ‘ચૂકવવાનાં’ રહેશે. આ પુસ્તિકાનું વિમોચન ગુડગાંવના મેયર મધુ આઝાદ અને મ્યુનિસિપલ કમિશ્નર વિનય પ્રતાપસિંઘ દ્વારા કરવામાં આવ્યું. સંબંધિત અધિકારીઓ પણ આ રમત દ્વારા ‘બાળકોમાં આ મૂલ્યો અને આદતો કેળવીને તેમને જાગ્રત બનાવવા અને પોતાના ઘરમાં લોકો જાગ્રત બનીને એકમેકને ચકાસતા રહે એવું વાતાવરણ સર્જવાનો’ દાવો કરી રહ્યા છે.
દેખીતી રીતે આ ‘આઈડિયા’ પહેલી નજરે બહુ જ સરસ જણાય. સરકારી તંત્રમાં રહેલા અધિકારીઓ પોતાના મનમાં આવતા વિચારોને અવનવી રીતે અમલમાં મૂકવા પ્રયત્નશીલ હોય એ ઘણી સારી બાબત છે. પણ આ આખા મામલે બાળકોને જે રીતે સાધન બનાવવામાં આવ્યાં છે એ વિચાર માગી લેતી બાબત છે. ઘણાં પરિવારોમાં અમસ્તું પણ બાળકોને ચૂપ રખાવવાથી માંડીને વિવિધ બાબતો માટે તેમને લાલચ આપવાનું ચલણ હોય છે. આ કિસ્સામાં દેખીતી રીતે બાળકને શિસ્તપાલનના પાઠ શીખવવાની વાત જણાય, પણ અંતે તે લાલચમાં જ પરિણમે છે.
સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યને લગતી બાબતો શીખવા-શીખવવા કરતાંય વધુ તો અભિગમ કેળવવાની બાબત હોય છે. આમાં સૌથી પહેલો વારો તંત્રનો હોય છે કે જેણે સ્વચ્છતા કેળવવા માટે વિવિધ જોગવાઈઓ ઊભી કરવાની હોય છે. એ જોગવાઈઓ ઊભી થાય એટલે તેનું પાલન કરવાનું નાગરિકોના ભાગે આવે છે અને નાગરિકો તેનું પાલન કરતાં થાય તો બાળકોમાં એ અભિગમ આપોઆપ જ ઉતરે છે.
જોગવાઈના પાલનમાં અમુક રીતની કડકાઈ જરૂરી બની રહે છે. પણ આપણે ત્યાં મોટા ભાગે થાય છે એવું કે કોઈ પણ બાબતનો મૂળભૂત હેતુ કોરાણે રહી જાય છે, અને છેલ્લે વાત સખ્તાઈ પર, કાનૂનભંગ થકી એકઠી કરાતી દંડની રકમ પર આવી જાય છે.
વારેવારે એકની એક વાતને ઘૂંટ્યા કરવી ન ગમે, છતાં આ બાબતનું સૌથી વરવું ઉદાહરણ ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન પહેરવા બદલ એકઠા કરાયેલા દંડનું છે. મહામારી એને ઠેકાણે રહી, એનો ભંગ કરનારનું જે થયું એ, પણ સરકારની તિજોરીમાં આશરે એકાદ અબજ રૂપિયાની અધિકૃત આવક નોંધાઈ.
ગુડગાંવના અધિકારીઓએ પૂરી નિષ્ઠાથી આ ચલન બુક તૈયાર કરી હશે એમ માની લઈએ તો પણ તેનું મહત્ત્વ એક ગતકડાથી વિશેષ નથી. આવાં ગતકડાંને બદલે નાગરિકો તૈયાર થાય એવા લાંબા ગાળાના કાર્યક્રમ બનાવવામાં આવે તો એનો હેતુ કંઈક અંશે સધાય. સૌ પ્રથમ જરૂર તંત્રનું ઘડતર કરવાની છે, એ પછી નાગરિકોનું. આ બન્ને યોગ્ય રીતે થશે તો બાળકોનું ઘડતર આપોઆપ થતું રહેશે.
આપણા દેશમાં સરકારી તંત્રની લોકાભિમુખતા હંમેશાં શંકાના દાયરામાં હોય છે, ચાહે એ તંત્ર સ્થાનિક સ્તરનું હોય કે એથી ઉપરના કોઈ પણ સ્તરનું. સરકારી કચેરીમાં ગયેલા કોઈ નાગરિકનું કામ પહેલી જ વારમાં, કશી પડપૂછ વિના સરળતાથી પતી જાય તો એ હજી આશ્ચર્યની બાબત ગણાય છે. કોઈક અધિકારી નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી બજાવે કે વિવેકપૂર્વક વર્તે તો એ અખબારમાં ચમકવાને લાયક બને છે. આવા માહોલમાં સત્તાતંત્રની ઈચ્છા અનુસાર બાળકો મોટેરાંને સ્વચ્છતાના પાઠ શીખવે એ અપેક્ષા જરા વધુ પડતી લાગે છે.
તમામ નાગરિકોએ એ યાદ રાખવું જરૂરી છે કે જાહેર સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનો પ્રચાર કોઈ સરકારી કાર્યક્રમ લેખે ભલે થતો રહે, એ એકલી સરકારની જવાબદારી હરગીજ નથી. પોતાની જાતથી, પોતાના આંગણેથી અને પોતાની શેરીએથી એનો આરંભ કરવાનો છે.
માત્ર આરંભ કરીને અટકી નથી જવાનું, પણ એને કાયમી અભિગમ લેખે કેળવવાનો છે. આ અભિગમ વ્યક્તિગત અને સામુહિક સ્તરે કેળવાશે ત્યારે સત્તાતંત્રે એને કાર્યક્ષમ બનાવ્યા વિના છૂટકો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

You must be logged in to post a comment Login