વ્યારા: વ્યારામાં ૨૬મી જાન્યુઆરી (ગણતંત્ર દિવસ)ની ઉજવણીનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. રાજ્ય કક્ષાના તાપી જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ સહિતના મહાનુભવો, વિવિધ મંત્રીઓ પધારવાના હોય ત્યારે હજારોની સંખ્યામાં પોલીસ જવાનો મૂકી સુરક્ષા અંગેની વિશેષ તકેદારી લેવામાં આવી રહી છે. રાજ્યપાલના રહેણાક અને આસપાસના વિસ્તારોમાં યોગ્ય સુરક્ષાના દાવા કરાયા છે. ત્યારે આવા દાવાઓ વચ્ચે વ્યારાનાં ટીખળખોરે વહીવટીતંત્રને નીચું જોવું પડે તેમજ પોલીસ દ્વારા પૂરા પડાતા સુરક્ષા કવચનાં ધજિયા ઉડાડતા જિલ્લા સેવાસદન, કલેક્ટર અને પોલીસવડાની ગાડી સળગાવવા જેવું અત્યંત સંવેદશીલ લખાણ વ્યારા પોલીસમથકે આપતાં પંથકમાં ચકચાર મચી છે.
વ્યારા પોલીસને આપેલા લખાણમાં ટીખળખોરે જણાવ્યું છે કે, વ્યાજખોરો અને દારૂના અડ્ડા ચલાવનારા પોલીસના ભાગીદાર છે. પોલીસનો ઉલ્લેખ કરતા લખે છે કે, આદિવાસી જિલ્લો તમારા બાપનો નથી. પોલીસના દલાલો આદિવાસી જિલ્લાની પ્રજાને બાપની જાગીર હોય તેમ લૂંટે છે. જેઓ (નકલી બાપુ) ક્ષત્રીય સમાજને પણ લાંછન લગાડે છે. માટે આ ગંભીર દૂષણને જો કડકમાં કડક હાથે કામ નહીં લેશો તો સેવાસદન (તાપી), એસપીની ગાડી, ડીએમની ગાડી જે તમારી ઇચ્છા હોય કે આખું સેવાસદન સળગાવવું હોય, અહીંની અમારી આદિવાસી પ્રજા તૈયાર જ છે. પોતે આદિવાસી નથી છતાં આ ટીખળખોર જાણે આદિવાસીઓની ઉશ્કેરણી કરતો હોય તેમ ત્રણ વખત જય આદિવાસી પણ લખ્યું છે. આ પત્ર ગૃહ મંત્રાલય, ડીઆઇજી તેમજ રેંજ આઈજી સુરતને આપ્યાનો ઉલ્લેખ પણ કરાયો છે. પણ હજુ સુધી આવા લખાણ બાબતે સુરક્ષા એજન્સીઓ દ્વારા કોઇ પગલાં ભરાયાં નથી.
માનવ જીવનની સુરક્ષાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી પહેલી પ્રાયોરિટી આપી છે. ત્યારે તેઓના આગમન પહેલાં આવો પત્ર ફરતો થયો છે ત્યારે રાજ્ય કક્ષાની ઉજવણીમાં આ પત્રથી સુરક્ષામાં ખલેલ પહોંચે એ પહેલા પોલીસે આ પત્રની ગંભીરતા લેવી જોઇએ. હાલ તો આવો પત્ર લખનાર વ્યારા જૂના બસ સ્ટેન્ડ પાસે જે.પી.શોપિંગ સેન્ટર સામે તા.૧૦/૦૧/૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યાના અરસામાં કેફી પીણું પી લથડિયા ખાતો ઝડપાઇ જતાં પોલીસે તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો. જૂના બસ સ્ટેન્ડ ચોકી પર આવીને જણાવ્યું હતું કે, મેં ૧૦૦ નંબર ડાયલ કર્યો, એટલે આવ્યો છું. જો કે, તપાસ કરતાં આ ઇસમ પોતે કેફી પદાર્થ પી લવારા કરતો હતો. આ ઇસમનું નામ વિનોદ હસમુખ પંચોલી (ઉં.વ.૪૫)(રહે., સુરભી ટાવર, વ્યારા, જિ.તાપી) હોવાનું જાણવા મળ્યું છે.