સુરત: દારૂના નશામાં કંટ્રોલ ગુમાવી ચૂકેલા એક ડમ્પર ચાલકે ઓલપાડના રોડ પર આમથી તેમ ડમ્પર હંકારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ડમ્પર ચાલક ડમ્પર હંકારી રહ્યો છે. આખરે ચાલકે રોડની સાઈડ પર મોપેડ લઈ ઉભેલા યુવકને અડફેટે લીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના રોડ પરનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ડમ્પર રોડ પર બેફામ દોડી રહ્યું છે. ડમ્પરનો ચાલક નશામાં હોય તે રીતે ડમ્પર દોડાવી રહ્યો છે. રોડ પર સર્પાકાર રીતે ડમ્પર દોડાવી ડ્રાઈવર લોકોના જીવ જોખમમાં મુકી રહ્યો છે.
આ વીડિયો તા. 26 મેનો હોવાનું સામે આવ્યું છે. ડમ્પરની પાછળ ફોરવ્હીલની અંદરથી કોઈએ આ હાઈવા ડમ્પરનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ડમ્પર રસ્તાના એક છેડેથી બીજા છેડા સુધી જઈ રહ્યું છે. ડમ્પર જ્યારે ગામમાં પ્રવેશ્યું ત્યારે સામેથી આવતી બે કાર સામે જતું રહ્યું હતું.
કાર ચાલકોએ બ્રેક મારતા અકસ્માત થયો ન હતો, પરંતુ આખરે રોડની સાઈડ પર મોપેડ લઈ ઉભેલા અને વાતો કરતાં બે યુવાનોને ડમ્પરે ટક્કર મારી હતી. ઉભેલા મોપેડને ટક્કર મારતા યુવાનો અને ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને ડમ્પરને અટકાવી ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.
કોસમ રોડ ઉપર પીધેલી હાલતમાં સાપની જેમ હાઈવા ડમ્પર હંકારતા ડ્રાઇવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસ જાતે ફરિયાદી બની ગુનો નોંધી ડમ્પર ડ્રાઈવરની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો વતની રામનરેશ જગદીશ પ્રસાદ પટેલ (ઉં.વ.39) હાલમાં સુરતના ડભોલી ગામમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં ડમ્પર માલિક રાકેશ કાળુભાઈ વણજારાના ભાડાના મકાન નં.59માં રહે છે. રાકેશ વણજારાની માલિકીનું દસ પૈંડાનું હાઇવા ડમ્પર નંબર GJ 19X 8181 લઈ રામનરેશે ગઈ તારીખ 26 મે ના રોજ નીકળ્યો હતો. તે ઓલપાડ તાલુકાના કરમલા ગામથી કોસમ ગામ તરફ જવાના રોડ ઉપર બપોરે હાઇવા ડમ્પર વાંકીચૂંકી રીતે હંકારી રહ્યો હતો.