SURAT

‘તમે કેમ વાહન ચેકિંગ કરો છો’, રાતે દારૂ પીને જમવા નીકળેલા સાળા-બનેવીએ મહિલા પોલીસનો કોલર પકડી લીધો

સુરત (Surat): ડુમસ (Dumas) રોડ પર ગઈકાલે પોલીસના (Police) નાઈટ કોમ્બિંગ (Night Combing) વખતે ડુમસથી આવતી એક કાર (Car) પોલીસને જોઈ રોંગ સાઈડમાં ભાગવા જતાં પોલીસે તેને અટકાવી હતી. કારમાં પતિ-પત્ની અને તેમનો સાળો ત્રણેય રાત્રે જમવા નીકળ્યાં હતાં. સાળા-બનેવીએ મહિલા પીએસઆઈ (Women PSI) સહિત પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતાં બંને સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો.

  • રાત્રે દારૂ પીને જમવા નીકળેલા સાળા-બનેવીએ મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી
  • બંનેએ પીધેલી હાલતમાં પોલીસકર્મીનો કોલર અને બેઝ પકડી ખેંચી લીધો
  • કાર રોકીને પૂછતાં મહિલા પીએસઆઈ અને સ્ટાફ સાથે ઝપાઝપી કરી

ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજય હરકટ તેમના સ્ટાફ સાથે એસ.કે.નગર ચાર રસ્તા ખાતે વાહન ચેકિંગમાં હતા. ત્યારે અર્ટિગા કાર નં.(જીજે-21-સીએ-9771) ચાલક એરપોર્ટ તરફથી રોંગ સાઈડમાં આવતો હતો. જેથી પોલીસે તેમની કાર ઊભી રખાવી હતી. કારમાં બે પુરુષ અને એક મહિલા હતી. પોલીસે નીચે ઊતરીને તેમની ગાડીની ડિકી ચેક કરવાનું કહેતાં તેઓ નીચે ઊતર્યા ન હતા. તમે કયા અધિકારથી રોડ પર બેરિકેટ (Baricite ) લગાવ્યાં છે, તમે ક્યા અધિકારથી વાહન રોકી ચેકિંગ કરો છો? તેવું જોરજોરથી લથડાતી જીભે બૂમો પાડતા હતા. કારચાલકે દારૂ પીધો હતો. જેથી મહિલા પીએસઆઈ એમ.એચ.સાંકળિયાને જાણ કરતાં તેઓ પેટ્રોલિંગમાં (Patrolling) હોવાથી પહોંચી ગયાં હતાં. કારમાં બેસેલા વ્યક્તિને નીચે ઉતારતાં તેણે મહિલા પીએસઆઈ અને અન્ય પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. તથા અજયભાઈની કોલર તથા બેઝ પકડી ખેંચી હતી.

તેમની સાથેની મહિલા બંનેને સમજાવવા છતાં બંને પીધેલી હાલતમાં હોવાથી પોલીસ સાથે બળપ્રયોગ કરતાં હતાં. બંનેને પકડીને નામ પૂછતા મૌલિક જયંતી નાયક (ઉં.વ.42) (રહે.,કોપર સ્ટોન સાયલન્ટ ઝોન, ડુમસ તથા મૂળ શારદા રેસિડેન્સી, નવસારી) તથા બીજાનું નામ રૂપેશ જયંતીલાલ દેસાઈ (ઉં.વ.41) (રહે.,કોપર સ્ટોન, ડુમસ તથા મૂળ નવસારી) હોવાનું તથા રૂપેશ ઇલેક્ટ્રિક એન્જિનિયર અને મૌલિક સોફ્ટવેર એન્જિનિયર હોવાનું જણાવ્યું હતું. મૌલિક તેની બહેન અને તેનો પતિ રૂપેશ સાથે હતો. પોલીસે બંનેની ધરપકડ કરી ફરજમાં રૂકાવટનો તથા દારૂ પીધેલાનો ગુનો (Crime) દાખલ કર્યો હતો.

Most Popular

To Top