સુરતઃ તત્કાલીન પોલીસ કમિશનર અજયકુમાર તોમર નો ડ્રગ્સ ઈન સિટીનું અભિયાન ચલાવી રહ્યાં હતાં અને પોલીસના જ નાક નીચે સુરતના પલસાણામાં ડ્રગ્સનું ઉત્પાદન કરવાની આખેઆખી ફેક્ટરી ધમધમતી રહી અને કોઈને ખબર પણ ન પડી. સુરત પોલીસ ઉંઘતી રહી અને ગુજરાત એટીએસ દ્વારા રેઈડ કરીને પલસાણાની ડ્રગ્સ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
- સુરત પોલીસ “નો ડ્રગ્સ ઈન સિટી”નું અભિયાન ચલાવતી રહી અને પલસાણામાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમતી રહી
- સુરત પોલીસના નાક નીચે ચાલતી ડ્રગ્સ મેન્યુફેક્ચરીંગની ફેક્ટરીનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો
- એટીએસે ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતો 20 કરોડનો કાચા માલ સાથે બેની ધરપકડ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ દ્વારા સુરતના પલસાણા તાલુકામાં ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એટીએસની રેઈડમાં અંદાજે રૂપિયા 20 કરોડનો ડ્રગ્સ બનાવવામાં ઉપયોગમાં લેવાતો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત ATSને કારેલી ગામમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ગુજરાત ATSએ મોડી રાત્રે પલસાણા તાલુકામાં કાર્યવાહી કરી હતી. એટીએસને સ્થળ પરથી મોટી સંખ્યામાં ડ્રગ્સ બનાવવા માટેનો કાચો માલ પણ મળી આવ્યો હતો. ચાર કલાકથી વધુ ચાલેલા ઓપરેશન દરમિયાન ATSએ 50 કરોડના માલસામાન સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હોવાની માહિતી સામે આવી છે.
ગુજરાત એટીએસની ટીમ છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી હતી. નક્કર પુરાવા મળ્યા બાદ મોડી રાત્રે ATSએ કાર્યવાહી કરી હતી. હાલ ગુજરાત ATSએ મેટલ શેડમાં બનેલા સમગ્ર વેરહાઉસને સીલ કરી દીધું છે. નજીકમાં એક વિશાળ રહેણાંક વિસ્તાર હોવા છતાં, કોઈને તેના વિશે કોઈ ખ્યાલ નહોતો.
કેમિકલની આડમાં દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી
એટીએસમાં કાર્યરત ડીવાયએસપી એસ.એલ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ દોઢ મહિના પહેલા જ ફેક્ટરી શરૂ કરી હતી. આ માટેનું ભાડું 20 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કેમિકલ ઉત્પાદનની આડમાં દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરી હોવાની માહિતીના આધારે એટીએસની ટીમે કાર્યવાહી કરી હતી.
હાલમાં પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં આમાં સંડોવાયેલા તમામ આરોપીઓ અને ડ્રગ્સના ખરીદ-વેચાણમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આરોપીઓમાં એક સુરતનો, એક વાપીનો અને એક જૂનાગઢનો રહેવાસી છે.