રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS) એ વાપી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) સાથે સંયુક્ત કાર્યવાહીમાં વાપીના ચલા ખાતે એક ગુપ્ત સિન્થેટિક ડ્રગ ઉત્પાદન ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ગુરુવારે એક દરોડા કાર્યવાહીમાં એટીએસ દ્વારા પેરોલ પર છૂટેલા ફરાર કેદી અને તેના પુત્ર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેનાથી ઔદ્યોગિક એકમની આડમાં કાર્યરત એક સુવ્યવસ્થિત ડ્રગ્સ ઉત્પાદનના નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર વાપીના ચલા વિસ્તારની બહાર ભાડાના મકાનમાં આ ફેક્ટરી ગુપ્ત રીતે કાર્યરત હતી. આ યુનિટને નાના પાયે ઔદ્યોગિક સેટઅપ તરીકે છુપાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એટીએસના અધિકારીઓએ કેમિકલ્સ, ઉત્પાદનના સાધનો અને વેચવા માટે તૈયાર સિન્થેટિક માદક દ્રવ્યો જપ્ત કર્યા હતા. ATSના અધિકારીએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલો માલ વિગતવાર વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવામાં આવ્યો છે.
ધરપકડ કરાયેલ માસ્ટરમાઇન્ડ એક દોષિત ગુનેગાર છે જે પેરોલ કૂદીને ફરાર થઈ ગયો હતો. તેના પુત્ર જે કથિત રીતે રોજિંદા કામગીરી સંભાળતો હતો તેને પણ ઉત્પાદન અને પુરવઠામાં કામ કરતા ત્રણ સહયોગીઓ સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે ફેક્ટરી ગુજરાત, સુરત, વલસાડ અને પડોશી મહારાષ્ટ્રમાં સપ્લાય માટે સિન્થેટિક ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી. આ કોઈ નાની કામગીરી નહોતી. તે અનેક મહિનાઓથી વિશાળ વિતરણ નેટવર્ક સાથે ચાલી રહી હતી. એટીએસના અધિકારીઓએ સિન્ડિકેટને સંપૂર્ણપણે તોડી પાડવા માટે તેમના નાણાકીય રસ્તાઓ અને સંપર્કો પર નજર રાખી રહ્યા છીએ.
NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો
નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે અને પૂછપરછ ચાલુ હોવાથી વધુ ધરપકડ થવાની શક્યતા છે. તપાસકર્તાઓને શંકા છે કે આરોપીના મોટા આંતરરાજ્ય ડ્રગ સિન્ડિકેટ સાથે સંબંધો હતા.