સુરતઃ ”નો ડ્રગ્સ ઈન સિટીના કેમ્પેઈનનો ધજ્જિયાં ઉડાવતો એક વીડિયો વાયરલ થયો છે. સુરત શહેર પોલીસ ડ્રગ્સના દૂષણને ડામવા માટે છેલ્લાં બે અઢી વર્ષથી મહેનત કરી રહી છે. થોડી ઘણી માત્રામાં ડ્રગ્સ પકડી પોલીસ ફોટા પડાવે છે, પરંતુ જે વીડિયો વાયરલ થયો છે તેનાથી સુરત શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા છે.
ગઈકાલે સાંજથી સુરત શહેરમાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સુરતની BRTS બસનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક નશાની હાલતમાં મુસાફરો સાથે અશોભનીય વર્તન કરી રહ્યો છે. તે મુસાફરોને ગાળો દઈ રહ્યો છે. તે એક સફેદ પાવડર વાળું પેકેટ મુસાફરોને બતાવે છે. આ પેકેટ ડ્રગ્સનું હોવાનું કહેવાય છે.
આ વીડિયો વાયરલ થતા સુરત મનપા અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જાહેરમાં ચાલુ બસમાં કોઈ યુવક ડ્રગ્સનો નશો કરે અને ધાંધલ ધમાલ મચાવે તે દ્રશ્યોએ તંત્ર સામે મોટા પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
વીડિયોમાં શું છે?
વીડિયોમાં જોઈ શકાય છે કે નશાની હાલતમાં એક યુવક દેખાય રહ્યો છે. તે યુવકે ઈન્જેક્શનથી ડ્રગ્સના નશા કર્યો હોવાનું લાગે છે. કારણ કે વીડિયોમાં ઈંજેક્શનની સિરિંજ પણ જોવા મળી રહી છે. નશામાં ધુત યુવક બસમાં એલફેલ ગાળો બોલે છે. બસમાં મહિલાઓ હોવા છતાં યુવક ગાળો બોલે છે. મુસાફરોને તે કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ. તારી ઓકાત નથી. આ દરમિયાન તે કહે છે, આ દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી રૂપિયા 5000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે.
સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરિંજનો ઉપયોગ થાય છે એ પણ મળી આવી હતી. આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી હતી.
મનપા પોલીસ કાર્યવાહી કરશે
સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે વીડિયો અમે જોયો. નશાની હાલતમાં યુવક પેસેન્જર્સને ડ્રગ્સ બતાવી રહ્યો છે, તે ખરેખર ગંભીર બાબત છે. આ યુવકને શોધી રહ્યાં છીએ. અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું.
પોલીસે જલગાંવથી નશેડીને પકડ્યો
દરમિયાન વીડિયો વાયરલ થતા સુરત શહેર પોલીસ અને ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજની મદદથી યુવકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન જાણવા મળ્યું છે કે, યુવકને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને મહિધરપુરા પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચાલીસગાંવ ખાતેથી ઝડપી પાડ્યો છે. યુવકનું નામ વીરેન્દ્ર ઠક્કર હોવાનું જાણવા મળ્યું છે. તેને અટકાયતમાં લઈ પોલીસ સુરત લાવી રહી છે.