રાજ્યભરની તમામ મહાનગર પાલિકાઓમાં પૈકી સુરત મહાનગર પાલિકા દ્વારા મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ મેળવવા માટે નવતર અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. મેલેરિયા, ડેંગ્યુ અને ફાઈલેરિયા જેવા રોગચાળાને ધ્યાને રાખીને આજથી સુરત મહાનગર પાલિકા દ્વારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગચાળાને કંટોલ કરવા માટેનો મારા જેમાં ડ્રોન ટેકનોલોજીથી શહેરનાં તમામ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં સર્વે કરીને મચ્છરોના ઉત્પત્તિ કેન્દ્રો શોધવામાં આવશે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને પગલે દર વર્ષે ખાસ કરીને ચોમાસાની સિઝન દરમિયાન હોસ્પિટલોની બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હોય છે. જો કે, સુરત મહાનગર પાલિકા દ્વારા હવે મચ્છરજન્ય રોગચાળા પર કાબુ મેળવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ડ્રોન દ્વારા ખેતરોથી માંડીને અવાવરું સ્થળો પર જંતુનાશક દવાનો છંટકાવ કરીને મચ્છરોના ઉપદ્રવ પર અંકુશ મેળવવામાં આવશે.

આ સંદર્ભે વધુ માહિતી આપતાં મનપાના આરોગ્ય વિભાગના વડા ડો. આશિષ નાયકે જણાવ્યું હતું કે, સુરત મહાનગર પાલિકા દ્વારા પહેલી વખત મચ્છરજન્ય રોગચાળાને અંકુશમાં લેવા માટે ટેક્નોલોજીના ઉપયોગની પહેલ કરી છે. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર પાણીમાં મેલેરિયા, ફાઈલેરિયા અને ડેગ્યુ જેવા મચ્છરોનો પ્રકોપ વધતો હોય છે અને ચોમાસા બાદ આ સ્થિતિ વધુ વિકરાળ બનતી હોય છે. ખાસ કરીને તેના નિયંત્રણ માટે સાત – દસ દિવસની અંદર મચ્છરને લારવા અવસ્થામાં નાબુદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખુબ જ જરૂરી છે.
અલબત્ત, 30થી 35 ટકા વિસ્તારો જેવા કે તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વિગેરે સ્થળે ગ્રાઉન્ડ ટીમો દ્વારા શોધવા કે ત્યાં લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતો નથી. આ સ્થિતિમાં મનપા દ્વારા પહેલી વખત એઆઈ-એમએલ આધારિત ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મચ્છર નિયંત્રણ માટેની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે રાંદેર ઝોનમાં ભેંસાણ ખાતે આવેલ ખેતરોમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ અવસરે મેયર દક્ષેશ માવાણી સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
