નવી દિલ્હી: ગુજરાતના સોમનાથ (Somnath) દરિયા કિનારાથી માત્ર 378 કિમીના અંતરે આજે 23 ડિસેમ્બરે એક વ્યાપારી જહાજ (Ship) ઉપર ડ્રોન હુમલો (Drone Attack) કરાવામાં આવ્યો હતો. દરમિયાન લાઈબેરિયાના (Liberia) ધ્વજ સાથેના આ જહાજનો સીધો સંબંધ ઇઝરાયેલ (Israel) સાથે હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમજ આ જહાજમાં ક્રુડ ઓઇલ (Crude oil) હોવાથી જહાજ બળીને ખાક થઇ ગયું હતું. આ હુમલો (Attack) કોણે કર્યો તે હજી સુધી અંકબંધ છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ હુમલો આજે શનિવારે 23 ડિસેમ્બરે એક શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના કારણે ઇઝરાયેલના એક વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ હુમલાના કારણે જહાજમાં આગ લાગતા આખુ જહાજ ભડકે બળ્યું હતું.
ભારત આવતા આ જહાજમાં ક્રૂડ ઓઈલ હતું. તેમજ આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. સમગ્ર મામલે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને ઘટના સ્થળે મોકલ્યું છે.
બ્રિટિશ મિલિટ્રીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સના અહેવાલ મુજબ જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું. એટલે કે સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. તેમજ લાઈબેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ ઈઝરાયલ હોવાનું સામે આવ્યું છે. તેમજ આ જહાજનો છેલ્લે સાઉદી અરેબિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ હુમલો થયો હતો. ત્યારે અહીં નોંધનીય છે કે ગયા મહિને પણ હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો.
જહાજમાં 20 ભારતીયો
જહાજમાં હુમલાને પગલે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ICGS વિક્રમને ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ પર તૈનાત કરવામાં આવ્યુ હતું. દરમિયાન તેને મુશ્કેલીમાં મુકાયેલા વેપારી જહાજ તરફ મોકલવામાં આવ્યું હતું. વધુમાં તેમણે માહિતી આપતા કહ્યું કે જહાજના તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. જેમાં લગભગ 20 ભારતીયો પણ સામેલ છે. સાથે જ ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને મદદ કરવા માટે એલર્ટ કરી દીધા છે.
યમનના હુથી બળવાખોરો ઉપર હુમલાની શંકા
ગત મહિને જ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ માર્ગ પર ભારત આવતા ઇઝરાયેલના કાર્ગો જહાજને હાઇજેક કર્યું હતું. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ઈઝરાયેલની ન્યઝ એજન્સીના અહેવાલ મુજબ ઈઝરાયેલના અધિકારીઓ આ હુમલાને હુથી વિદ્રોહીઓ સાથે જોડી રહ્યા છે.