National

જમ્મુ કશ્મીરમાં સતત ત્રીજા દિવસે હુમલાખોર ડ્રોન દેખા દેતા ચિંતા

નવી દિલ્હી : જમ્મુ એરપોર્ટ (JAMMU AIRPORT) પરિસરમાં સ્થિત એરફોર્સ સ્ટેશન (AIR FORCE STATION)ની બહાર ડ્રોન હુમલો (DRONE ATTACK) થયા બાદ સતત ત્રીજા દિવસે ડ્રોનને ત્રીજી વખત જોવા મળ્યું હતું. ડ્રોન જમ્મુના સુંજવાન સૈન્ય સ્ટેશન નજીક જોવા મળ્યું હતું. સૂત્રોના જણાવ્યાં અનુસાર, સુરક્ષા જવાનોને સોમવારે મોડી રાત્રે લગભગ ત્રણ વખત વિવિધ સ્થળોએ ડ્રોન ઉડતા (FLYING DRONE) જોવા મળ્યા હતા.

પહેલા ડ્રોનને રત્નુચક વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાની આસપાસ અને ત્યારબાદ કુંજવાની વિસ્તારમાં સવારે 4 વાગ્યાની આસપાસ જોવા મળ્યું હતું. જોકે, ડ્રોન થોડા સમય પછી ગાયબ થઈ ગયું હતું. શનિવારે મોડી રાત્રે એરફોર્સ સ્ટેશનની બહાર ડ્રોન હુમલો થયા બાદ રવિવારે રાત્રે પણ ડ્રોન કાલુચક વિસ્તારમાં ઊંચાઈ પર ઉડતા જોવા મળ્યું હતું. સતત ત્રીજા દિવસે ડ્રોન દેખાયા બાદ સુરક્ષા એજન્સીઓ સજાગ થઈ ગઈ છે. સુરક્ષા એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે, સોમવારે ત્રણ જુદા જુદા સ્થળોએ જોયેલા ડ્રોન સમાન હતા કે અલગ. ત્યારે ગૃહ મંત્રાલયે એરફોર્સ સ્ટેશનની બહાર ડ્રોન હુમલાની તપાસ એનઆઈએને સોંપી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ડ્રોનથી કરવામાં આવેલ આતંકી હુમલાનો મામલો ઉઠાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ એરપોર્ટમાં આવેલા ભારતીય હવાઇ દળના મથક પર રવિવારે વહેલી સવારે ડ્રોન વડે બે હુમલા થયા હતા જેમાં ઇમારતની છતને નુકસાન થયું હતું અને હવાઇ દળના બે કર્મચારીઓને ઇજા થઇ હતી. હુમલા બાદ ડ્રોન્સ અદ્રશ્ય થઇ ગયા હતા. તેના પછી જમ્મુમાં જ એક મિલિટરી સ્ટેશન નજીક પણ બે ડ્રોન દેખાયા હતા, જો કે ત્યાંના સંત્રીઓએ ભારે ગોળીબાર કર્યા પછી આ બંને ડ્રોન ભાગી છૂટ્યા હતા. તેના પછી આજે પણ જમ્મુના સુંજવાન લશ્કરી મથક નજીક ડ્રોન દેખાયું હતું અને આ સતત ત્રીજો દિવસ છે કે જમ્મુમાં આ પાયલટ વગર ઉડતા અજાણ્યા વાહનોની હાજરી જણાઇ છે અને તેને કારણે દેશના સુરક્ષા મથકની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઇ છે.

દરમ્યાન, જમ્મુ-કાશમીર પોલીસે હવાઇ દળના મથક પર રવિવારે વહેલી સવારે ડ્રોનથી થયેલા હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત ઉગ્રવાદી જૂથ લશ્કર તોઇબાનો હાથ હોવાનું જણાવ્યું છે.

Most Popular

To Top