કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે (એમઆરઆરટીએ) ગુરુવારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, નાગરિકો માટે આધાર વેરિફિકેશન દ્વારા સંપર્કહીન સેવાઓ શરૂ કરવામાં આવી છે. હવે લોકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂ, વાહન નોંધણી, લર્નર્સ પરમિટ મેળવવા જેવી સેવાઓ માટે પ્રાદેશિક પરિવહન કચેરીઓ (આરટીઓ)ની મુલાકાત લેવાની જરૂર નહીં રહે.
આ જાહેરનામામાં કુલ 18 સેવાઓ આવરી લેવામાં આવી હતી. જેમાં, લર્નિંગ લાઇસન્સ, ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, લાઇસન્સ રિન્યુ કરવું (જેમાં ટેસ્ટ આપવાનો નથી), ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની નોંધણીના પ્રમાણપત્રમાં સરનામાંનો ફેરફાર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમિટ, વાહનની અસ્થાયી નોંધણી માટે અરજી, નોંધણીનું ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવવા અને વાહનની માલિકીના સ્થાનાંતરણની અરજી વગેરે જેવી સેવાઓનો સમાવેશ થાય છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, નવી સિસ્ટમ ‘સરકારની ડિલિવરી પ્રક્રિયાઓને સરળ બનાવશે તેમજ પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવશે’, તેમજ લોકો આરટીઓની મુલાકત લીધા વિના પોતાનું કાર્ય કરી શકશે.
મંત્રાલયે જાહેરનામામાં જણાવ્યું છે કે, પોર્ટલમાં વિવિધ સંપર્ક વિનાની સેવાનો લાભ લેવા માટે વ્યક્તિને આધાર વેરિફિકેશન કરાવવું જરૂરી છે. જે લોકોએ આધાર નંબર મેળવવા અરજી કરી છે, તેમને આપવામાં આવેલી એનરોલમેન્ટ સ્લિપ આઈડી પણ કામ કરશે. જાહેરનામામાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી આધાર નંબર વ્યક્તિને સોંપવામાં ન આવે ત્યાં સુધી લોકો એનરોલમેન્ટ સ્લિપ આઈડીથી આ સેવાઓનો લાભ શકે છે.
નવીનતમ સૂચના ત્રણ અઠવાડિયા જુના ડ્રાફ્ટ ઑર્ડરને પાલન કરે છે. જે નાગરિકોને તેમના ડ્રાઇવર્સ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્રને તેમના આધાર નંબર સાથે લિંક કરવાની મંજૂરી આપે છે.