બીલીમોરા : ડુંગરી પોલીસની નાકાબંધી તોડી ભાગી નીકળેલી ટાટા સફારી કારનો સોમવાર રાત્રે પોલીસે 17 કીમી દૂર ગણદેવી તાલુકાનાં ધકવાડા ગામ સુધી પીછો કર્યો હતો. દરમિયાન ધકવાડા ગામે કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા પોલીસથી બચવા તળાવમાં કૂદી પડેલા યુવાનનો મૃતદેહ મંગળવારે સવારે મળી આવ્યો હતો.
- ડુંગરી પોલીસની નાકાબંધી તોડી ભાગેલી કારનો પોલીસે 17 કીમી સુધી પીછો કર્યો
- કાર વીજપોલ સાથે ટકરાઈ ખાડામાં ઉતરી જતા કારમાંથી બે શખ્સો ભાગી ગયા હતા
વલસાડનાં ડુંગરી હાઇવે ઉપર પોલીસે વિદેશી દારૂ ભરેલી કારની બાતમીના આધારે સોમવાર રાત્રે નાકાબંધી કરી હતી. દરમિયાન બાતમી વાળી ટાટા સફારી કાર નં. જીજે 01 કેબી 3108 આવતા તેને રોકવાની કોશિષ કરી હતી. તેમ છતાં કાર ચાલક પુરપાટ ઝડપે હંકારી ગયો હતો. પોલીસે ડુંગરીથી બલવાડા, ઉંડાચ, આંતલીયા માર્ગે ધકવાડા ગામ સુધી 17 કીમી પીછો કર્યો હતો. તે વેળા ધકવાડા ગામે હેલીપેડ નજીક કાર લોખંડનાં વીજપોલ સાથે ટકરાઈ હતી. અને કાર ખાડામાં ઉતરી ગઈ હતી.
જે વેળા કારમાંથી બે યુવાનો ઉતરી એક તળાવ અને બીજો રહેણાંક વિસ્તાર તરફ ભાગી ગયો હતો. પોલીસે કાર તપાસતા ડીઝલ ટેન્કનાં ચોરખાના માંથી રૂપિયા 37,500 નાં વિદેશી દારૂના પાઉચ નંગ 750, કાર, મોબાઈલ મળી કુલ રૂપિયા 1,92,500 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દરમિયાન પોલીસે બીલીમોરા ફાયર વિભાગની મદદથી તળાવનાં ઊંડા પાણીમાં શોધખોળ શરૂ કરતાં મૃતક બદ્રીનાથ નવનીતભાઈ માહ્યાવંશી (23 રહે. મોટી દમણ, ભામટી, નવીનગરી)નો મૃતદેહ મળી આવ્યો હતો. બીલીમોરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.