વ્યારા: સોનગઢમાં એક ગમખ્વાર અકસ્માતમાં કપચી ભરેલી એક ટ્રક અંદાજે 300 ફૂટની ઊંચાઈએથી સ્ટોન ક્વોરીની ખાણમાં ખાબકતાં ડ્રાઈવરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ડ્રાઈવરને ખેંચ આવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
ઘટના સ્થળેથી પ્રાપ્ત વિગતો મુજબ સોનગઢમાં કુમકુવા રોડ પર અવધ સ્ટોન ક્વોરીની ખાણ કાર્યરત છે. સાંજે પાંચેક વાગ્યાના સુમારે કપચી ભરેલી એક ટ્રક આ ખાણમાં અકસ્માતે અંદાજે 250થી 300 ફૂટની ઊંચાઈએથી પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકો તુરંત દોડી આવ્યા હતાં અને બચાવ કામગીરી આરંભી હતી. અલબત્ત ચોરવડ ગામના મનાતા ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
નજરે જોનારાના કહેવા મુજબ આટલી ઊંચાઈએથી ટ્રક પડતાં ટ્રકની સાથે જ ડ્રાઈવરના શરીરનો પણ સોથ વળી ગયો હતો. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી. જેમાં પ્રાથમિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે ડ્રાઈવરને ખેંચ આવતાં માર્ગ પરથી ડાબી તરફ વળતાં ટ્રક વાડ તોડીને ખાણમાં ખાબકી હતી. આ ટ્રક કુમકુવા રોડ પર આવેલા ડામર પ્લાન્ટ પર જઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. રસ્તા પરથી આ ટ્રક અચાનક ડાબી સાઈડે તારનું ફેન્સીંગ તોડી પથ્થરની ખાણમાં ખાબકી હતી. પોલીસે હાલ તો ડ્રાઈવરની ઓળખના પ્રયાસો આદર્યા છે અને અકસ્માતનું સાચું કારણ જાણવા તપાસ આરંભી છે.
