સેવાલિયા: સેવાલિયાથી અમદાવાદ જવા માટે એસ.ટી બસનું એડવાન્સ બુકીંગ કરાવનાર યુવતિને તંત્રની લાલીયાવાડીને કારણે મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો. સવા કલાક મોડી આવેલી બસના ચાલક અને કંડક્ટરે બસમથકની બહાર બસ ઉભી રાખી હતી. જેને પગલે હોબાળો મચ્યો હતો. છેવટે બસમથકની અંદર બસ લવાતાં મામલો શાંત પડ્યો હતો.
ગળતેશ્વરના સેવાલિયામાં રહેતી યુવતિને સોમવારના રોજ અમદાવાદ જવાનું હતું. જેથી તેણીએ અગાઉથી જ દાહોદ-અમદાવાદ એસ.ટી બસમાં એડવાન્સ બુકીંગ કરાવ્યુ હતું. સોમવારના રોજ બપોરના 1-40 વાગ્યાનો બસનો સમય હતો. જેથી આ યુવતિ બસના સમય કરતાં પહેલાં જ બસમથકે પહોંચી હતી.
પરંતુ, બસ સમયસર આવી ન હતી. 1-40 વાગ્યાનો સમય ધરાવતી આ બસ છેક 2-50 વાગ્યાં સુધી સેવાલિયા બસમથકમાં ડોકાઈ ન હતી. બીજી બાજુ યુવતિને કામઅર્થે સમયસર અમદાવાદ પહોંચવાનું હોવાથી તે ચિંતીત બની હતી. સમયસર પહોંચવા માટે યુવતિએ આ ટીકીટ કેન્સલ કરાવી, અન્ય વાહન કોઈ પ્રાઈવેટ વાહનમાં બેસી અમદાવાદ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ, બસનો સમય વીતી ગયો હોવાથી ટીકીટ કેન્સલ થઈ શકતી ન હતી. જેથી યુવતિ મુશ્કેલીમાં મુકાઈ હતી. પરંતુ, આ બધી મથામણમાં યુવતિનો સમય વેડફાઈ રહ્યો હતો. જેથી તેણીએ રૂપિયા ગયાં તેમ સમજી અન્ય વાહનમાં બેસી અમદાવાદ જવાની તૈયારી કરી લીધી હતી. એટલામાં જ બુકીંગ કરેલી દાહોદ-અમદાવાદ બસ આવી હતી. પરંતુ આ બસના ચાલક અને કંડક્ટરે બસને બસમથકમાં લાવવાની જગ્યાએ બહાર જ ઉભી રાખી દીધી હતી અને બસમથકમાં બસ લાવવાની આનાકાની કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. છેવટે બસમથકમાં બસ લવાતાં મામલો શાંત પડ્યો હતો.