SURAT

‘લંપટ સાધુઓને ભગાવો, વડતાલની ગાદી બચાવો’, સુરતમાં હરિભક્તોનો ઉગ્ર વિરોધ

સુરત: સંસાર છોડી સંન્યાસના માર્ગે વળેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાંક લંપટ સાધુ સંતોની રાસલીલા સામે હરિભક્તોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આજે સુરતના હરિભક્તોએ નરાધમ લંપટ સાધુઓને ભગાવો, વડતાલની ગાદી બચાવો, તેવા સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. બપોરે મોટી સંખ્યામાં હરિભક્તો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ભેગા થયા હતા અને લંપટ સાધુ સંતો વિરુદ્ધ કાર્યવાહી કરી વડતાલની ગાદી બચાવવા કલેક્ટરને વિનંતી કરી હતી.

સ્વામીનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલના મંદિરોમાં એક પછી એક વિવાદ થઈ રહ્યાં છે. વડતાલના મંદિરોના સ્વામીઓ દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક રાખવાના, દુષ્કર્મ કરવાના કૃત્યો બહાર આવી રહ્યાં છે. તેથી હરિભક્તો દુ:ખી થયા છે. આજે આચાર્ય પક્ષના સમર્થક મહિલા અને પુરુષ હરિભક્તો દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું. આચાર્ય પક્ષના સમર્થક હસુ વાઘાણીએ કહ્યું કે, અમે લંપટ સાધુઓના ધોતિયાં ઉતારી ધોળાં કપડાં પહેરાવી રોડે ચડાવવા આવ્યા છે.

વાઘાણીએ વધુમાં કહ્યું કે, સમાજ સુધારવા નીકળેલા સાધુ પોતે વંઠી ગયા છે. આવા લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા માટે અમે વિરોધ કરી રહ્યાં છે. છેલ્લાં 6 મહિનાથી અમે જાગૃતિ અભિયાન ઉપાડ્યું છે. અમે 10 જોડી ધોળાં કપડાં સાથે જ રાખીશું. ખબર પડશે કે સાધુએ ખોટા કામ કર્યાં છે તો તેને ધોળાં કપડાં પહેરાવી દીશું.

હરિભક્ત શૈલેષ ચોડવડિયાએ રોષ ઠાલવતાં કહ્યું કે સરકાર કહે છે કે અમે વિકાસ કર્યો છે, પણ સરકારે વિકાસ નથી કર્યો પણ વિનાશ કર્યો છે. સરકાર લંપટ સાધુઓને છાવરે છે. રોજ કોઈને કોઈ સાધુની લંપટ લીલા સામે આવી રહી છે, તેમ છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી. તેથી આવા લંપટ સાધુઓને હાંકી કાઢવા માટે અમે આવેદન આપવા આવ્યા છીએ. અત્યારે અમે બહાર પણ નીકળી શકતા નથી. સાધુ બધી લીલાઓ કરે છે અને ભોગવવાનું હરિભક્તોને. અમે બહાર નીકળ્યે ત્યારે બધા કહે છે કે જુઓ તમારા સ્વામીએ પરચો આપ્યો.

Most Popular

To Top