પાણી દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ જ જરૂરી છે. પાણી વડે શરીરનાં બધાં કાર્યો થતાં હોય છે. પાણી શક્તિ પણ આપે છે. યોગ્ય પ્રમાણમાં જો પાણી પીવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી થઈ શકે છે. અમેરિકામાં થયેલા એક સંશોધનમાં આ વિગત સામે આવી છે. પાણી પીવાથી મેટાબોલિઝમ- શરીરની ચયાપચયની ક્રિયા ઝડપથી થાય છે જે વજન ઘટાડવામાં ઉપયોગી છે. ૫૦૦ મી.લી. જેટલું પાણી પીવાથી ચયાપચયની ક્રિયા એક કલાક માટે ૩૦ ટકા જેટલી ઝડપી બને છે.
એક દિવસમાં બે લીટર પાણી પીવાથી પાચનની ક્રિયા પણ સરળ થઈ જાય છે. ચયાપચયની ક્રિયા ઝડપી બને છે. ઉપરાંત શરીરનાં તમામ કાર્યોમાં સરળતા આવી જાય છે, જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે. જ્યારે શરીરમાં પાણી ઓછું થઈ જાય છે ત્યારે શરીરને કાર્ય કરવા કઠીન થાય છે ઉપરાંત વધારે શક્તિની જરૂર પડે છે. ખાસ કરીને વધારે વજન ધરાવતી વ્યક્તિઓ માટે, સ્થૂળ વ્યક્તિઓ માટે રોજ જમવાના ૩૦ મિનિટ પહેલાં જો ૫૦૦ મી.લી. પાણી પીએ તો વ્યક્તિનો ખોરાક ઓછો થશે. થોડોક ખોરાક લેવાથી જ એનું પેટ ભરાઈ ગયું એમ મહેસૂસ થશે. જો આમ તે લાંબા સમય સુધી પ્રયત્ન કરશે તો એના વજનમાં ઘટાડો નોંધાશે. સોડા, જ્યુસ કે અન્ય પ્રકારનાં પીણાને બદલે જો માત્ર પાણી જ પીવામાં આવે તો શરીરમાં જતી કેલરીનું પ્રમાણ ઓછું થઈ જશે અને વજન સરળતાથી ઓછું થઈ જાય છે.
એક ૩૦૦ મી.લી.ની બોટલમાં લગભગ ૧૫૦ કેલરી હોય છે. વજન ઉતારવા માટે વ્યક્તિએ પોતાના વજન જેટલું ( કિલોગ્રામ ) તેટલા ઔંસ રોજ પાણી પીવું જોઈએ એટલે કે ૭૦ કિલોગ્રામવાળા વ્યક્તિએ ૭૦ ઔંસ એટલે કે ૨૧૦૦ મી.લી. જેટલું પાણી પીવું જોઈએ. પરંતુ વ્યક્તિના ખોરાક પ્રમાણે તથા એની કાર્યશૈલી પ્રમાણે , વાતાવરણ પ્રમાણે તથા સ્વાસ્થ્ય હિસાબે એમાં વધઘટ હોઈ શકે છે. જે વ્યક્તિ વધારે રેસાવાળો ખોરાક લેતો હોય તેને ખોરાક પચાવવા માટે વધારે પાણીની જરૂર પડે છે. જે વ્યક્તિ વધારે કસરત કરતી હોય કે ગરમ વાતાવરણમાં રહેતી હોય તેને માટે પણ પાણીની જરૂરિયાત વધારે રહે છે. ઠંડુ પાણી તથા ગરમ પાણી બંને વજન ઘટાડવા માટે ઉપયોગી છે.
જ્યારે વ્યક્તિ ઠંડુ પાણી પીએ છે ત્યારે શરીરને એ પાણી સામાન્ય તાપમાને લાવવા વધારે કેલરી વાપરવી પડે છે. ૫૦૦ મી.લી. જેટલું ઠંડુ પાણી જ્યારે કોઈ વ્યક્તિ પીએ છે ત્યારે તેની ચયાપચયની ક્રિયામાં ૩૦ % કેલેરી વધારે વપરાય છે. ગરમ પાણી પીવાથી પાચનક્રિયા પણ સરળ બની જાય છે જે પણ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. વધારે પાણી પીવા માટે તમે પાણીની અંદર લીંબુનો રસ પણ નાખી શકો છો અથવા તો પાણીની અંદર કાકડી રાખીને પણ તેનું પાણી પી શકો છો. સવારે ઊંઘમાંથી ઊઠ્યા બાદ પણ તમે ગરમ પાણી કે સાદું પાણી કે લીંબુ વાળું પાણી પણ પીવું ફાયદાકારક છે. આ ઉપરાંત જે ખોરાકમાં પાણી વધારે છે જેવાં કે કાકડી, તડબૂચ કે સેલેરીનો પણ તમારા ખોરાકમાં ઉમેરો કરો.
અમેરિકા – ડૉ. ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.