સુરત: (Surat) ગત અઠવાડિયે સુરત કસ્ટમ અને ડીઆરઆઇ (DRI) વિભાગે સેઝની ડાયમંડ યુનિટમાંથી ડાયમંડના મિસડેક્લેરેશનનું કૌભાંડ ઝડપી પાડ્યા બાદ આજે સુરત ડીઆરઆઈ ડીઆરઆઈએ હજીરાના પોર્ટ (Hazira Port) પરથી 198 મેટ્રિક ટન પાકિસ્તાનની ખારેક પકડી પાડી છે. જેની બજાર કિંમત અંદાજે 50 લાખથી વધુ થાય છે. વરાછાની ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકોએ મૂળ પાકિસ્તાની ખારેકને ચોપડે દુબઈની ખારેક (Dried Date) દર્શાવી 180 ટકા લગભગ 83 લાખની ડ્યૂટી ચોરી કરી છે.
ડીઆરઆઇના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, હજીરાના અદાણી પોર્ટ પર કેટલાક લોકો મિસડિક્લેરેશન કરી પાકિસ્તાનથી ખારેક આયાત કરી રહ્યા હોવાની બાતમીના આધારે ડીઆરઆઇએ દરોડા પાડી તપાસ કરતા વરાછાની ડી.સી. ઈન્ટરનેશનલના પાંચ કન્સાઈનમેન્ટમાં 198 મેટ્રીક ટન ખારેક મળી આવી હતી. કસ્ટમ વિભાગના ચોપડે આ ખારકે દુબઈની હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ બિલ સહિતના બીજા દસ્તાવેજો ચેક કરતા તે પાકિસ્તાનની હોવાનું બહાર આવ્યું હતું.ભારત અને પાકિસ્તાન વચ્ચે વેપારીક સંબંધો નથી. તેથી પાકિસ્તાનમાં ઉત્પાદિત કોઈ પણ ચીજવસ્તુને ભારતમાં આયાત કરવા માટે ઊંચો કર આપવો પડે છે.
કોઈ આયાતકાર પાકિસ્તાનથી ખારેક આયાત કરે તો તેની પર 200 ટકા ડ્યૂટી છે. જ્યારે દુબઈથી ખારેકની આયાત પર માત્ર 20 ટકા ટેક્સ છે. ડી.સી. ઈન્ટરનેશનલના સંચાલકો પાકિસ્તાનથી ખારેક દુબઈ મોકલતા અને દુબઈથી ભારત લાવતા હતા. આ રીતે તેઓ 120 ટકા જેટલી ડ્યૂટી ચોરી કરતા હતા. આજે જપ્ત કરાયેલી 198 મેટ્રીક ટન ખારેક પર 200 ટકા લેખે ડ્યૂટી વત્તા અન્ય દંડ મળી કુલ 83 લાખની વસૂલાત કાઢવામાં આવી છે. જો ટેક્સ નહીં ભરે તો ધરપકડ કરવામાં આવે તેવી શક્યતા છે.
હોંગકોંગના મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ચકચાર
સુરત: આજે વહેલી સવારે સુરતના હીરા બજારો ખુલે તે પહેલા હોંગકોંગના મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઇ સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ચકચાર મચી હતી. હોંગકોંગના શા ટૉ કોક કંટ્રોલ ચેક પોઈન્ટ પરથી હોંગકોંગના કસ્ટમ વિભાગે અંદાજે 25 કરોડની કિંમતના 1302 હીરા જપ્ત કર્યા છે. ડ્યૂટી ભર્યા વિના હેરફેર કરાતા આ ડાયમંડના જથ્થા સાથે 47 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. અને આ હીરાનો જથ્થો હોંગકોંગથી કોણે મોકલ્યો છે અને ચીનના સેન્ઝેનમાં કોને ડિલિવરી આવનાર હતી તેની તપાસ શરૂ થઇ છે. ભૂતકાળમાં બે વાર સુરત અને મુંબઇના હીરા વેપારીઓ ડ્યૂટી ચોરી કરવાના હેતુસર હીરાના જથ્થા સાથે પકડાઇ ચુક્યા છે. સુરત અને મુંબઇના 22 વેપારીઓ લાંબી જેલ કાપી કેન્દ્ર સરકારની ડિપ્લોમેટિક ચેનલ થકી 2012માં મુક્ત થયા હતા.
હોંગકોંગ અને ચીન વચ્ચે ડાયમંડની હેરફેર પર 10થી 20 ટકા જેટલો ટેક્સ લાગે છે. આ ટેક્સ બચાવવા માટે કેટલાંક લેભાગુ વેપારીઓ ટ્રક મારફતે ડાયમંડ છુપાવીને હેરફેર કરતા હોય છે. આવો જ એક કેસ હોંગકોંગ કસ્ટમ ડિપાર્ટમેન્ટે બુક કર્યો છે. ગુરુવારે રાત્રે અંદાજે 8 કલાકે હોંગકોંગથી ચીનના સેન્ઝેન જતી એક ટ્રેકને રૂટીન ઈન્સ્પેક્શન વખતે રોકવામાં આવી હતી. ટ્રકના ડ્રાઈવર દ્વારા જે ચલણ બતાવવામાં આવ્યું હતું તેમાં સોનાના પટ્ટાઓ લઈ જવામાં આવી રહ્યાં હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીઓએ ટ્રકની પાછળના બોર્ડ પર બે ધાતુના બોક્સ શોધી કાઢ્યા હતાં.
જેમાં 1302 હીરા, 330 ગ્રામ ડાયમંડની ચીપ્સ, જેડ અને નીલમ જપ્ત કર્યા હતા જેની બજાર કિંમત અંદાજે 25 કરોડ થાય છે. અધિકારીઓ દ્વારા માલ જપ્તી સાથે 47 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. આ હીરા ભારતીય ડાયમંડ કંપનીઓના હોવાની શક્યતા ઓછી છે. કારણ કે સેન્ઝેન કૌભાંડમાં ચીનની જેલમાં સુરતના હીરા ઉદ્યોગકારોએ ભોગવેલી યાતના બાદ ચીન અને હોંગકોંગમાં વેપાર કરતા મોટા ભાગના વેપારીઓ ગેરરીતિથી દૂર રહે છે. જોકે, હીરા કોના છે અંગેની તપાસ જારી છે. તે પછી જ સ્પષ્ટ થશે કે હીરા ભારતીય કંપનીના છે કે નહી?