Business

સપનું! એક ક્ષણ માટે તો મને પણ શંકા ગઈ હું પરણેલો હોઉં એવું તો નહિ હોય!

Man in red car with cup of hot coffee or tea – cartoon character vector illustration

ચાલની હવે તું સીંગલીયો નથી તો નથી… સોલ વરસની છોકરીની ગાણી સરમાય ચ શાનો…?’ ‘બાવાજી હું શરમાતો નથી…’ મેં ગળુ ખોંખારી કહ્યું ‘લગ્ન કર્યા હોય તો છુપાવું શા માટે…? મારા લગન થયા જ નથી અને તમે આમ ઠોકી બજાવીને કહો તો બધાને કન્ફયુઝન થાય ને!’ મારા ચાના બાંકડા નજીક એન્ટીક શોપ ચલાવતા ફિરદોસ વહાણવાલા જેને તે પારસી હોવાથી સહુ બાવાજી કહે છે એમની દુકાનમાં મારા નિયમિત ગ્રાહક અને મિત્ર એવાં હવાલદાર શિંદે, લૈલા અને હું ગઈ કાલે પૂછવા ગયેલા કે ‘રાજુ તો પરણેલો છે…’ કિસમની અફવા એ શું કામ ફેલાવી રહ્યા છે? ત્યારે અમારી આંખ સામે એ ગાયબ થઇ ગયા હતા.

બાવાજી ક્યાં ગયા એ અમે વિચારતા, મૂંઝાતા હતા ત્યાં સાંજે મારા ચાના બાંકડાની પાડોશમાં વડાપાંઉનો સ્ટોલ ચલાવતી રૂપા ખબર લઇ આવી કે બાવાજી તો એમની દુકાનમાં જ છે. બાવાજી જ્યારે અમારા આ ચીકુવાડી વિસ્તારમાં આવ્યા ત્યારે એમણે સ્થાનિક નગરસેવક આદિનાથ મ્હાત્રેની જે રીતે ફજેતી કરેલી એ હજી યાદ હતી. આદિનાથ મ્હાત્રે રોડ ડીવાઈડર પરની જાળી પર ‘નગરસેવક આદિનાથ મ્હાત્રે કે ફંડ સે યહ કામ કિયા ગયા’ એવી જાહેરાત એમના માણસો મૂકી રહ્યા હતા ત્યારે તેમને ફોન પર આ બાવાજીએ ‘યે રોડ ડીવાઈડર કી જાલી પર તુમ્હારા નામ ક્યોં લિખા હૈ? યે તુમ્હારે બાવા કા પૈસા સે જાલી લગાતા હૈ ક્યા? કાન ખોલ કર સુન મ્હાત્રે યે તુમ્હારે નહિ હમારે બાવાજી કા પૈસા હૈ –જનતા કે બાવાજી કા પૈસા હૈ –સાલા હમારે ટેક્સ કે પૈસે સે રોડ પર જાલી લગતા હૈ ઔર નામ અપને બાવાજી કે બેટેકા? તુમ્હેરા ક્યા પીસ્ટન ખીસક ગયેલા હૈ? બોલ અત્તર ઘડી જવાબ દેવ મેરે કો?’ કહી એવાં ખખડાવેલા કે મ્હાત્રે સાહેબે ડીવાઈડર પરની જાળીઓ પરથી પોતાનું નામ હટાવી નાખેલું.

ત્યારે અમે સહુએ એ માનેલું કે આ બાવાજીનું સરકારમાં કોઈ ઊંચું કનેક્શન હોવું જોઈએ. પણ બાવાજી ભલા અને એમનું એન્ટીકનું કામ ભલું. સરકારી લાગવગવાળા માણસનું કોઈ લક્ષણ જણાયું નહીં. પછી એક વાર મને અને હવાલદાર શિંદેને શક ગયો કે રૂપા ડ્રગસની હેરફેર સાથે સંકળાયેલી છે કે શું (એ એક અલગ કહાણી છે- પછી ક્યારેક) તો બાવાજીએ રૂપાના પક્ષમાં એવી સાક્ષી પૂરી કે રૂપા પર શક ન કરી શકાય –ત્યારે મને અને શિંદેને એક વિચાર એ પણ આવેલો કે બાવાજી ક્યાંક આ ડ્રગ્સ હેરફેર સાથે જોડાયેલા તો નહિ હોય ને!

પછી બાવાજીએ ફટાકડો ફોડ્યો કે રૂપા તો પરણેલી છે! અમે રૂપાને આ પરણેલા હોવાની વાત સાચી છે કે ખોટી એ પૂછીએ એ પહેલાં બાવાજીએ બીજો ફટાકડો ફોડ્યો કે રાજુ –એટલે કે હું–પણ પરણેલો છું…! કોણ છે આ બાવાજી? અને એમનો હેતુ શું છે આવી વાતો ફેલાવવાનો? બાવાજીનું વ્યક્તિત્વ એવું વજનદાર કે એમને કાંઠલો ઝાલી તો પૂછી ન શકાય! આથી ગઈકાલે એ અચાનક ક્યાં અને કેવી રીતે ગાયબ થઇ ગયેલા એ વાત બાજુએ મૂકી હું અને શિંદે આજે સવારે ફરી પૂછવા આવ્યા હતા કે આ પરણવાવાળી વાત શું છે?

બાવાજીનો મૂડ આજે સારો હતો એટલે મીઠું સ્મિત કરી મને પૂછ્યું :

‘ચાલની હવે તું સીંગલીયો નથી તો નથી… સોલ વરસની છોકરીની ગાણી સરમાય ચ શાનો…?’ હવાલદાર શિંદેએ બાવાજીને યાદ દેવડાવ્યું ‘વો રૂપા કા બાબતીત પણ તુમ્હી બોલલે કી શાદી હો ગયા હૈ…બસ ક્યા બાવાજી બિન્દાસ કુછ ભી બોલતા હૈ!’ ‘એ શિંદે બાબા…મે ચાવાચીવી નહિ કરતા હૈ રે…’ ‘ચાવાચીવી!’ શિંદે આ સાંભળી ઉત્તેજિત થઇ બોલ્યો ‘તેલ લગાને ગયા યે રાજુ ઔર ઉસ કા શાદી,,,આપ મેરેકુ ખાલી યેઈચ બતા દો કી યે ચાવાચીવી બોલે તો ક્યા? ઉસ દિન સુના તબ સે સાલા દિમાગ કા દહીં હો ગયા સોચ સોચ કર…’ ‘ઓહ્હ્હો…હો…હો… તુમેરે કો ચાવાચીવી કા મતલબ નહિ માલૂમ?!’ મોકળા મને હસી પડતા બાવાજીએ કહ્યું ‘ચાવાચીવી મતલબ ગોસીપ, પારકી પંચાત, ઇધર કી બાત ઉધર…’

‘ઓકે બાવાજી તો તમે ચાવાચીવી નથી કરી રહ્યા અને તમે શ્યોર છો કે મારા લગન થઈ ગયા છે?’ ‘તારી ઘેરવારીનો ફોટો બતાઉં કે દીકરા!’ હું અને શિંદે આ સાંભળી રીતસર હેબતાઈ ગયા. એક ક્ષણ માટે તો મને પણ શંકા ગઈ : હું પરણેલો હોઉં એવું તો નહિ હોય! હું જવાબ આપું એ પહેલાં કોઈના પગલાંનો વજનદાર અવાજ સંભળાયો. અમે જોયું તો એક ધારદાર ચહેરાવાળો સ્નાયુબદ્ધ આધેડ ઉંમરનો માણસ અદબભેર બાવાજી સામે આવી ઊભો રહ્યો. એને જોઈ બાવાજી આંખોમાં ચમક સાથે બોલ્યા ‘જુગનુ!’ ‘સર!’ એ જુગનુ વિશિષ્ટ સ્વરમાં બોલ્યો.

બાવાજીએ એને તાકતા શબ્દો વિના, ઇશારાથી પૂછ્યું : હું? જુગનુએ માથું હલાવી ‘હા’ કહ્યું ‘ઓકે’ બાવાજીએ કહ્યું અને ઊભા થઇ મને અને શિંદેને કહ્યું ‘બચ્ચા લોગ…આજ કી સભા સમાપ્ત હુઈ… બુલાવા આયા હૈ -જાના પડેગા…આવજો…’ બાવાજીએ સલુકાઈથી અમને ‘હવે જાવ અહીંથી’ કહી દીધું એ સમજાતા અમે ચૂપચાપ બહાર નીકળી ગયા. મારા બાંકડે પહોંચી મેં ચા મૂકવા ચૂલો પેટાવ્યો ત્યારે શિંદેએ મને કહ્યું ‘દેખ ઉધર…’ અમે જોયું કે એક કારમાં બેસી બાવાજી પેલા ધારદાર ચહેરાવાળા સાથે ચાલ્યા ગયા. ‘ યે બાવાજી બહુત બડી તોપ હૈ રે… અબ મિલિટરી કનેક્શન ભી નિકલ આયા!’  ‘બાવાજી કો લેકે ગયા વો આદમી મિલિટરીવાલા થા?’ પૂછતાં જ મને એ જુગનુનું સ્નાયુબદ્ધ શરીર અને મિલિટરીના સૈનિકની ઢબે ‘સર’ બોલવું યાદ આવ્યું.

‘મિલિટરી વાલો કા ચાલ હી અલગ હોતા હૈ…’ કહી શિંદેએ ઉમેર્યું ‘સાલા કૌન સા ડિપાર્ટમેન્ટ મેં બાવાજી કા વસીલા નહિ હૈ ? જીધર દેખો ઉધર ઇસ કા પૈર પહેલે સે ઘુસેલા હૈ.’ મારી ઘરવાળીની તસવીર બાવાજી મને દેખાડવાના હતા! એવું બને કે કોઈ અકસ્માતમાં મારી યાદદાસ્ત ખોવાઈ ગઈ હોય અને મારી પત્ની અને બાળકોને, મારા ઘરબારને ભૂલી હું ચાનો બાંકડો ચલાવવા માંડ્યો હોઉં! પણ હું ક્યાં યાદદાસ્ત ભૂલ્યો જ છું! નવસારીના ઝીમરી ગામમાં મારા બાપદાદાનું ઘર છે જ્યાં હું વારેતહેવારે જાઉં છું… હું પરણ્યો હોઉં તો મારા ગામમાં સહુને ખબર હોય –

આખરે ખૂબ વિચારી ‘બાવાજીને કોઈ ગેરસમજ થાય છે’ એમ આશ્વાસન લેતા મેં આ વિષય પડતો મૂક્યો. લૈલા અને શિંદે ચા પીતાં પીતાં ગુસપુસ અવાજમાં કંઈક વાત કરતા હતા. ચોક્કસ મારી જ વાતો હશે કેમ કે વચ્ચે એ બન્ને મને જોઈ લેતાં હતાં. બાવાજીએ મને આખરે ચાવાચીવીનો વિષય બનાવી જ દીધો! એમ વિચારતો હતો ત્યાં ‘મને ચા મલહે કે’ એવો ટહુકો સંભળાયો. તૂટેલો દાંત દેખાડતી રૂપા સ્મિત કરતી ઊભી હતી. મારા વિશે પર્યાપ્ત ગેરસમજો સર્જાઈ હતી આથી રૂપાને વળતો કોઈ જવાબ ન આપતા મેં ચૂપચાપ એને ચા આપી. પણ ચૂપ રહે તો એ રૂપા શેની? ‘કેમ બેટરી ડાઉન લાગે?’ ચાનો ઘૂંટ લેતા રૂપાએ પૂછ્યું.

હું શું બોલું?

અને શિંદે કેમ ન બોલે ! એ તરત ઉત્સાહમાં રૂપાને કહેવા માંડ્યો ‘બાવાજી કે પાસ રાજુકી વાઈફ કા ફોટો ભી હૈ!’ ‘હાઇલા…’ માસૂમ બાળા જેવા ભરપૂર આશ્ચર્ય સાથે ઉત્તેજિત સ્વરમાં રૂપાએ મને કહ્યું ‘બતાવો બતાવો મને બી ફોટો.’ મેં સહજતા જાળવી કહ્યું ‘હું તો જોઉં પહેલા મારી વાઈફનો ફોટો! પછી આખા ગામને દેખાડીશ’ ‘તમે ફોટાને બદલે તમારી વાઈફ જ દેખાડી દોની વરી!’ રૂપાનો તૂટેલો દાંત વધુ ચમકતો હોય એવું મને લાગ્યું. એટલામાં બાજુમાં કોફીનો સ્ટોલ ચલાવતો નીલેશ આવ્યો અને મને કહેવા માંડ્યો. ‘તમે બહાર ગયા હતા હમણાં?’ ‘નહિ રે, ઊભો ઊભો બાવાજી પાસે ગયેલો -કેમ?’ ‘તમારો સાળો આવ્યો હતો.’ મારા માથે જાણે વીજળી પડી… મારો સાળો? !***

દસ મિનિટથી રૂપા, લૈલા અને શિંદે મને ઘેરો ઘાલી ઊભા હતા. નીલેશ તો બૉમ્બ નાખીને પોતાના કોફીના સ્ટોલ પર ચાલ્યો ગયો હતો. નીલેશે જેવું કહ્યું કે મારો સાળો આવ્યો હતો તરત હું કંઈ બોલું એ પહેલાં રૂપા, લૈલા અને શિંદેએ નીલેશની ઊલટતપાસ શરૂ કરી દીધી હતી. કોણ સાળો, એ કેવી રીતે ઓળખે? મારા સાસરીના કોને કોને ઓળખે છે વગેરે… નીલેશ અકળાઈને બોલ્યો ‘હું કોઈને નથી ઓળખતો. એક ભાઈ આવીને રાજુ માટે પૂછપરછ કરવા માંડ્યા. મેં કહ્યું કોઈ સંદેશો હોય તો આપો હું કહી દઈશ તો મને કહ્યું કે ‘રાજુને કહેજો એનો સાળો આવેલો, પાંચ હજાર તૈયાર છે. ઘરે આવીને લઇ જાય.’ – બસ. આટલી જ વાત છે – મને બીજું કંઈ ખબર નથી…’ અને ઝડપથી ચાલ્યો ગયો હતો. હવે લૈલા, રૂપા અને શિંદે મને પાકો ગુન્હેગાર કરાર આપતી આંખો વડે તાકી રહ્યાં હતાં. મને લાગ્યું કે હું કોઈ સપનું જોઈ રહ્યો છું. સપનામાં હું કુંવારો છું.

સપનું હમણાં પૂરું થશે અને સ્કૂલથી મારાં બાળકો આવશે. પણ ક્યાં આવશે? અહીં ચાના બાંકડે? કે પછી ચાનો બાંકડો પણ સપનાનો જ એક ભાગ હશે! જાગીશ તો ખબર પડશે કે હું તો બીજું જ કશુંક કામ કરું છું અને મારું ગામ નવસારીમાં ઝીમરી જ હશે કે બીજું કોઈ? હમણાં હું જાગીશ અને બધું અદ્રશ્ય થઇ જશે – મારા વિવાહિત દર્જા સાથેની એક સાંસારિક ઓળખ અને એક નવું વિશ્વ મારા જાગવાની રાહ જોતા હશે? હું આંખ ખોલીશ ત્યારે આ બધું નહિ હોય જે હાલ મારી આસપાસ છે? આ તૂટેલા દાંતવાળી રૂપા પણ નહીં હોય?

Most Popular

To Top