જેને નિષ્ફળ પ્રોજેક્ટ તરીકે અત્યાર સુધી ગણાવવામાં આવી રહ્યો છે તેવા સુરતના છેવાડે આવેલા ડ્રીમસિટીના વિકાસ માટે હવે ખજોદ અર્બન ડેવલપમેન્ટ અને ડ્રિમસિટીની કંપની દ્વારા કમર કસવામાં આવી છે. પહેલોજ પ્રોજેક્ટ ‘ડાયમંડ બુર્સ’ ભલે વેગ પકડી શક્યો નહીં પરંતુ આગામી દિવસોમાં ડ્રીમ સિટીને એવું બનાવવામાં આવશે કે વેપાર-રોજગાર માટે તો લોકો જશે જ પરંતુ ખાલી ફરવા માટેનું પણ એક નવું ડેસ્ટિનેશન સુરતીઓને મળશે.
સુરતને ઈકોનોમી ગ્રોથ હબ બનાવવા માટે નીતિ આયોગ દ્વારા ગ્લોબલ સાઉથ રિજિયનમાં બીટુબી એટલે બિઝનેસ ટુ બાયર અને બીટુસી એટલે બિઝનેસ ટુ કસ્ટમર ઝોન માટે ડ્રીમસિટીનું ડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડ્રીમ સિટીમાં દેશના સૌથી મોટા ભારતબજારને ડેવલપ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે રૂપિયા 50 કરોડની જોગવાઈ પણ કરી છે. ડ્રીમ સિટીમાં અત્યાર સુધીમાં 400 કરોડનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. જ્યારે આગામી ફેઈઝમાં તેના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટ દ્વારા ડિઝાઈન તેમજ એસ્ટિમેટની કામગીરી હાથ ધરવામાં આવી છે. આખી ડ્રીમસિટીના વિકાસ માટે હવે માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ડ્રીમ સિટીમાં ભારતબઝાર અંતર્ગત 2047 સુધીમાં 20 ગણો વિકાસ કરવાનો નિર્ણય કરાયો છે. સુરત રિજિયન ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત ડ્રીમસિટીમાં વિવિધ પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે….

બે 5 સ્ટાર બિઝનેસ હોટલ-રેસ્ટોરન્ટ બનાવાશે
ડ્રીમસિટીના ભારતબજારમાં દેશ-વિદેશથી ખરીદદારો પણ આવશે. તેમના માટે એક નહીં પરંતુ બે 5 સ્ટાર બિઝનેસ હોટલ તેમજ સાથે રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવશે. આ હોટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આર્ટિઝન મ્યુઝિયમ થકી વિશેષતા રજૂ થશે
ભારત દેશમાં અનેક વિવિધતાઓ ભરેલી છે. જેમાં અવનવા ઉત્પાદનોનો પણ સમાવેશ થાય છે. આ ઉત્પાદનોમાં કેટલાક એવા હોય છે કે જે હેન્ડીક્રાફ્ટથી તૈયાર થયા હોય છે. જ્યારે કેટલાક હેન્ડલૂમથી બનાવાયા હોય છે. આ ભારતની પ્રાચીન કલા હોવાથી લોકો તેને જાણી સમજી શકે અને જેને રસ હોય તે શીખી પણ શકે તે માટે ડ્રીમસિટીના ભારતબજારમાં આર્ટિઝન મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે. આ મ્યુઝિમમાં ભારતના પ્રાચીન કલાકારો, તેમની હસ્તકલા, હેન્ડીક્રાફ્ટ-હેન્ડલૂમથી તૈયાર થયેલા ઉત્પાદનો પ્રદર્શનમાં મુકવામાં આવશે. આ પ્રદર્શનીનો મુખ્ય હેતુ લોકોને અવગત કરાવવાનો છે.
આર્ટિઝન વિલેજ એન્ડ એક્સપેરિયન્સ સેન્ટરમાં વેચાણ પણ થશે
દેશમાં ઠેકઠેકાણે આ કલાકારો દ્વારા હેન્ડીક્રાફ્ટ તેમજ હેન્ડલૂમની અનેક પ્રોડક્ટ બનાવવામાં આવે છે. આવા કલાકારો પોતાની તૈયાર કરેલી આઈટેમો વેચી શકે તે માટે ડ્રીમસિટીમાં આર્ટિઝન વિલેજ એન્ડ એક્સપેરિયન્સ સેન્ટર બનાવાશે. જેમાં તેઓ પોતાની પ્રોડક્ટનું વેચાણ પણ કરી શકશે.

ટેક્સટાઈલ એન્ડ એપેરલ બુર્સ
વિશ્વમાં ટેક્સટાઈલ અને એપરલ એ બંને વિકસતા ક્ષેત્રો છે અને એકબીજા સાથે જોડાયેલા છે. કાપડ અને ગારમેન્ટ બનાવનારાઓ સીધા મોટા વેપારીનો સંપર્ક કરી શકે તે માટે ડ્રીમસિટીના ભારતબજારમાં ટેક્સટાઈલ અેન્ડ એપેરલ બુર્સ બનાવવામાં આવશે. આ બુર્સમાં ટેક્સટાઈલ- એપેરલમાં સીધો બીટુબી કોન્ટેક્ટ કરી શકાશે.

ટેક્સટાઈલ એન્ડ એપેરલ સુક
ટેક્સટાઈલ અને એપેરલના ઉત્પાદનોનું સીધું વેચાણ કરી શકાય તે માટે ડ્રીમસિટીમાં ટેક્સટાઈલ એન્ડ એપેરલ સુક બનાવવામાં આવશે. સુક એટલે અરબી ભાષામાં બજાર. આ બજારમાં વિવિધ કાપડથી માંડીને રેડીમેઈડ ગારમેન્ટ સુધીની ખરીદી લોકો કરી શકશે. બ્રાન્ડેડ કંપનીઓ તેમાં ભાગ લેશે.
બે મોલ્સ એન્ડ રિટેઈલ સ્પેસ ઊભા કરાશે
લોકો ખરીદી કરી શકે તે માટે એક નહીં પરંતુ બે-બે મોલ અને રિટેઈલ સ્પેસ ડ્રીમસિટીમાં બનાવવામાં આવશે.

હેલિપેડ- વર્ટિપેડ
વેચવા કે ખરીદી કરવા માટે આવતા ઉત્પાદકો કે વેપારી માટે હેલિપેડ અને વર્ટિપેડ પણ બનાવાશે. હેલિપેડ પર હેલિકોપ્ટર ઉતરશે. જ્યારે વર્ટિપેડ પર બેટરીથી ચાલતા નાના વિમાનો ઉતારવામાં આવશે. હાલમાં વર્ટિપેડનો કોન્સેપ્ટ નવો છે.

જ્વેલરીના હોલસેલના સોદા માટે બુર્સ બનશે
સુરત સહિત દેશમાં જ્વેલરી બનાવવાવાળા ઘણા છે પરંતુ તેને વેચવા માટે યોગ્ય પ્લેટફોર્મ હોતું નથી. ડ્રીમસિટીના ભારતબજારમાં ઉત્પાદનકર્તાઓ સીધા વેપારીઓ સાથે પોતાની જ્વેલરીના હોલસેલ સોદા કરી શકશે. આ બુર્સમાં મોટી ઓફિસોની સાથે બીટુબી માટે વિવિધ સુવિધાઓ પણ ઊભી કરાશે.

જેમ્સ એન્ડ જ્વેલરી સુક એટલે બજાર બનશે
ડ્રીમસિટીમાં ડાયમંડ બુર્સ છે પરંતુ લોકો જેમ્સ અને જ્વેલરીની સીધી ખરીદી કરી શકે તે માટે ડ્રીમસિટીમાં જેમ્સ એન્ડ જ્વેલરી સુક પણ બનાવવામાં આવશે. આ બજારમાં સુરત સહિત દુનિયાની જાણીતી બ્રાન્ડના જેમ્સ એન્ડ જ્વેલરીના સ્ટોર્સ હશે.

ડ્રીમસિટીનું ભારત બજાર અનોખું હશે: શાલિની અગ્રવાલ
મ્યુનિ.કમિ., ડ્રીમસિટીના એમડી તેમજ ખુડાના ચેરમેન શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ડ્રીમસિટીમાં બનનારું ભારતબજાર દેશનું સૌથી મોટું બજાર બનશે. સાથે સાથે આ બજારમાં જ્વેલરીથી માંડીને ટેક્સટાઈલ તેમજ એપેરલનું બીટુબી અને બીટુસી મોડલ હશે. હેન્ડીક્રાફટ અને હેન્ડલૂમના પ્રોત્સાહન માટે આર્ટિઝન વિલેજ બનશે. આ એવું બજાર બનશે કે જ્યાં તમામ વસ્તુ એકજ સ્થળે મળી રહેશે.