World

પાકિસ્તાનની જેલમાંથી 18 ખૂંખાર કેદીઓ ભાગી ગયા, ફિલ્મી સ્ટાઈલમાં આ ગુનાને અંજામ અપાયો

ઈસ્લામાબાદ: (Islamabad) પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી (Kashmir) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરક્ષા ગાર્ડ પર હુમલો કરીને અહીં સ્થિત જેલમાંથી ઓછામાં ઓછા 18 ખતરનાક ગુનેગારો ભાગી ગયા છે. અધિકારીઓએ સોમવારે આ અંગેની માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે નાસી છૂટેલા કેદીઓમાંથી છને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ ઘટના શુક્રવારે રાવલકોટ જેલમાં બની હતી જ્યારે એક કેદીએ બંદૂકની અણીએ સુરક્ષા ગાર્ડને ધમકી આપી હતી અને જેલની ચાવીઓ છીનવી લીધી હતી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે નાસી છૂટેલા 18 કેદીઓમાંથી છને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી જ્યારે અન્ય ત્રણ આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા. એક અન્ય કેદી, જે ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેનું ગોળી વાગતાં મૃત્યુ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે તે (કેદી) પાંચ વર્ષની જેલની સજા ભોગવી રહ્યો હતો. પોલીસે આ વિસ્તારમાં વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. દરમિયાન, અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને જેલના વડા સહિત અન્ય કેટલાક અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે.

અટકાયતમાં લેવાયેલા અધિકારીઓ
પોલીસે કહ્યું કે કેટલાક મામલાઓ અંગે પૂછપરછ માટે અધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. સમા ટીવીના સમાચાર મુજબ, રાવલકોટ જેલના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ સહિત સાત અધિકારીઓની અટકાયત કરીને સુરક્ષા ભંગની તપાસ શરૂ કરવામાં આવી છે. સમાચાર અનુસાર, સુરક્ષામાં ખામીને જોતા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની તમામ જેલોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સરકારે કેદીઓના ભાગી જવા પાછળના કારણોની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવાનો આદેશ આપ્યો છે.

Most Popular

To Top