નડિયાદ: ખેડા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ફરજ બજાવતાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓએ સમાન કામ….સમાન વેતન સહિતની વિવિધ આઠ પડતર માંગણીઓ પુરી કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ ફરજ બજાવતાં કર્મચારીઓએ સમાન કામ…સમાન વેતન સહિતની વિવિધ આઠ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સમક્ષ બાંયો ચઢાવી છે અને આ મામલે ખેડા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ડી.આર.ડી.એ-એ.ડી.એમ કર્મચારીઓને સન ૨૦૦૭ થી અત્યાર સુધીમાં નજીવો પગાર વધારો આપવામાં આવ્યો છે.
ઓછા પગારને કારણે મોંઘવારીમાં જીવન નિર્વાહ ગુજારવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સરકારની ફિક્સ પગાર નિતી મુજબ સમાન હોદ્દાઓ માટે મળતો ફિક્સ પગાર અને મળતી સવલતો ગ્રામ વિકાસના મહેકમના ૧૧ માસ કરાર આધારિત કર્મચારીઓને પણ મળે તેવી માંગ છે. સમાન કામ…સમાન વેતન ઉપરાંત, કાયમી કર્મચારીઓને મળતાં લાભ, પાંચ વર્ષ પૂરા કરેલાં કર્મચારીઓને કાયમી કરવા, ત્રણ મહિનાથી વધુના ચાર્જ માટે સમાન હોદ્દામાં 5 ટકા અને ઉચ્ચ હોદ્દા માટે 10 ટકા ચાર્જ એલાઉન્સ આપવામાં આવે, પી.એફ યોજનાનો લાભ આપવા, કરાર રિન્યુ વખતે ૧૦ થી ૨૦ ટકાનો પગાર વધારો આપવો તેમજ ઈ.એસ.આઈ.સી નો પણ લાભ આપવામાં આવે તેવી માંગ કરી છે.