નવાઈની વાત છે કે જ્યાં બેસીને કોઈ પણ જાતનું ચિત્રકામ થતું નથી છતાં તે કહેવાય છે ડ્રોઈંગ રૂમ. જ્યાં કોઈ દરબાર ભરાતો નથી પણ કહેવાય છે દીવાનખંડ, જ્યાં કોઈ મહેમાન આવે તે સિવાય ઘરવાળા ૩૦ મિનીટ પણ બેસતા નથી તો પણ કહેવાય છે બેઠકખંડ, જો કે આ જ રૂમ આખા મકાનનો ચહેરો અને દરેક ઘરનું વૈભવ પ્રદર્શન છે. જ્યારે બે જણા સામસામે મળે ત્યારે સહુથી પહેલી નજર એકબીજાના ચહેરા ઉપર પડે છે. સ્માઈલ સાથે જ જે તે વ્યક્તિનું વ્યક્તિત્વ મપાઈ જાય છે. આ જ રીતે જ્યારે વરંડો ક્રોસ કરીને કોઈના ઘરના મુખ્ય દરવાજેથી તમને અંદર આવકારાય તો પહેલી નજર બેઠકખંડની હવાઉજાસ, સ્વચ્છતા અને દીવાલોના કલર કોમ્બીનેશન ઉપર પડે છે.
તમારી તશરીફ રાખતા પહેલા તમારી નજર સોફાસેટના કલર કોમ્બીનેશન, ગોઠવણ અને તેની વુડ કે સ્ટીલની બાંધણી ઉપર પડે છે. મોટાભાગે સી કે યુ શેપમાં સોફા ગોઠવેલા હોય છે તો કયારેક એલ શેપમાં ગોઠવાય છે. બાજુમાં એક લાંબી પાટ રાખવામાં આવે છે જ્યાં ઘરના કોઈ વડીલ કાયમ બેઠેલા કે સુતેલા જોવા મળે છે, તે હાથમાં માળા ફેરવતા કે ટીવી ઉપર ભજન ચેનલો જોતા જોતા હાથમાં રાખેલી ગીતાનો પાઠ કરતા રહે છે. તે લાઈવ સીસીટીવી કેમેરાની જેમ ઘરના દરેક કુટુંબીજનોની અવરજવરનો માનસિક રોજમેળ રાખે છે. સમાજની એક દુખદ આયરની છે કે આજના જમાનામાં કોઈ છોકરા છોકરીના સેટિંગ માટે એકબીજાના ઘરે જ્યારે એકબીજાના ફેમીલી સાથે મીટીંગ થાય છે ત્યારે અનાયાસે છોકરી વાળાના સભ્યોમાં એક ગુસપુસ તો જરૂર થાય છે કે ઘરમાં લાઈવ ફર્નીચર કેટલું છે? તે કઈ કંડીશનમાં છે? રોજનું કેટલું રીપેરીંગ માંગે છે? જો વાત આગળ વધી અને મેરેજ થયા તો તેમની દીકરીને રોજની કેટલાની કેટલી સેવા કરવી પડશે. આ છે કેટલાક અપવાદ રૂપ છોકરીવાળાઓની સમજ અને સમાજનું પતન।
દીવાનખંડ ઘરનો બહુ જ અહમ વિસ્તાર હોવા છતાં તેનું પોતાનું કોઈ કમાડ હોતું નથી. મકાનનું મેઈન પ્રવેશદ્વાર આખા ઘરની એન્ટ્રી હોય છે જે દીવાનખંડમાં ખુલે છે. ડ્રોઈંગરૂમના પડોશીઓ જોઈએ તો એક બાજુ ફેમીલી લંચ કે ડીનર માટેનો બે, ચાર કે છ ખુરશીઓ વાળો ડાઈનીંગ રૂમ હોય છે. ત્યાં સવાર સાંજ ભેગા મળીને જમવા કરતા છુટા છુટા મોબાઈલમાં આંખો રમવાના સીન દરેક ટેબલે જોવા મળે છે. બીજી બાજુ એક રમ્ય પાડોશી તરીકે સિનિયર સીટીઝન માલિક-માલકણનો બેડરૂમ હોય છે. જો મકાનમાં ઉપર એક માળ હોય તો ત્યાં જવાની સીડી પણ ઘરના મેઈન ડોરની સામે જ હોય છે. કેટલાક વજનમાં અને વાણીજ્યમાં પણ ખમતીધર લોકો સીડીની બાજુમાં જ પારદર્શક કેપસ્યુલ કપલ લીફ્ટ બનાવે છે.
તેમાં બે જ જણા એકબીજાની સામે અડોઅડ ઉભા રહીને તેમના ઉભરાતા ઈમોશન્સને ‘લીફ્ટ કરી દે છે. એક દીવાલ ઉપર મોટી ફેંચ વિન્ડો હોય છે. હવા ઉજાસની સાથે તે ઘરના ‘પવન’ અને ‘ગૌરી’ ને પણ મોર્નિંગ કે ઇવનિંગ ટી માટે તેની આરપાર જઈને ઘરના ગાર્ડનમાં બેસીને ચાની ચુસ્કીઓ ભરાવે છે. સોફાની સામે જ એક પ્લેટફોર્મ ઉપર પોતપોતાની શક્તિ પ્રમાણે ૫૦ થી ૮૦ ઇંચનો ફુલ એચડી સ્માર્ટ ટીવી હોય છે. મોટાભાગના લોકો એક શોકે સના ભાગ રૂપે ડ્રોઈંગરૂમને આકર્ષક ફનીચરથી મઢાવે છે. મારું મંતવ્ય આ બાબતમાં જરા હટકે છે. તમારા ચોવીસ કલાકનો મોટોભાગ ઓફિસમાં કે બેડરૂમમાં જ જતો હોય છે. બાકીના સમયમાં તમે બાથરૂમમાં નહાઓ-ધુઓ. ડાઈનીંગ એરીઆમાં નાસ્તો કે ભોજન લો અને બેઠકરૂમમાં બેસીને ટીવી ન્યુઝ જુઓ છો. આ જ કારણે મારા મતે કોઈ પણ ઘરના બેડરૂમ અને ઓફીસ જ્યાં તમે એંશી ટકા સમય ગાળો છો તે મસ્ત અને કમ્ફર્ટેબલ હોવા જોઈએ. બેડરૂમ તમારા આત્મીય અંગત સંબંધોનો સાક્ષી હોય છે. ઓફીસ તમારા ધંધાકીય સંગત સબંધોનો સાક્ષી હોય છે.
ડ્રોઈંગરૂમ કે જ્યાં કોઈ ગેસ્ટ આવ્યા હોય તે સિવાય તમે અડધો કલાક પણ બેસતા નથી તો તેને તાજમહેલની જેમ સજાવવાનો અર્થ ખરો! એકબીજાની આસપાસ કે બાજુબાજુમાં કે સામસામે બેસીને ‘શું ચાલે છે? બીજી શું નવાજુની’ જેવી ફોર્મલ વાતો અને ‘તમને પેલા ન્યુઝ મળ્યા?’ જેવી ગોસીપલ વાતો કરવા અને ચા-નાસ્તો ચરવા સિવાય અડધા કલાકનો પણ ઉપયોગ નથી થતો. તે માટે બસ સુઘડ બેઠક વ્યવસ્થાની જરૂર છે. દરેક નાગરના ઘરે જોવા મળતો એક ટુ વે’ વપરાય તેવો હિંચકો પણ મેઈન સોફાની સામે અવશ્ય રાખવો જોઈએ. જ્યાં તેને એક બાજુ રાખીને નાગરશ્રી ગેસ્ટ સાથે ચા-નાસ્તો કરતા ગુફ્તગુ કરી શકે અને નિરાંતના સમયે નાગરાણી તેને ટીવી બાજુ ગોઠવીને બપોરના ટીવી પ્રોગ્રામ માણી શકે.
આજકાલ તો ઘણા મોટા બંગલામાં કે ફોર બીએચકે હાઈ એન્ડ ફલેટ્સમાં ડ્રોઈંગરૂમની બાજુમાં જ લિવિંગરૂમ એક સાથે એક ફી સ્કીમની જેમ જોવા મળતો હોય છો. દિવાનખંડ બહારના ગેસ્ટસ માટે અને લિવિંગ રૂમ ઘરના બેસ્ટસ માટે હોય છે. થેક્સ ટુ ‘કોરોનાકાળ’ કે એકવીસમી સદીમાં દરેકના ડ્રોઈંગરૂમનો મેક્ષિમમ ઉપયોગ થયો છે. ઘરના સભ્યોથી તેની અંગત સાફ સફાઈથી માંડી સાથે ત્યાં સાથે બેસીને કેરમ,પત્તા કે ચેસ જેવી રમતો અથવા ઓટીટી પ્લેટફોર્મ ઉપર સમુહમાં સિરિયલો અને ફિલ્મો જોઈ હશે. આજકાલના ડ્રોઈંગ રૂમમાંથી કઈ ખોવાયું હોય તો તે લેન્ડલાઈનનો ડબ્બો ફોન, ભીતે લટકતું કેલેન્ડર અને દિવંગત વડીલોના હારવાળા ફોટાઓ અને કૌટુંબિક ગપસપ. જો કઈ નવું ઉમેરાયું હોય તો છત ઉપર પીઓપી, ફ્લોર ઉપર જાજમ. સેન્ટર ટીપોઈ ઉપર મોબાઈલ અને રીમોટસ, દીવાલે મોર્ડન પેઇન્ટિંગ અને આવકારનો ઉમળકો.