વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પાણી આવતા પહેલાં પાળ બાંધવા પ્રિમોન્સૂનની કામગીરી પાર પાડવા કવાયત હાથધરી છે. જોકે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા વારસિયા પોલીસ મથક પાસેના મુખ્ય માર્ગ પર છેલ્લા સાત સાત મહિનાથી ગોકળ ગતિએ ચાલી રહેલી નવીન ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીને લઈને વિસ્તારના રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. અને વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા તંત્ર સમક્ષ માંગણી કરી હતી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે પ્રતિવર્ષે પ્રથમ વરસાદી માહોલમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ઉઘાડી પડતી હોય છે.આ વખતે પણ પાલિકા તંત્ર દ્વારા શહેરની ડ્રેનેજો ,વરસાદી કાંસની સાફ સફાઈ સહિતની કામગીરી કરાઈ રહી છે.જોકે વરસાદી માહોલ જામે તે પૂર્વે અધૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે. જ્યારે શહેરના વારસિયા વિસ્તારમાં જુના આરટીઓ રોડ પર ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન રોડ પર ખાડા ખોદવામાં આવ્યા છે.છેલ્લા સાત મહિનાથી ગોકળગતિએ ચાલતી કામગીરીથી વિસ્તારના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.